ગુજરાતમાં એક જ વર્ષમાં 2.70 લાખ સોલાર રૂફટોપ ઈન્સ્ટોલ થયા
રાજયમાં રહેણાંક રૂફટોપ મારફત 3400 મેગાવોટ સૌરઉર્જાનું ઉત્પાદન: અમદાવાદ મોખરે
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
પીએમ સુર્યઘર યોજના હેઠળ ગુજરાતે એક જ વર્ષમાં 1000 મેગાવોટની વિજળી ઉત્પાદન કરવાની ક્ષમતા સાથે સૌથી વધુ સોલાર રૂફટોપ લગાવવાની સિદ્ધિ હાંસલ કરી છે. ગુજરાતમાં 2.70 લાખ ઘરોમાં વર્ષ દરમ્યાન સોલાર રૂફટોપ લગાવવામાં આવ્યા છે અને કુલ આંકડો 8.73 લાખ પર પહોંચ્યો છે. અમદાવાદમાં સૌથી વધુ 1.21 લાખ તથા રાજકોટમાં 1.02 લાખ ઘરોમાં સોલાર રૂફટોપ લગાવાયા છે.
ગુજરાત ઉર્જા વિકાસ નિગમના મેનેજીંગ ડાયરેકટર જયપ્રકાશ શિવહરેએ કહ્યું કે રાજયના મકાનોમાં સૌર ઉર્જા ઉત્પાદન 3400 મેગાવોટ પર પહોંચી ગયુ છે. અમદાવાદ, સુરત, વડોદરા તથા રાજકોટ જેવા ચારેય મહાનગરોમાં 1-1 લાખથી વધુ મકાનોમાં સોલાર રૂફટોપ લાગી ગયા છે. રાજયના તમામે તમામ જીલ્લાઓમાં વતા ઓછા પ્રમાણમાં સોલાર રૂફટોપ છે.
તેઓએ કહ્યું કે, ગ્રાહકોને જ વિજ ઉત્પાદન બનાવવાની વડાપ્રધાન મોદીની દીર્ઘદ્રષ્ટિના ફળસ્વરૂપ રાજય સરકારે સોલાર રૂફટોપને પ્રોત્સાહન આપતી સ્પષ્ટ નીતિ અમલમાં મુકી જ છે. પીએમ સૂર્યઘર યોજના સાવ સરળ પ્રક્રિયા છે અને ઝડપી તથા ઓટોમેટીક ધોરણે જ તેને મંજુરી મળી જાય છે.
છેલ્લા એક જ વર્ષમાં ગુજરાતમાં 2.70 લાખ ઘરોમાં પરિવારોએ સોલાર રૂફટોપ ઈન્સ્ટોલ કરાવ્યા છે. સોલાર રૂફટોપ વિક્રેતાઓને સબસીડીનું પેમેન્ટ ઝડપથી અને સમયસર થઈ શકે તે માટે સરકારે રોલીંગ ફંડ મિકેનીઝમ અપનાવ્યુ છે.
તેના થકી ગુજરાત સૌથી વધુ સોલાર રૂફટોપ ઈન્સ્ટોલ કરવાની સિદ્ધિ મેળવી શકયુ છે. ઉપરાંત લોકો-ગ્રાહકો જ તેના ફાયદાની એકબીજા સાથે વાતો કરતા હોવાથી વધુને વધુ પરિવારો તેને અપનાવતા થયા છે. ગુજરાતમાં સોલાર રૂફટોપ માટેનુ મજબૂત નેટવર્ક છે. સ્થાનિક સ્તરે અનેક ઉત્પાદક કંપનીઓ તથા 1100 જેટલા વિજેતાઓથી સ્પર્ધાત્મક વાતાવરણ સર્જાયુ છે અને ગ્રાહકોને તેનો લાભ મળે છે. સરકારના પ્રોત્સાહનનુ પણ મોટુ યોગદાન છે. કેન્દ્ર સરકારે ગત વર્ષના ફેબ્રુઆરીમાં પીએમ સૂર્યઘર યોજનાની પહેલ કરી હતી અને સબસીડી વધારીને 78000 કરી દેવામાં આવતા સોલાર રૂફટોપને વેગ મળ્યો હતો. જાણકારોના કહેવા પ્રમાણે ગુજરાતમાં સૌથી મોટી વસતી અમદાવાદની છે એટલે દેખીતી રીતે અમદાવાદમાં જ સૌથી વધુ સોલાર રૂફટોપનુ ઈન્સ્ટોલેશન હોઈ શકે છે.જો કે, શહેરમાં મહતમ એપાર્ટમેન્ટ છે. રાજકોટ તથા વડોદરામાં મકાન-ટેનામેન્ટ વધુ હોવાથી આ શહેરોમાં પણ વૃદ્ધિદર
મોટો છે.
રાજ્યમાં સોલાર રૂફટોપ સંખ્યા
જિલ્લો સોલાર રૂફટોપ વિજ ઉત્પાદન
અમદાવાદ 1,21,826 539.12 મેગાવોટ
સુરત 1,17,984 505.44 મેગાવોટ
વડોદરા 1,08,949 437.66 મેગાવોટ
રાજકોટ 1,02,454 380.34 મેગાવોટ
ભાવનગર 33,026 116.37 મેગાવોટ
આણંદ 32,721 128.66 મેગાવોટ
ગુજરાત 8,91,432 3427.43 મેગાવોટ