રાજકોટ શહેરમાં આજે મંગળવારે વહેલી સવારથી વાતાવરણમાં અચાનક પલટો જોવા મળ્યો હતો. શહેરના અનેક વિસ્તારોમાં ગાઢ ધુમ્મસ છવાતાં શિયાળાની સવારનું મનમોહક દૃશ્ય સર્જાયું હતું. ધુમ્મસના કારણે આકાશ ધૂંધળું દેખાતું હતું અને સૂર્યોદય પણ ધુમ્મસની વચ્ચેથી ઝાંખો દેખાતા લોકોમાં કુદરતી સૌંદર્યનો અનોખો અનુભવ થયો હતો. વહેલી સવારમાં ઠંડીનું પ્રમાણ અગાઉના દિવસોની સરખામણીમાં થોડું ઓછું અનુભવાયું, છતાં ધુમ્મસને કારણે હળવી ઠંડીની અસર યથાવત રહી હતી. શહેરના મહાકાય બિલ્ડીંગો પણ ધુમ્મસથી ઢંકાયેલી દેખાતા દૃશ્યો ખાસ-ખબરના મહેન્દ્ર રાજાઇએ કેમેરામાં કેદ કર્યા હતા. છેલ્લા ત્રણ દિવસથી રાજકોટમાં દિવસ દરમિયાન તાપમાનમાં વધારો જોવા મળી રહ્યો છે, જ્યારે સવારે અને રાત્રે ઠંડીનો અહેસાસ યથાવત રહે છે. આ બદલાતા હવામાન વચ્ચે મંગળવારે ગાઢ ધુમ્મસ સાથે બેઠી ઠંડીની અસર સ્પષ્ટપણે અનુભવી શકાય તેવી હતી. હવામાનમાં આવેલા આ અચાનક ફેરફારને કારણે વાહનચાલકોને પણ સાવચેતી રાખવી પડી હતી, કારણ કે ધુમ્મસના કારણે દૃશ્યતા ઘટી હતી. આમ, રાજકોટમાં શિયાળાની સવાર ધુમ્મસની ચાદરમાં ઢંકાઈ ગઈ હતી.
ધુમ્મસથી ઢંકાયું રાજકોટ : સવારે ધુમ્મસ, બપોરે ગરમી અને રાત્રે ઠંડકનો અનુભવ

You Might Also Like
Follow US
Find US on Social Medias


