રાજકોટમાં બનનાર ઉમિયાધામનું CMના હસ્તે ખાતમુહૂર્ત
ધર્મની સાથે સેવાના કાર્યો પણ કરવામાં આવશે : મુખ્યમંત્રી
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
રાજકોટ જિલ્લામાં ખોડલધામ બાદ હવે ઉમિયાધામ નિર્માણ થવા જઈ રહ્યું છે. સિદસર બાદ હવે મા ઉમિયાનું ભવ્ય મંદિર કણકોટ ગામ નજીક જશવંતપુર ગામે આકાર લઈ રહ્યું છે. જ્યાં મંદિર ઉપરાંત સેવાશ્રમ, શૈક્ષણિક સંકુલના ત્રિવિધ કાર્યક્રમનું ખાતમુહૂર્ત આજ રોજ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે કરવામાં આવ્યું છે. રૂપિયા 550 કરોડના આ પ્રોજેકટમાં પ્રથમ તબક્કે 2 એકર જગ્યામાં 50 કરોડનું મંદિર બનાવવામાં આવશે. આ માટે જશવંતપુર ગામે ન્યારી નદીના કાંઠે 32 વીઘા જમીનની ખરીદી પણ કરવામાં આવી છે. જ્યારે મંદિરની સામે અન્ય 10 એકર જમીન રાજ્ય સરકાર દ્બારા આપવામાં આવી છે. આ સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા પણ સાંસદ રૂપાલાની ટકોરમાં સાથ પુરાવી જણાવ્યું હતું કે, પરસોતમ રૂપાલાએ કહ્યું તે સાચી વાત છે. સંસ્કારો પર ધ્યાન દેવાની જરૂર છે. સરકાર પણ સેવ કલચર, સેવ ઇન્ડિયા ફાઉન્ડેશ અને ગુજરાત સરકાર દરેક ઝોનમાં કાર્યક્રમ કરી રહી છે. અમદાવાદમાં કાર્યક્રમ કર્યો આગામી દિવસોમાં સુરત અને રાજકોટમાં પણ કાર્યક્રમ કરીશું.
ઉમિયા મંદિર સંસ્થાન દ્વારા ધર્મના કાર્યની સાથે સમાજ સેવાના કર્યો પણ કરવામાં આવશે. ધર્મ સેવા હોય કે સમાજ સેવા હોય ફળની ચિંતા કર્યા વગર પાટીદાર સમાજ કાર્ય કરી રહ્યું છે. વધુમાં તેમણે ઉમેર્યું હતું કે, રાજ્યમાં સુશાસનના ત્રીજા વર્ષનાં પ્રથમ દિવસે રાજકોટને 1 દિવસમાં 793 કરોડનાં વિકાસકામોની ભેટ મળી રહી છે. શહેરોનું 750 કરોડનું બજેટ 21,696 કરોડનું થયું છે. સુરત ઇકોનોમિક ડેવલપમેન્ટ પ્લાનની માફક રાજકોટનો વિકાસનો પ્રયત્ન છે. ગુજરાતમાં 14 લાખ પ્રધાનમંત્રી આવાસો બનાવ્યા છે. 2047ના સમયને વડાપ્રધાને અમૃત કાળ ગણાવ્યો છે. નગરો હરિયાળા, સ્વચ્છ બને તે જરૂરી છે. સ્વચ્છ, સમૃદ્ધ અને વિકસિત ગૂજરાતની શુભેચ્છા પાઠવવામાં આવી હતી. આ દરમિયાન રાષ્ટ્રપતિના હસ્તે શ્રેષ્ઠ મનોદિવ્યાંગનો એવોર્ડ મેળવનાર નીતિ રાઠોડને રાજ્ય સરકાર તરફથી રૂ. 51,000નો રોકડ પુરસ્કાર આપી સન્માનિત કરવામાં આવ્યા હતાં.