ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.25
ફાર્માસિસ્ટના એલોપેથીક દવાઓના અભ્યાસ, આવડત અને અનુભવનો લાભ જનતા સુધી પહોંચાડવા ટીમ આર.પી.એ.ની કારોબારી મીટીંગ યોજાઈ હતી અને નવી ટર્મ માટે હોદ્દેદારોની પસંદગી કરવામાં આવી હતી.
તાજેતરમાં રાજકોટ ફાર્માસિસ્ટ એસોસિએશને તમામ હોદ્દેદારો તેમજ તેમની તમામ સમિતિઓની એક મીટીંગનું આયોજન બી. કે. મોદી સરકારી ફાર્માસિસ્ટ કોલેજ રાજકોટ ખાતે કરવામાં આવ્યું હતું.
રાજકોટ ફાર્માસિસ્ટ એસોસિએશન તમામ ક્ષેત્રના ફાર્માસિસ્ટને સાંકળી લેતું સંગઠન છે. જેમાં સરકારી ફાર્માસિસ્ટો, કોલેજ સાથે સંકળાયેલા અધ્યાપકો, હોલસેલરના ધંધા સાથે સંકળાયેલા ફાર્માસિસ્ટો, મેડિકલ સ્ટોર ચલાવતા ફાર્માસિસ્ટો, માર્કેટિંગના વ્યવસાય સાથે સંકળાયેલા ફાર્માસિસ્ટો જેવા તમામ ક્ષેત્રોના ફાર્માસિસ્ટો અહીં જોડાયેલા છે. આર્થિક અને સામાજિક રીતે તેમની સાથે જોડાયેલા ઘણા વણઉકલ્યા પ્રશ્ર્નોના ઉત્થાન માટે તેઓ એક મંચમાં ભવિષ્યના પ્લાનની રૂપરેખા માટે અને અમુક નવી બાબતોની ચર્ચા તેમજ નવી ટર્મ માટેના સંગઠનની ચૂંટણી કે પસંદગી કરવા માટે આ મીટનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ મીટીંગમાં આગામી ટર્મ 2024-27 માટે સર્વાનુમત્તે પ્રમુખ તરીકે સત્યેન પટેલ, ઉપપ્રમુખ તરીકે મનોજભાઈ બંસલ અને નીલેશભાઈ પટેલ તેમજ જનરલ સેક્રેટરી તરીકે હિતેશભાઈ ત્રાડા અને પ્રતિકપુરી ગોસ્વામીની નિમણુંક કરી હતી. બાકીના હોદ્દેદારો તેમજ કમિટીની નિમણુંક હવે કરવામાં આવશે.
ફાર્મસી વિદ્યાર્થીઓ તથા હોલસેલ તથા રીટેલ ક્ષેત્રે રહેલા ફાર્માસિસ્ટ તેમજ એકેડેમિક અને ઈન્ડસ્ટ્રીઝ સાથે સંકળાયેલા ફાર્માસિસ્ટો વધુમાં વધુ જનહિતાર્થે રાજકોટ ફાર્માસિસ્ટ એસોસિએશન સાથે જોડાવા માટેનું આહવાન પ્રમુખ સત્યેન પટેલે કર્યું હતું.
રાજકોટ ફાર્માસિસ્ટ એસો. દ્વારા RPAની કારોબારી મિટિંગ યોજાઈ
