રાજકોટ, મોરબી, સુરેન્દ્રનગરથી દૈનિક મુસાફરોની સંખ્યા 30,000 પર પહોંચી
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
દિવાળીના પર્વમાં સલામત સવારી ગણાતી એસટી બસમાં લોકોની ચિક્કાર ભીડ ઉમટી પડશે ત્યારે રાજકોટ એસટી વિભાગ દ્વારા તેનું આગોતરું આયોજન કરવામાં આવ્યું છે. હાલ રાજકોટ, મોરબી અને સુરેન્દ્રનગર જિલ્લામાંથી 550 જેટલી બસ દોડે છે. જોકે દિવાળીમાં લોકો પોતાના સ્નેહીજનોને ત્યાં જવા માટે તેમજ હરવા ફરવા માટે એસટી બસનો ઉપયોગ કરે છે. ત્યારે રાજકોટ એસટી વિભાગ દ્વારા 100 એક્સ્ટ્રા એસટી બસ દોડાવવાનું આયોજન કરાયું છે. જેમાં રાજકોટથી અમદાવાદ, વડોદરા, દાહોદ, પંચમહાલ, ભાવનગર, ભુજ, જુનાગઢ, સોમનાથ, દેવભૂમિ દ્વારકા સહિતના સ્થળોએ તહેવારોમાં ભારે ભીડને ધ્યાનમાં રાખીને એક્સ્ટ્રા બસોનું સંચાલન આજથી શરૂ થઈ ગયું છે. દિવાળી વેકેશન પૂર્ણ થાય ત્યાં સુધી એકસ્ટ્રા બસોનું સંચાલન કરવામાં આવનાર છે. જેથી મુસાફરોને ખાનગી બસોમાં ઊંચા ભાડા આપી લૂંટાવવુ ન પડે. રાજકોટ એસટી વિભાગમાં દૈનિક અંદાજે 25000 જેટલા મુસાફરો મુસાફરી કરે છે. જેમાં દિવાળી દરમિયાન અંદાજે 5000નો વધારો થશે. એસટી બસ સ્ટેશન ઉપર ટિકિટ બુકિંગ કરાવવા માટે મુસાફરોની લાંબી લાઇન ન થાય તે માટે એસટી વિભાગ દ્વારા GSRTCની વેબસાઈટ અથવા તો એપ્લિકેશન પરથી ઓનલાઇન ટિકિટ બુકિંગ કરાવવા માટે વિનંતી કરવામાં આવી છે. હાલ એસટી વિભાગની દૈનિક આવક રૂ. 60 લાખ જેટલી છે. જે દૈનિક આવક રૂ.70 લાખને પાર પહોંચી જશે. જોકે એસટી વિભાગ દ્વારા એક્સ્ટ્રા બસો મૂકવામાં આવી છે. જેમાં મુસાફર પાસેથી સવા ગણા ભાડાની વસૂલાત કરવામાં આવશે.
રાજકોટ એસટી વિભાગ દ્વારા રાજકોટ, મોરબી અને સુરેન્દ્રનગર જિલ્લામાંથી ગત વર્ષે દિવાળીમાં 80 એક બસો મૂકવામાં આવી હતી જેની સામે આ વર્ષે 100 બસો મૂકવામાં આવી છે. જેમાં રાજકોટથી 20, ગોંડલથી 15 અને સુરેન્દ્રનગરથી 15, જસદણ, મોરબી, વાંકાનેરમાં 10-10 સહિતની વધારાની બસો મુસાફરોની સગવડતા માટે મૂકવામાં આવી છે. જેમાં દિવાળીની પહેલા અમદાવાદ, દાહોદ, પંચમહાલ અને ભુજ તરફ જતી બસોમાં વધુ ભીડ હોવાથી ત્યાં જતી બસોમાં વધારો કરવામાં આવ્યો છે. જ્યારે દિવાળી પૂર્ણ થયા બાદ ભાઈબીજના દિવસે લોકલ ટ્રાફિક વધુ રહે છે. જેમાં રાજકોટથી જૂનાગઢ, દ્વારકા, મોરબી, ગોંડલ, વડોદરા સહીતના સ્થળોએ જતી બસમાં ટ્રાફિક જોવા મળશે. ઓનલાઇન ટિકિટ બુકિંગ સોફ્ટવેરમાં પણ એક્સ્ટ્રા બસો ઉમેરી દેવામાં આવી છે. મુસાફરો ૂૂૂ.લતિભિં.શક્ષ વેબસાઇટ તેમજ ૠજછઝઈની મોબાઇલ એપ્લિકેશનની મદદથી ઓનલાઇન ટિકિટ બુકિંગ કરાવી શકે છે. જેથી એસટી બસ સ્ટેશન પર ટિકિટ બુકિંગ માટે મુસાફરોની ભીડ ઓછી રહે.
મુસાફરોના પ્રશ્ર્નોના નિરાકરણ માટે હેલ્પલાઇન નંબર
ગુજરાત રાજ્યમાં એસટી બસમાં મુસાફરી કરતા મુસાફરોને બસ સહિતની બાબતના કોઈપણ પ્રકારના પ્રશ્નો હોય તો તેના માટે હેલ્પલાઇન નંબર છે જે 1800-233-666666 છે. આ એક ટોલ ફ્રી નંબર છે. જે નંબર પર મુસાફર ફોન કરતા જ કમાન્ડ એન્ડ કંટ્રોલ રૂમ પર ફોન જશે. જ્યાં ફરિયાદ કરતાની સાથે જ મુસાફરોની સમસ્યાનું નિરાકરણ આવી જશે.
ગુજરાત બહાર ચાલતી રાજકોટ ડિવિઝનની જઝ બસો
રાજકોટથી નાથદ્વારા, રાજકોટથી સૂંઢા માતા અને ગોંડલથી નાસિક જવા માટે બસ ચાલે છે. રાજકોટથી નાથદ્વારા માટે વોલ્વો દરરોજ સાંજે 4.30 વાગ્યે તો સાદી સ્લીપર બસ 5.30 વાગ્યે ઉપડે છે. જ્યારે રાજકોટથી સૂંઢા માતા જવા માટે સાદી સ્લીપર બસ દરરોજ સાંજે 7.30 વાગ્યે ઉપડે છે. જ્યારે ગોંડલથી નાસિકની બસ ગોંડલથી સાંજે 7 વાગ્યે ઉપડે છે અને આ બસ રાજકોટથી રાત્રે 8 વાગ્યે ઉપડે છે. નાથદ્વારા અને સૂંઢા માતા ધાર્મિક સ્થળ છે જેથી ત્યા સૌરાષ્ટ્રમાંથી જતાં લોકોની સંખ્યા ખૂબ જ વધારે હોય છે. આ સાથે જ નાસિક હરવા ફરવાનું સ્થળ હોવાથી ત્યાં તહેવારોના દિવસોમાં ભારે ભીડ જોવા મળે છે. જેથી રાજકોટથી નાસિકની બસ ચાલે છે.