ખાસ-ખબર ન્યૂઝની ટીમે RTO કચેરીએ કર્યું રિયાલિટી ચેક
નવું બિલ્ડિંગ શરૂ થાય તે પૂર્વે જ અનેક જગ્યાએ લાદીઓ તૂટી ગઇ
- Advertisement -
વાહન પાર્કિગ માટે નાગરિકોને નવી જગ્યા મળી !
નવું બિલ્ડિંગ ખૂલ્લું નથી મુકાયું પણ કપડાં તો સૂકવી શકાય ને…
નિયમિત સફાઇના અભાવે અનેક સ્થળે છોડ ઉગી નીકળ્યા
- Advertisement -
નવા બિલ્ડિંગમાં જાળવણીના અભાવે ઠેર-ઠેર ગંદકી
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજકોટ આરટીઓ કચેરીમાં રોજ અસંખ્ય લોકો લાઇસન્સ સહિતની કામગીરી કરવા માટે આવે છે ત્યારે અરજદારોને પૂરતી સુવિધા મળે તે માટે કરોડાના ખર્ચે નવું બિલ્ડીંગ તૈયાર કરાયુ છે. ત્યારે ખાસ ખબર ન્યૂઝની ટીમે રીયાલીટી ચેક કર્યું અને ત્યાની સ્થિતિ કેમેરામાં કેદ કરી.
આરટીઓ કચેરીમાં રોજ લાયસન્સ કઢાવવા, ટેસ્ટ આપવા, અન્ય કોઇ જરૂરી ડોક્યુમેન્ટ માટે આવતા હોય છે તેમજ મહત્વના ડોક્યુમેન્ટ અને રેકોર્ડ સાચવવાના હોય તે માટે આધુનીક બિલ્ડીંગ પણ સુવિધાથી સજ્જ છે. તેમજ આ બિલ્ડીંગ શરૂ કરવા માટે આરટીઓ કચેરી દ્વારા તમામ પ્રક્રિયા પૂર્ણ કરી દેવાઇ છે. અને તમામ ડોક્યુમેન્ટ આરએન્ડબી વિભાગમાં સબમીટ કરી અપાયા છે. હવે આરએન્ડબી વિભાગ બિલ્ડીંગ શરૂ કરવા માટે જરૂરી કામગીરી કરે તો આ બિલ્ડીંગ શરૂ થાય. પરંતુ આરએન્ડબી વિભાગ તરફથી કોઇ કામગીરી કરવામાં ન આવતા કરોડાના ખર્ચે તૈયાર કરેલી બિલ્ડીંગ શરૂ કરાઇ નથી. આ ઉપરાંત જાળવણીના અભાવે નવું બિલ્ડિંગ શરૂ થાય તે પૂર્વે જ અનેક જગ્યાએ લાદીઓ તૂટી ગઇ છે. અરજદારો માટે તો નવું બિલ્ડિંગ ખૂલ્લુ નથી મુકાયુ પણ કપડા સૂકવવાનું ચાલુ કરી દેવાયુ છે. નિયમિત સફાઇના અભાવે અનેક સ્થળે છોડ ઉગી નીકળ્યા છે. તેમજ આ બિલ્ડીંગ પરિસરનો ઉપયોગ તો હવે વાહન પાર્કિગ માટે પણ થવા લાગ્યો છે. આરએન્ડબી વિભાગ ઘોર નિદ્રામાંથી જાગી આગળની પ્રક્રિયા પૂર્ણ કરે તો અરજદારોને અને અધિકારી કર્મચારીઓને આ નવા બિલ્ડીંગનો ઉપયોગ કરવા મળશે નહીં તો બિલ્ડીંગ શરૂ થયા પહેલાં જ બિસ્માર થઇ જશે.
RTOમાં અગાઉ જે બિલ્ડિંગમાં આગ લાગી હતી તેની યોગ્ય મરામત કર્યા વગર જ ઉપયોગ !
જૂનાં બિલ્ડિંગની છતમાં ગંદકી અને ગાબડાં છતાં કામગીરી ચાલું : અકસ્માતની રાહ?
ઠેર-ઠેર ગંદકી, તૂટેલાં બાંકડા અને ખૂલ્લાં વીજ વાયરની સ્થિતિ વચ્ચે લાયસન્સની કામગીરી માટે આવતા અરજદારોમાં ભય
R&B વિભાગના વાંકે જૂની RTO કચેરીમાં કર્મચારી અને અધિકારી કામ કરવા મજબૂર
આરટીઓના જૂના બિલ્ડીંગમાં ઠેર ઠેર ગંદકી, તૂટલા બાકડા અને ખુલ્લા વીજ વાયર જોવા મળી રહ્યા છે. આ સ્થિતિ વચ્ચે લાયસન્સની કામગીરી માટે આવતા અરજદારોને પણ ભય લાગે છે. જૂના બિલ્ડિંગમાં મહત્વના વિભાગ જેમ કે રેકોર્ડ રૂમ, બિલ શાખા, જન સંપર્ક વિભાગ સહિતની કચેરીની છતમાં પોપડા ખરી ગયા છે. આ ઉ5રાંત અગાઉ જે બિલ્ડિંગમાં આગ લાગી હતી તે બિલ્ડિંગનું યોગ્ય મરામત કર્યા વગર જ ઉપયોગ ચાલુ રાખવામાં આવ્યો છે. અનેક જગ્યાએ ખુલ્લા વીજ વાયરો પણ પડ્યા છે. આવી સ્થિતિ વચ્ચે ક્યારેક અકસ્માત સર્જાશે તો જવાબદારી કોની ? તેવા અનેક સવાલો છે.
બિલ્ડિંગમાં રેકોર્ડ રૂમ, બિલ શાખા, જન સંપર્ક વિભાગ સહિતની કચેરીની છતમાં પોપડાં ખરી ગયાં