ફિલ્મી કલાકારો રાજકોટમાં ક્યાં ઉતરતા?
જગદીશ આચાર્ય
આજે તો રાજકોટમાં અનેક લક્ઝુરિયસ હોટેલ્સ થઈ ગઈ.પણ એક જમાનો હતો જ્યારે હજુ એટેચડ ટોયલેટ-બાથ વાળા રૂમની કલ્પના પણ નહોતી.રાજકોટમાં ભાગ્યે જ બે ચાર હોટેલો હતી.હિમાલય ગેસ્ટહાઉસ અને અશોક ગેસ્ટહાઉસનો જમાનો હતો.એ સિવાય પટેલ ધર્મશાળા અને અન્ય જ્ઞાતિઓની ધર્મશાળાઓ અને વાડીઓ હતી.
રાજકોટ હજુ વિકાસની કેડી પર કદમ માંડી રહ્યું હતું ત્યારે પણ બોલીવુડના કલાકારો અને સેલિબ્રિટીઝ રાજકોટની મુલાકાતે તો આવતા જ.સવાલ એ થાય કે એ બધા ઉતરતા ક્યાં? બધા ઉતરતા કાઠિયાવાડ જીમખાનના ગેસ્ટહાઉસમાં.
આ કાઠિયાવાડ જીમખાનાનો પણ એક રજવાડી યુગ હતો.રાજકોટ અને સૌરાષ્ટ્રના મોભેદાર,રુઆબદાર શ્રીમંત લોકો આ કલબના સભ્યો હતા.રાજકોટમાં એ સમયે ગણ્યા ગાંઠયા લોકો પાસે કાર હતી.અને એક સાથે સહુથી વધારે ગાડીઓ જીમખાનના મેદાનમાં જોવા મળતી.એ જીમખાનના સેક્રેટરી ક્રિકેટર મહિપતભાઈ આચાર્ય 1950ના દાયકામાં ઇંગ્લેન્ડમાં કાઉન્ટી ક્રિકેટ રમવા ગયા હતા.ખૂબ આગળ વધી ગયેલી દુનિયાથી તેઓ પરિચીત હતા.અને તેમણે રાજકોટને તમામ આધુનિક સુવિધાઓથી સજ્જ એવા કાઠિયાવાડ જીમખાનના આ ગેસ્ટહાઉસની ભેટ આપી.
એ અગાઉ સારી હોટેલના અભાવને કારણે રાજકોટ આવવામાં બોલીવુડના કલાકારો અચકાતા પણ આ ગેસ્ટહાઉસ બનતા એ સમસ્યાનું નિવારણ મળી ગયું.અને ત્યાર બાદ રાજકોટમાં ફિલ્મી કલાકારોનું આગમન શરૂ થવા લાગ્યું.
- Advertisement -
રાજકુમાર રોકાયો હતો આ ગેસ્ટહાઉસમાં. ગેલેક્સી ટોકીઝમાં પાકીઝાનો પ્રીમિયર શો હતો.પાકીઝાની આખી ટીમ આવી હતી.રાજકુમારને નિહાળવા જીમખાના અને ગેલેક્સીની સામે હજારો લોકો ઉમટી પડ્યા હતા.
હવે.. વાત એમ હતી કે રાજકુમાર તો રાજકુમાર જ હતો.પોતાના રૂમમાં જઈને એણે દરવાજો લોક કરી દીધો.સમય વીતતો ગયો.શો નો ટાઈમ નજીક આવવા લાગ્યો પણ દરવાજો તો બંધ નો બંધ.બહાર લોકો દેકારો કરે.રાજકુમારના સાથીઓ કહે કે એ તો એની મોજ પડશે ત્યારે બહાર આવશે.એના રૂમ નો દરવાજે નોક ન કરાય.સાહેબનો મૂડ બગડી જાય.
આયોજકો અકળાયા.પોલીસ માટે ભીડ ઉપર કાબુ મેળવવાનું મુશ્કેલ થવા લાગ્યું.આ વાતની ખબર પડતાં મહિપતભાઈ આચાર્યએ ઘડીના પણ વિલંબ વગર બારણું ખટખટાવ્યું.રાજકુમારે અડધું બારણું ખોલ્યું ત્યાં ધક્કો મારી તેઓ અંદર પ્રવેશી ગયા.અને પાંચ મિનીટ પછી બંન્ને એક બીજાના ખભ્ભે હાથ રાખીને બહાર નિકળા.બધાએ રાહતનો દમ લીધો.રાજકુમાર રજવાડી પર્સનાલિટીનો માલિક હતો.ફિલ્મમાં દેખાય છે તેનાથી પણ વધારે હેન્ડસમ હતો.ગેસ્ટહાઉસની બહાર ચોગાનમાં આવીને તેણે લોકોનું અભિવાદન ઝીલ્યું ત્યારે લોકો ઉપર તેનો જાદુ પથરાઇ ગયો હતી.ગેલેક્સી પહોંચીને તેણે સ્ટેજ ઉપર કોકાકોલા પીતો હોય એવો પોઝ આપ્યો હતો.
આજે જે આર વર્લ્ડ ટોકીઝ છે એ એક સમયે ઉષા ટોકીઝ હતું.”આંખે” ફિલ્મના શો વખતે માલા સિંહા, કુકકુમ,સુજીતકુમાર વગેરે આવ્યા હતા. એ જ થિયેટરમાં “ગીત” ફિલ્મના શો માં રાજેન્દ્રકુમાર અને માલા સિંહા હાજર રહ્યા હતા.જીમખાનના ટેનિસ કોર્ટમાં તલત મહેમુદનો ગઝલનો કાર્યક્રમ યોજાયો હતો. લોકપ્રિય ગાયક મુકેશે રાજકોટમાં આગલી રાતે કાર્યક્રમ આપ્યા બાદ સવારે જીમખાનાના ચોગાનમાં ખુરશી નાખી શિયાળાની સવારના સૂર્ય સ્નાનનો લાભ લીધો હતો.પ્રખ્યાત ગીટારિસ્ટ અને વાયોલીનવાદક વાન સિપ્લે પણ આ ગેસ્ટહાઉસમાં ઉતર્યા હતા.
કિશોરકુમાર તો આ ગેસ્ટહાઉસમાં બે વખત ઉતર્યો હતો.બાલભુવનના ઓપન એર થિયેટરમાં તેનો કાર્યક્રમ હતો ત્યારે સ્ટેજ ઉપરનો પડદો ફાડીને તેણે એન્ટ્રી મારી હતી.”નખરેવાલી”ગીતમાં તેની સાથે ડાન્સ કરવા તેણે મહિલા શ્રોતાઓને આમંત્રણ આપ્યું હતું.પણ કોઈ તૈયાર ન થતા અંતે બે પુરુષો સાથે ડાન્સ કરીને કિશોરકુમારે લોકોનું જબરું મનોરંજન કર્યું હતું.
- Advertisement -
શોલે ધૂમ મચાવતું હતું ત્યારે ધર્મેન્દ્ર અને હેમા માલિની પણ રાજકોટ આવ્યા હતા.રાજકુમાર કોલેજના ભવ્ય બિલ્ડિંગમાં તેમનું ડીનર યોજાયું હતું.રાજકુમાર કોલેજના તત્કાલીન પ્રિન્સિપાલ પીટર રોજર્સનના ચુંબકીય વ્યક્તિત્વથી ધરમપાજી અને હેમા માલિની પણ મંત્રમુગ્ધ બની ગયા હતા.રાજકુમાર કોલેજની બહાર અડધું રાજકોટ આ કલાકારોની એક ઝલક મેળવવા ઉમટી પડ્યું હતું.કલાકારો પણ લોકોને પ્રેમથી પ્રતિભાવ આપતા હતા.રાજકુમાર તો ગેસફોર્ડ ટોકીઝ પાસે તેના એક પરમ ચાહકની પાન ની દુકાને પણ ગયા હતા અને કાઠિયાવાડી પાન ગલોફામાં મૂક્યું હતું.
એ સમય હતો જ્યારે રાજકોટમાં નિયમિતપણે મુશાયરાઓ થતાં. રાષ્ટ્રિયશાળાના ઓપન એર થિયેટરમાં ગુજરાતભરના કવિઓ એક મંચ પર જોવા મળતાં. ઘાયલ સાહેબ સ્ટેજના સિંહ હતા.”બા મુલાયેજા હોશિયાર ઘાયલકી સવારી આ રહી હૈ” એવા પ્રચંડ નાદ સાથે એમની એન્ટ્રી થતી. કાવ્યો, ગઝલો,શેર શાયરીની એ અદભુત રાતો હતી.વિરાણી હાઈસ્કૂલના હોલમાં નૃત્ય,સીતારવાદન અને શાસ્ત્રીય સંગીતના જલસા યોજાતા.રાત ઢલતી જતી અને રાગ રાગીણી ખીલતી જતી.પન્નાલાલ ઘોષ,ઉ.અલી અકબર ખાં, ગુલામ મુસ્તફા ખાં, ઉ.આમિર ખાં, બેગમ અખ્તર,પંડિત મણીરામજી,બીસ્સમિલ્લા ખાં સહિતના દેશના ટોચના કલાકારો રાજકોટ આવતા.આખો હોલ કદરદાન શ્રોતાઓથી ભરચકક રહેતો.
રાજશ્રી ટોકીઝમાં મ્યુઝિકલ નાઈટ્સ થતી.”સુહાની રાત ઢલ ચુકી ના જાને તુમ કબ આઓગે” એ ગીત સાથે બંકિમ પાઠક ગીત સંગીતની મહેફિલ શરૂ કરતાં.વિસરાતા સુર નામની એક ખૂબ લોકપ્રિય ઓરકેસટ્રા હતી.રાજકોટના યંગ આર્ટિસ્ટ ગ્રુપમાં ભુપેન્દ્રભાઈ વસાવડા અને તેમના સાથી કલાકારો શ્રોતાઓને ડોલાવી દેતા.આ કાર્યક્રમો હાઉસફુલ જતા.ટીકીટ માટે પડાપડી થતી.આજે હવે મ્યુઝિકલ નાઇટ્સનો યુગ વીતી ગયો.નામાંકિત કલાકારો એટલા મોંઘા થઈ ગયા કે તેમના કાર્યક્રમો યોજવાનું પોસાય નહીં. વળી યુ ટ્યુબને કારણે આંગળીના ટેરવે ઇચ્છીએ એ ગીત હાજર થવા લાગ્યું.અલબત્ત એમાં પણ મજા તો છે જ પણ લાઈવ કાર્યક્રમમાં જે મજા ઘોળાતી તે તો અલગ જ હતી.1962માં જીમખાનાના ટેનિસ કોર્ટમાં મોહમદ રફીનો કાર્યક્રમ યોજાયો હતો.ટિકિટનો ભાવ હતો 10 રૂપિયા.રફી સાહેબે જમાવટ કરી હતી.”મધુબનમેં રાધિકા નાચે રે..” એ ગીત ત્રણ વખત વન્સ મોર થયું હતું. એક એક શ્રોતાના ગળામાંથી વન્સ મોરના નારા લાગે અને સુર સંગીતના તાલે આખું ઓડિટોરિયમ ડોલે એવી મજા તો લાઈવ પ્રોગ્રામમાં જ માણવા મળે.એ ધબકતી જીંદગાની અને એ લાઈવલીનેસમાં આજકાલ મંદીનો માહોલ છે.ચાર સાડાચાર દાયકા પહેલાંની ગીત સંગીતમાં ઝૂમતી એ રાતો, એ સૂરિલી શમાઓ, એ મહેફિલો,એ તારીફો, એ કદરદાની,અને એ ખુશમિજાજ અહેસાસો ના સૂર આજે વિસરાઈ ગયા છે.