દેશમાં પ્રથમ કિસ્સો: 24 સપ્તાહ સુધી જ ગર્ભપાતની મંજૂરી છે
ગર્ભપાત પ્રક્રિયામાં પીડીયુ હોસ્પિટલના સૌથી સિનિયર ગાયનેકોલોજીસ્ટને હાજર રાખવા હાઈકોર્ટની સુચના
- Advertisement -
13 વર્ષની સગીરા પર પાડોશીએ દુષ્કર્મ ગુજાર્યું હતું
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
દેશમાં પ્રથમ વખત આવેલા એક હુકમમાં રાજકોટમાં બળાત્કારનો ભોગ બનેલી 13 વર્ષની પીડિતાનો 33 સપ્તાહનો ગર્ભ દૂર કરવાનો આદેશ કર્યો હતો. સામાન્ય રીતે મેડિકલ ટર્મીનેશન ઓફ પ્રેગનન્સી અમેન્ડમેન્ટ બીલની જોગવાઇ હેઠળ સામાન્ય સંજોગોમાં 24 સપ્તાહ સુધીના ગર્ભના ગર્ભપાતની મંજૂરી હોય છે પરંતુ રાજકોટની એક 13 વર્ષીય સગીરા કે જે ખુદ તેના પાડોશી દ્વારા જ દુષ્કર્મનો ભોગ બની હતી અને 33 સપ્તાહનો ગર્ભ ધરાવી રહી હતી, તેને ગર્ભપાત કરાવવા ગુજરાત હાઇકોર્ટે મંજૂરી આપી હતી. આ બાબતે હાઇકોર્ટે આદેશ કર્યો હતો કે પીડિતાના વાલીને ગર્ભપાતના જોખમો વિશે માહિતગાર કરીને આ પ્રક્રિયા હાથ ધરવાની રહેશે.
જસ્ટિસ નિર્ઝર એસ.દેસાઇએ પીડિતાના મેડિકલ રિપોર્ટને ધ્યાનમાં લઇ સગીરાના ગર્ભના ગર્ભપાત કરાવવાની મંજૂરી આપી હતી. એટલે કે હાઇકોર્ટે પીડિતા અને તેના વાલીને ગર્ભના ગર્ભપાતના જોખમ સહિતના પાસાઓની તેઓ સમજી શકે તે ભાષામાં જાણકારી આપી તેઓની લેખિતમાં સહી મેળવ્યા બાદ ગર્ભપાતની પ્રક્રિયા હાથ ધરવા હુકમ કર્યો હતો.
રાજકોટની પીડીયુ જનરલ હોસ્પિટલના સિનિયર મોસ્ટ ગાયનેકોલોજીસ્ટ, સાયકોલોજીસ્ટ સહિતના નિષ્ણાત તબીબની ટીમને ગર્ભપાત દરમ્યાન હાજર રહેવા અને પીડિતાની ઉમંરને લઇ તેની ખાસ કાળજી લેવા અને ધ્યાન રાખવા પણ નિર્દેશ કર્યો હતો. રાજકોટની 13 વર્ષીય સગીરાના વાલીઓ તરફથી કરાયેલી રિટ અરજીમાં હાઇકોર્ટનું ધ્યાન દોર્યું હતું કે, 13 વર્ષીય સગીરાને ખુદ તેના પાડોશી આરોપીએ જ તેની કુમળી વય અને માનસિકતાનો ગેરલાભ ઉઠાવી તેને દુષ્કર્મનો ભોગ બનાવી હતી, જેના કારણે તે ગર્ભવતી બની હતી.
જો કે, પીડિતાની માનસિક, સામાજિક અને શારીરિક સ્થિતિ અને સંજોગોને જોતાં તેણી બાળકને જન્મ આપવા ઇચ્છતી નથી અને ગર્ભપાત કરાવવા માંગે છે.
હાઇકોર્ટે રાજકોટની પંડિત દિનદયાળ ઉપાધ્યાય જનરલ હોસ્પિટલને પીડિતાની મેડિકલ તપાસ કરી રિપોર્ટ રજૂ કરવા જણાવ્યું હતું. જેના અનુસંધાનમાં સરકારપક્ષ તરફથી રિપોર્ટ રજૂ કરી જણાવાયું હતું કે, હાલ પીડિતાને 33 સપ્તાહનો ગર્ભ રહેલો છે અને તેના ગર્ભપાતમાં હાઇરીસ્ક પણ રહેલું છે., તેણીને 1.99 કિલોનો ગર્ભ છે.
પીડિતા એનીમીયા અને માઇલ્ડ ઇન્ટેલેક્ચુઅલ ડિસેબિલિટીથી પણ પીડિત હોવાનું સામે આવ્યું હતું. તેથી એનીમીયાના મૂલ્યાંકન અને તેની સુધારણા બાદ ગર્ભપાતની પ્રક્રિયા હાથ ધરી શકાય તેમ હોવાનું નિષ્ણાત ડોકટરોની પેનલે રિપોર્ટમાં સૂચિત કર્યુ હતું. જેને પગલે હાઇકોર્ટે સગીરાના 33 સપ્તાહના ગર્ભના ગર્ભપાત માટે મંજૂરી આપી હતી અને ઓપરેશન કે પ્રક્રિયા દરમ્યાન લોહીની વ્યવસ્થા રાખવા અને એક્સપર્ટ ડોકટરોને હાજર રહેવા ખાસ તાકીદ કરી હતી.



