શહેરના 300થી વધારે પંડાલોમાં વાજતે-ગાજતે વિધ્નહર્તા દેવ બાપ્પાની સ્થાપના કરાઇ
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
આજે દેશભરમાં ગણેશજીની સ્થાપના કરવામાં આવી હતી ત્યારે રાજકોટમાં પણ ગણેશ ઉત્સવને લઈને ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. ભક્તોએ ગાજતે-ગાજતે બાપ્પાનું સ્થાપન કર્યું હતું. 500થી પણ વધુ જગ્યાએ બેન્ડવાજા, ડીજેના તાલે લોકોએ બાપ્પાનું સ્થાપન કર્યું હતું તેમજ મહિલાઓએ પણ ગરબે ઘુમીને બાપ્પાનું સ્વાગત કર્યું હતું. શહેરના સૌથી જૂના અને પ્રખ્યાત ત્રિકોણ બાગ કા રાજા, સર્વેશ્ર્વર ચોક કા રાજા, જે. કે. ચોક કા રાજા સહિત અનેક વિસ્તારોમાં બાપ્પાનું સ્થાપન કરવામાં આવ્યું છે. અનેક ઘરોમાં ત્રણ દિવસથી લઈ પાંચ દિવસ કે સાત દિવસના ગણપતિની સ્થાપના કરવામાં આવી છે. આજથી દુંદાળા દેવની ભક્તિમાં લોકો તરબોળ બન્યા હતા.
શહેરમાં ગણેશ મહોત્સવની તૈયારી ધામધૂમથી થઈ રહી છે. આ ઉત્સવ વખતે કાયદો-વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પોલીસ પણ સતર્ક થઈ છે. રાજકોટ શહેર ડીસીપી ક્રાઈમ ડો. પાર્થરાજસિંહ ગોહિલે જણાવ્યા મુજબ, ગત વર્ષે 377 સ્થળે ગણેશ ઉત્સવ ઉજવવા માટે મંજુરી માંગતી અરજી આવેલી જેને મંજુરી અપાઈ હતી. અરજી પોલીસ મથક સ્તરે થતી હોય છે.
જેથી આ વર્ષે પણ શહેરના જુદા-જુદા પોલીસ મથકોમાં અરજી મળી છે. તેનો કુલ આંકડો આવતીકાલે જાણવા મળશે જે પછી જયાં જયાં સાર્વજનિક ગણેશ મહોત્સવ યોજાશે ત્યાં પોલીસ બંદોબસ્ત રહેશે. ઉપરાંત સરઘસ વખતે અને વિસર્જન સ્થળે પણ પોલીસ સુરક્ષા જાળવશે.
શ્રી ગણેશ વિસર્જન માટે ચીફ ફાયર ઓફીસર, રાજકોટ મહાનગરપાલિકા દ્વારા નીચે જણાવેલ સ્થળોએ ગણપતિજીની મૂર્તિ વિસર્જીત કરવા માટે સુનિશ્ર્ચિત કરવામાં આવેલ છે. જેથી આ સ્થળોએ જ ગણેશજીની મૂર્તિ વિસર્જન કરવાની રહેશે.
(1) આજી ડેમ ઓવરફલો નીચે ચેક ડેમ પાસે ખાણ નં.1, (2) આજી ડેમ ઓવરફલો નીચે ચેક ડેમ પાસે ખાણ નં.2, (3) આજી ડેમ ઓવરફલો ચેક ડેમ, (4) પાળ ગામ, જખરાપીરની દરગાહ પાસે, મવડી ગામથી આગળ, (5) ન્યારાના પાટીયા પાસે ન્યારા રોડ, ખાણમાં જામનગર રોડ, (6) બાલાજી વેફર્સની સામે, વાગુદળ પાટીયા પછીના પુલ નીચે કાલાવડ રોડ, (7) એચ.પી.ના પેટ્રોલ પંપ સામે, રવીવારી બજારવાળુ ગ્રાઉન્ડ આજી ડેમ પાસે, ભાવનગર રોડ.