રાજકોટથી 1લીમેથી ઉદયપુર અને ઇન્દોરની નવી ફ્લાઈટ
ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટથી ગોવા જવા માટે ઈન્ડિગોએ નવી ફ્લાઈટ શરૂ કરી છે. 28 માર્ચથી શરૂ થયેલી આ ફ્લાઈટ સપ્તાહમાં ત્રણ દિવસ મંગળવાર, ગુરુવાર અને શનિવારે ઉડાન ભરશે. રાજકોટથી ગોવાની અગાઉ ફ્લાઈટ ચાલી રહી હતી પરંતુ તે બંધ કરી દેવામાં આવી હતી જે હવે વેકેશન દરમિયાન જ શરૂ કરવામાં આવતા ફરવા જવાનું આયોજન કરતા સહેલાણીઓને ફાયદો થશે. વેકેશનમાં ગોવા ફરવા જવા યાત્રિકોને સપ્તાહમાં ત્રણ દિવસ ફ્લાઈટ મળશે. ગોવાની ફ્લાઈટ સવારે 11.10 વાગ્યે ગોવાથી ટેકઓફ થઈ બપોરે 12.45 વાગ્યે રાજકોટ લેન્ડ થશે અને બપોરે 1.15 વાગ્યે રાજકોટથી પરત ગોવા જવા ટેકઓફ થઈ 2.50 વાગ્યે ગોવા લેન્ડ થશે. આ ફ્લાઈટના એડવાન્સ બુકિંગ માટે વિન્ડો પણ શરૂ કરવામાં આવી છે. ઉનાળુ વેકેશનમાં ગોવા જવા ઈચ્છુક સૌરાષ્ટ્રવાસીઓને ગોવાની સીધી હવાઈ સેવા ઉપયોગી નિવડશે.
રાજકોટથી મુંબઈની સવારની ફ્લાઈટ પણ બંધ થતા રાજકોટના સાંસદે ઉડ્ડયન મંત્રીને લેખિત રજૂઆત કરી વૈકલ્પિક ફ્લાઈટ શરૂ કરવા માગણી કરી હતી. રાજકોટથી આગામી તારીખ 1 મેના રોજ ઉદયપુર અને ઇન્દોરની નવી ફ્લાઈટ શરૂ કરવાની જાહેરાત કરવામાં આવી છે. રાજકોટથી ઉદયપુરની ફ્લાઈટ સવારે 8.40 કલાકે રાજકોટથી ટેકઓફ થશે અને 9.55 કલાકે ઉદયપુર એરપોર્ટ ઉપર લેન્ડ થશે. બીજી નવી ફ્લાઈટ રાજકોટથી ઇન્દોર સવારે 11.55 કલાકે ટેકઓફ થશે અને બપોરે 2 વાગ્યે ઇન્દોર એરપોર્ટ ઉપર લેન્ડ થશે. આ બંને નવી ફ્લાઈટ સંભવત રાજકોટના નવા આંતરરાષ્ટ્રીય એરપોર્ટ હિરાસર ખાતેથી ઉડાન ભરે તેવી સંભાવના પ્રવર્તી
રહી છે.