અભિષેક વ્યાસનું ‘મકરંદિકા વીણા’ પર ગિટારવાદન રહ્યું આકર્ષણનું કેન્દ્ર; યુવા કલાકારોની સર્જનાત્મકતાએ શ્રોતાઓને ઘેલું લગાડ્યું
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
સપ્તસંગીતિ સંગીતયાત્રાનો પાંચમો દિવસ યુવા કલાકારોની ઊર્જા અને નવતર પ્રયોગોને નામ રહ્યો હતો. પરંપરાગત શાસ્ત્રીય સંગીત અને આધુનિક દૃષ્ટિકોણના સમન્વય સાથે યોજાયેલા આ કાર્યક્રમમાં શ્રોતાઓને સંગીતના નવા આયામોનો અનુભવ થયો હતો. કાર્યક્રમની શરૂઆત મહાનુભાવોના હસ્તે દીપ પ્રાગટ્યથી કરવામાં આવી હતી.
મકરંદિકા વીણા અને શાસ્ત્રીય ગિટારવાદન: પ્રથમ ચરણમાં અભિષેક વ્યાસે તેમના દ્વારા સંશોધિત ‘મકરંદિકા વીણા’ (ભારતીય ગિટાર) પર રાગ પુરિયા કલ્યાણ રજૂ કર્યો હતો. ગિટારના તાર પર ભારતીય રાગની અભિવ્યક્તિ અને નિશાંત શર્માના તબલા સંગતે શ્રોતાઓને મંત્રમુગ્ધ કર્યા હતા. આ પ્રસ્તુતિ પરંપરા અને આધુનિક સંશોધનનો સુંદર નમૂનો બની રહી હતી.
‘રસિયા’ ગ્રુપનો ડિજિટલ અને ક્લાસિકલ સંવાદ: બીજા ચરણમાં યુવા કલાકારોના ગ્રુપ ‘રસિયા’એ પિયાનો, વાયોલિન અને તબલાના સંગમથી વાતાવરણ ગુંજવી દીધું હતું. ઈશાન રાવે પિયાનો પર રાગ સન્મુખપ્રિયા અને યજ્ઞેશ રાયકર સાથે મળી રાગ તિલક કામોદની સુંદર રચના રજૂ કરી હતી. ઈશાન ઘોષના તબલાવાદને આ આધુનિક વાદ્યોને શાસ્ત્રીય લય પૂરો પાડ્યો હતો. આ ગ્રુપે પં. ઝાકીર હુસૈનજીને શ્રદ્ધાસુમન અર્પણ કરી ‘શક્તિ’ આલ્બમની રચનાઓ પણ પેશ કરી હતી. 20 થી 24 વર્ષના આ યુવાનોની પ્રતિભાએ સાબિત કર્યું કે સંગીતમાં સીમાઓ ઓળંગીને પણ ભાવ અને સંસ્કૃતિનો સંગમ શક્ય છે.



