ખાસ-ખબર સંવાદદાતા
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીને આખરે 12 વર્ષે કાયમી રજિસ્ટ્રાર મળ્યા છે. રાજ્ય સરકારે શુક્રવારે ગુજરાત યુનિવર્સિટીના કાયમી કુલપતિ તરીકે ડો. નીરજા ગુપ્તાની વરણી કરવાની સાથેસાથે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કાયમી રજિસ્ટ્રારનો પણ ઓર્ડર કરી દીધો છે. છેલ્લા 12 વર્ષથી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ઇન્ચાર્જ રજિસ્ટ્રારથી ગાડું ગબડાવવામાં આવી રહ્યું હતું. છેલ્લે 21 જૂન-2011માં ગજેન્દ્ર જાનીને છૂટા કરાયા બાદ કોઈ કાયમી રજિસ્ટ્રાર મુકવામાં આવ્યા ન હતા.
શુક્રવારે સાંજે ઉચ્ચ શિક્ષણ વિભાગે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં કાયમી રજિસ્ટ્રારની સત્તાવાર નિયુક્તિ કર્યાનો મેઇલ કરવામાં આવ્યો હતો. યુનિવર્સિટીએ અગાઉ જુલાઈ-2013 અને ફરીથી ઑગસ્ટ-2015માં ખાલી જગ્યાની જાહેરાત કરી હતી પરંતુ કોઈ ઉમેદવારોને વ્યક્તિગત ઇન્ટરવ્યૂ માટે બોલાવવામાં આવ્યા ન હતા. ત્યારબાદ જૂન-2019માં પણ જાહેરાત બહાર પાડી હતી જેમાં 27 જેટલા ઉમેદવારોએ રજિસ્ટ્રાર બનવા દાવેદારી કરી હતી. મનપામાં સેક્રેટરી તરીકે ફરજ બજાવતા રૂપારેલિઆએ હ્યુમન રિસોર્સમાં પીએચડી કર્યું છે. અગાઉ મોરબી ઇજનેરી કોલેજમાં લેક્ચરર હતા. 2014 થી મ્યુનિસિપલ સેક્રેટરી તરીકે ફરજ બજાવે છે.