જનકલ્યાણ ટ્રસ્ટની સફરમાં વધુ એક માઈલસ્ટોન પાર
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.29
- Advertisement -
જનકલ્યાણ સાર્વજનિક ચેરિટેબલ ટ્રસ્ટ સેવાકીય સફરમાં દસમાં વર્ષમાં પ્રવેશ કરેલ છે. આ એક દાયકાની સફરમાં અનેકવિધ સમાજ ઉપયોગી સેવાકીય પ્રવૃત્તિઓ કરીને સમાજમાં સેવાની જ્યોત જલતી રાખી છે જે અંતર્ગત આ ટ્રસ્ટ આગામી તા. 30-12-25 ને મંગળવારના રોજ 50મો રક્તદાન કેમ્પ કરવા જઈ રહ્યું છે.
આ ટ્રસ્ટ દ્વારા 27-7-18ના રોજ ગુરુપૂર્ણિના દિવસે પીપળીયા હોલ ખાતે પ્રથમ રક્તદાન કેમ્પ થયેલ ત્યારથી દરેક રક્તદાન કેમ્પમાં સાથે સાથે ચક્ષુદાન- દેહદાન અને સ્કીન ડોનેશનના સંકલ્પ પત્રો ભરીને સમાજમાં ચક્ષુદાન, દેહદાન, સ્કીન ડોનેશન અંગે જાગૃતતા માટે પણ અવિરત પ્રયત્નો થઈ રહ્યા છે. ગત જુલાઈ 2022માં ટ્રસ્ટ દ્વારા 1111 બોટલ રક્ત એકત્ર કરવાનો સંકલ્પ થયેલ અને સમાજના સહકારથી ઓછા સમયમાં 1129 બોટલ રક્ત પીડિતોને અર્પણ કરેલ. રક્તની જરૂરિયાતની ગંભીરતાને સમજીને આગામી તા. 30-12-25 ને મંગળવારે સાંજે 5થી 10 દરમિયાન આશાપુરા મંદિર, પેલેસ રોડ ખાતે 50મા રક્તદાન કેમ્પનું આયોજન કરેલ છે, જેમાં બહોળા પ્રમાણમાં ઉપસ્થિત રહી રક્તદાન કરવા માટે ટ્રસ્ટના ચેરમેન ઉમેશ મહેતા દ્વારા પ્રજાજનોને અપીલ કરવામાં આવી છે. સાથે સાથે ચક્ષુદાન, દેહદાન અને સ્કીન ડોનેશનના સંકલ્પ પત્રો પણ ભરવામાં આવશે.
અત્રે ઉલ્લેખનીય છે કે જનકલ્યાણ સાર્વજનિક ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા અત્યાર સુધીમાં 787 ચક્ષુદાન, 44 સ્કીન ડોનેશન તથા 61 દેહદાન થયેલ છે. આ ઉપરાંત ગરીબ અને મધ્યમ વર્ગના વિદ્યાર્થીઓને મદદરૂપ બનવા બુકબેંક પણ ચાલુ છે. ઉનાળામાં સ્લીપર વિતરણ, શિયાળામાં ધાબળા વિતરણ, જન્માષ્ટમી તેમજ દિવાળીના તહેવારોમાં મીઠાઈ અને ફરસાણ વિતરણ વગેરે જેવી અનેકવિધ સેવાકીય પ્રવૃત્તિઓ સમાજના શ્રેષ્ઠીઓ, દાતાઓના સહકારથી કરવામાં આવે છે. અનેક સેવાભાવી કાર્યકરો પણ પોતાના સમયનું દાન આપીને સહયોગ આપે છે. ઉપરોક્ત જણાવેલ તમામ સેવા કે કામ માટે 10, ક્રાંતિ પ્રકાશ, મનીષ લેધર ઉપર, પુનમ ફર્નીચર પાસે, ઢેબર રોડ, રાજકોટ ખાતે આવેલા ટ્રસ્ટના કાર્યાલયનો સાંજે 5થી 8માં સંપર્ક કરી શકો છો ઉપરાંત ગમે ત્યારે ચેરમેન ઉમેશ મહેતા 9428506011નો પણ સંપર્ક કરી શકો છો. આજરોજ ‘ખાસ-ખબર’ કાર્યાલયની મુલાકાતે ઉમેશ મહેતા ચેરમેન, પ્રદીપભાઈ પંડ્યા કાર્યાલય મંત્રી, અતુલભાઈ શાહ, નૈષધભાઈ વોરા, ચોટલીયાભાઈ વગેરે આવ્યા હતા.



