રાજકોટમાં ભારતની જીતનો સિલસિલો અટક્યો, ચોગ્ગા-છગ્ગાનો વરસાદ વરસશે તેવી અપેક્ષા રાખી રહ્યા હતા પરંતુ વિકેટનો ઢગલો થયો
નિરંજન શાહ ક્રિકેટ સ્ટેડિયમમાં ક્રિકેટ રસિકોનો ભારે જમાવડો જોવા મળ્યો : ઠંડી વચ્ચે પણ લોકોએ ભરપૂર મેચની મજા માણી
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ગઇકાલે (28 જાન્યુઆરી) ઝ20 સિરીઝની ત્રીજી મેચ રાજકોટના નિરંજન શાહ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાઈ હતી, ત્યારે ઈન્ટરનેશનલ મેચને જોવા માટે મોટી સંખ્યામાં ક્રિકેટ ચાહકો સ્ટેડિયમ ખાતે પહોંચી ગયા હતા. સચિન તેંડુલકરનો ચાહક તો રાજસ્થાનથી ટીમ ઇન્ડિયાનો ફેન તો કોઇ લંડનથી મેચ જોવા માટે રાજકોટના ખંઢેરી સ્ટેડિયમ ખાતે આવી પહોંચ્યા હતા. સ્ટેડિયમ બહાર લોકોએ ટીમ ઇન્ડિયાની ટીશર્ટ, કેપ અને રાષ્ટ્ર ધ્વજની ખરદી પણ કરી હતી અને ટીમ ઇન્ડિયાને ચિયરઅપ કરવા લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. તો બીજી તરફ સયાજી હોટલ બહાર ટીમ ઇન્ડિયાના ખેલાડીઓની એક ઝલક જોવા ક્રિકેટ રસિકોનો ભારે જમાવડો જોવા મળ્યો હતો. ઉલ્લેખનીય છે કે, ખંઢેરી પાસે આવેલા નિરંજન શાહ સ્ટેડિયમમાં રમાનારી મેચના પગલે બપોરે 4 વાગ્યાથી રાત્રિના 1 વાગ્યા સુધી રાજકોટ-જામનગર હાઈવે પર ભારે વાહનો પર પ્રતિબંધ મૂકી ડાઈવર્ઝન આપવામાં આવ્યું હતું અને પોલીસ વિભાગ તરફથી ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. ક્રિકેટરસિકોએ પણ મેચનો ભરપૂર આનંદ ઉઠાવ્યો હતો ત્યારે ઠંડી વચ્ચે પણ લોકોએ આ મેચને મન ભરીને માણી હતી. ઈંગ્લેન્ડ વિરુદ્ધ ભારતની જીતનો સિલસિલો રાજકોટમાં અટકી ગયો હતો. ત્રીજી ટી-20માં ભારતનો 26 રને પરાજય થતાં ઈંગ્લેન્ડ પાંચ મેચની શ્રેણીમાં હજુ પણ જીવંત છે. ઈંગ્લેન્ડે આ મેચમાં પહેલાં બેટિંગ કરતા નવ વિકેટે 171 રન બનાવ્યા હતા જેના જવાબમાં ભારત 9 વિકેટે 145 રન જ બનાવી શકતા 26 રને તેનો પરાજય થયો હતો. રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રના ક્રિકેટરો અહીંના ગ્રાઉન્ડ પર ચોગ્ગા-છગ્ગાનો વરસાદ વરસશે તેવી અપેક્ષા રાખી રહ્યા હતા પરંતુ વિકેટનો ઢગલો જોવા મળ્યો હતો.