ફાઈનલ દરમ્યાન રસ્તાઓ સૂમસૂના, મહોલ્લાઓમાં બિગ સ્ક્રીન પર મેચનો આનંદ
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
અમદાવાદમાં રમાયેલી ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચેની ટી-20 વર્લ્ડ કપ ફાઈનલ મેચની અસર રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં જોવા મળી હતી. સામાન્ય રીતે રવિવારની સાંજે શહેરના રસ્તાઓ પર ચહલ-પહલ રહેતી હોય છે, પરંતુ આ વખતે ક્રિકેટના મહામુકાબલાના કારણે રસ્તાઓ પર ખાસ્સી શાંતિ જોવા મળી હતી. લોકો પોતાના ઘર, મહોલ્લા અને એપાર્ટમેન્ટમાં ટીવી અને બિગ સ્ક્રીન સામે મેચ જોવામાં વ્યસ્ત જોવા મળ્યા હતા. રાજકોટ શહેરના અનેક વિસ્તારોમાં સ્થાનિક રહેવાસીઓએ શેરીઓ અને સોસાયટીઓમાં બિગ સ્ક્રીનની વ્યવસ્થા કરી હતી. એપાર્ટમેન્ટના ગ્રાઉન્ડ ફ્લોરમાં પરિવાર અને મિત્રો સાથે બેઠા રહી ક્રિકેટ પ્રેમીઓએ ચા-નાસ્તાની મોજ સાથે મેચનો રોમાંચ માણ્યો હતો. જાહેર સ્થળોએ ગોઠવાયેલા મોટા સ્ક્રીન પર ભારતીય બેટધરોના ચોગ્ગા-છગ્ગા પડતા જ લોકોના જયકારાથી વાતાવરણ ગુંજી ઉઠતું હતું. ક્રિકેટપ્રેમીઓ હાથમાં તિરંગો લહેરાવી ભારતીય ટીમને ઉત્સાહિત કરતા જોવા મળ્યા હતા. સમગ્ર ગુજરાત માટે આ ફાઈનલ મેચ એક ઉત્સવ સમાન બની ગઈ હતી. મેચ પૂર્ણ થતા જ ભારતીય ટીમ ચેમ્પિયન જાહેર થતા રાજકોટ સહિત સૌરાષ્ટ્રના શહેરો અને ગામોમાં ખુશીની લહેર ફરી વળી હતી.ભારતના વિજય સાથે જ લોકો ઢોલ-નગારા અને ડી.જે.ના તાલ પર નાચતા-ગાતા રસ્તાઓ પર ઉતરી આવ્યા હતા. અનેક સ્થળોએ ફટાકડાઓ ફોડી ટીમ ઇન્ડિયાના વિજયોત્સવને ધામધૂમથી ઉજવવામાં આવ્યો હતો.



