ગ્રેડિંગ નબળું હોવાનો રિપોર્ટ આવતા 4 પીલર તોડીને નવા બનાવવા આદેશ
ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટનાં ગૌરવ પથ ગણાતા કાલાવડ રોડ પર મોટામોવા સ્મશાન પાસેના પુલની બંને સાઈડ સવા આઠ મીટર પહોળી કરવાની કામગીરી ચાલી રહી છે. જેમાં મનપા દ્વારા સરપ્રાઇઝ ચેકિંગ અને સેમ્પલિંગ કરવામાં આવ્યું હતું. આ સેમ્પલિંગમાં ઉભા કરવામાં આવેલા 7 પીલરનાં કોન્ક્રિટનાં નમૂના લેવામાં આવ્યા હતા. જો કે, આ પૈકી 4 પીલરમાં નબળી કામગીરીનો રિપોર્ટ આવતા ચારેય પિલર તોડી નવા બનાવવા કોન્ટ્રાક્ટરને આદેશ અપાયો હતો. મનપાનાં સરપ્રાઇઝ ચેકિંગ અને સેમ્પલિંગ બાદ ભાંડો ફૂટતા જવાબદાર ક્ધસ્ટ્રક્શન કંપની દ્વારા આ કામગીરી હાથ ધરવામાં આવી છે.
- Advertisement -
રાજકોટનાં હાર્દસમા કાલાવડ રોડ ઉપર મોટામોવા સ્મશાન પાસેના પુલની બંને સાઇડ 8.15 મીટર પહોળા કરવા તથા તેને સમાંતર નાનામોવા ભીમનગર વિસ્તારમાં આવેલ બેઠા પુલને ઊંચો બ્રિજ (હાઇલેવલ) બનાવવા અંદાજિત રૂ. 13 કરોડના ખર્ચે કામ ચાલી રહ્યું છે. ત્યારે મનપાની ટીમ દ્વારા નિયમ મુજબ આ કામગીરીનું ખાસ સરપ્રાઇઝ ચેકિંગ કરવામાં આવ્યું હતું. જેમાં ઉભા થયેલા 7 પીલરના કોક્રીંટના નમૂના લેવામાં આવ્યા હતાં. જો કે, આ પૈકી 4 પીલરમાં નબળી કામગીરીનો રિપોર્ટ આવ્યો હતો. જેને લઈ તંત્ર દ્વારા કોન્ટ્રાક્ટરને આ ચારેય પીલર તોડી નવા બનાવવા આદેશ અપાયો હતો.
મનપાના આદેશને લઈ આ બ્રિજનું કામ કરતી બેકબેન ક્ધસ્ટ્રક્શન કંપની દ્વારા 3 પિલરનું ડિમોલિશન કરવામાં આવ્યું છે, જ્યારે અન્ય એકને તોડવા માટેની કામગીરી હાથ ધરવામાં આવી હોય ચારેય પીલર નવા બનાવવામાં આવશે. આ સાથે ભીમનગર ખાતેના બેઠા પુલની પણ ઊંચાઇ વધારવાનું કામ પણ જોરશોરથી ચાલી રહ્યું છે. મોટામોવા પુલ હાલ 19.34 મીટર પહોળો છે. આ પુલની બંને સાઇડ 8.15 મીટર વધારી આ પુલ 34.06 મીટર પહોળો અને 4.5 કિમી લંબાઈનો તૈયાર કરવામાં આવશે. જેને લઈને નાનામોવા અને મોટામોવા વિસ્તારનાં લોકોને મોટો લાભ મળશે.
- Advertisement -
કોઈ પણ બ્રિજમાં ફાઉન્ડેશન ભરવામાં આવે ત્યારે નિયમ મુજબ કોન્ક્રિટનાં નમૂનાઓ લેબોરેટરીમાં મોકલી આપવામાં આવે છે. મનપાની ઇન હાઉસ લેબમાં પણ તેની ચકાસણી કરવામાં આવે છે. જેમાં ગુણવત્તા નબળી જણાય તો તેને તોડી પાડીને ફરીથી ભરવાનો આદેશ અપાય છે. આ કામગીરી મોટામોવા બ્રિજ માટે પણ કરવામાં આવી હતી. કામગીરી નબળી હોય તોડી પાડવાનો આદેશ અપાયો હતો. જો કે, ખાદ્ય પદાર્થનાં નમૂના ફેલ થાય તો મનપા સામેથી જાહેર કરે છે. પરંતુ આ મામલે 4-4 ફાઉન્ડેશન નબળા હોવાનું સામે આવ્યા છતાં મનપા દ્વારા બિલ્ડરને બચાવવા જાહેરાત કરવામાં આવી નહોતી. પરંતુ ગૂપચૂપ જૂની કામગીરી તોડી પાડી નવેસરથી કરવા આદેશ અપાયો હતો. જેને લઈને હાલ મનપાની કામગીરી સામે પણ સવાલો ઉઠ્યા છે.
ઉલ્લેખનીય છે કે, મોટામોવા સ્મશાન પાસેની નદી પર હયાત પુલ ખૂબ સાંકડો હોવાથી અવારનવાર ટ્રાફિકજામ થાય છે. જેને લઈને આ પુલને પહોળો કરવાનું કામ છેલ્લા 6 મહિનાથી ચાલી રહ્યું છે. નિયમ અનુસાર આ કામગીરીનું મનપાની ટેક્નિકલ બ્રાન્ચ દ્વારા ચેકિંગ થયું હતું.
સાથે જ સેમ્પલિંગની પ્રક્રિયા પણ કરવામાં આવી હતી. જેમાં શરૂઆતમાં જ નબળી કામગીરી હોવાનો ભાંડો ફૂટ્યો હતો. નિયમ મુજબ 35નાં ગ્રેડિંગને બદલે 30નું ગ્રેડિંગ મળતા ચાર પીલર તોડીને ફરી બનાવવા આદેશ અપાયો હતો.