૨૮ ઓક્સીજન કોન્સન્ટ્રેટર્સ વડે મહામૂલી જિંદગી બચાવાઈ, રેશન કીટ અને મેડીકલ કીટ પણ અપાઈ
સેવાકીય પ્રવૃત્તિઓમાં હંમેશા અગ્રેસર રહેતા રામકૃષ્ણ આશ્રમ રાજકોટ દ્વારા કોરોના રાહત અંતર્ગત વિવિધ કામગીરીઓ રાજ્યભરમાં કરવામાં આવી હતી. જેમાં ૨૮ જરૂરીયાતમંદ દર્દીઓને ઓક્સીજન કોન્સન્ટ્રેટર્સ અને ૧૯ દર્દીઓને ઓક્સીમીટર્સ વિનામૂલ્યે ઉપયોગમાં લેવા માટે આપવામાં આવ્યા હતા અને ૯૦ સ્ટીમ ઇન્હેલર વિતરિત કરાયા હતા.
- Advertisement -
આ ઉપરાંત રાજકોટના ૧૯૧,અમદાવાદના ૧૮૫ ,સોમનાથના ૮૧ અને જુનાગઢના ૨૭ જરૂરિયાતમંદ પરિવારો મળીને કુલ ૪૮૪ પરિવારો ને ઘઉંનો લોટ,ચોખા, મગદાળ, તેલ,ચા,ખાંડ,મીઠું, ગરમ મસાલા, બાક્સ સાથેની રેશનકીટ મે માસમાં આપવામાં આવ્યા હતા.જયારે સુરત જીલ્લાના કીમ માં ૪૦ કોરોના દર્દીઓને આખું ભાણું અને ફળો મળીને આખા માસમાં ૨૪૯૦ પ્લેટ ભોજન પૂરું પાડવામાં આવ્યું હતું. તો રાજકોટના સમગ્ર પોલીસ ડીપાર્ટમેન્ટ માટે ૧૮૦૦ એન ૯૫ માસ્ક ડીસીપી મનોહરસિંહ જાડેજાને અર્પણ કરાયા હતા.
આ સિવાય માંડવી તાલુકાના બિદડા અને નજીકના અન્ય ગામોમાં ૬૦૦ મેડીકલ કીટનું વિતરણ કરાયું હતું. કોરોના વોરીયર્સનું નૈતિક બળ વધે અને દર્દીઓને માનસિક તણાવમાં રાહત મળે તે માટે સ્વામી વિવેકાનંદના અંગ્રેજી પુસ્તક થોટ્સ ઓફ પાવરના ગુજરાતી અનુવાદ શક્તિદાયી વિચાર પુસ્તિકાની એક લાખ પ્રત છાપવામાં આવી હતી. જેમાંથી ૧૯૦૦ નકલ સિવિલ હોસ્પિટલના ડોક્ટર્સ,મનપાના કર્મચારીઓ અને જામનગર આયુર્વેદિક યુનીવર્સીટીના કર્મચારીઓમાં વિનામૂલ્યે વહેંચવામાં આવી હતી. સાથોસાથ દર રવિવારે સાંજે ચારથી પાંચ રામકૃષ્ણ આશ્રમ રાજકોટની યુટ્યુબ ચેનલ પર વિવેકાનંદ યુવા ભારત સિરીઝ અંતર્ગત વિવિધ મહાનુભાવોના ઓનલાઈન વક્તવ્ય અને પ્રશ્નોત્તરી પણ જાહેર જનતાના લાભાર્થે પ્રસારિત થઈ રહ્યા છે. જેના દ્વારા લોકો માર્ગદર્શન મેળવી શકે છે.