શ્ર્વાનનો ત્રાસ વધતા રાજકોટમાં હેલ્પલાઇન શરૂ
અઢી વર્ષમાં 6631 જ્યારે 2007-08થી અત્યાર સુધીમાં 80,294નું ખસીકરણ
- Advertisement -
રસીકરણનો 7મો રાઉન્ડ ચાલુ : કોલ સેન્ટરમાં ફરિયાદ કરો એટલે ટીમ આવશે
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.12
રાજકોટ શહેરમાં ડોગ બાઈટના બનાવો ઘણા સમયથી નોંધાઈ રહ્યા છે. લોકો કહે છે કે મનપા કરોડો રૂપિયાનો ખર્ચ શ્વાનોના વંધ્યીકરણ માટે કરે છે છતાં શ્વાનોની સંખ્યા ઘટતી નથી. તેવામાં મનપાએ દાવો કર્યો છે કે, શહેરના 90 ટકા શ્વાનો વંધ્યીકરણમાં આવરી લેવાયા છે.પ્રાણી રંજાડ અંકુશ શાખાના જણાવ્યા અનુસાર 2007-08થી અત્યાર સુધીમાં 80294 શ્વાનનું વંધ્યીકરણ ઓપરેશન કરવામાં આવ્યું છે. આ પૈકી વર્ષ 2022-23માં 2817, વર્ષ 2023-24માં 3013 અને ચાલુ નાણાકીય વર્ષમાં જૂન સુધીમાં 801 શ્વાનનું વંધ્યીકરણ ઓપરેશન કરાયું છે. છેલ્લા પાંચ વર્ષથી રાજકોટ શહેરમાં 90 ટકાથી વધુ શ્વાનો વંધ્યીકરણમાં આવરી લેવાયા છે. કોર્પોરેશન દ્વારા શ્વાનોનાં પ્રશ્નોનાં નિરાકરણ માટે શ્ર્વાન વ્યંધિકરણ તથા હડકવા વિરોધી રસીકરણની કામગીરી વચ્ચે ચોમાસામાં ફરી સમસ્યા વધતા મનપાના કોલ સેન્ટર પર વ્યંધિકરણ માટેની ફરિયાદ નોંધાવવા એએનસીડી વિભાગે વ્યવસ્થા જાહેર કરી છે.
વર્ષ 2016-17ની અગાઉ વંધ્યીકરણ કરેલા શ્વાનોને ફરીથી હડકવા વિરોધી રસી આપવામાં આવે છે અને આ રસીનો 7મો રાઉન્ડ હાલ ચાલુ છે અને 1,03,053 ડોઝ હડકવા વિરોધી રસીના આપી દેવાયા છે.છ માસ કે તેથી વધુ ઉંમરના શ્વાનનું વંધ્યીકરણ ઓપરેશન કરાય છે તેમજ આવા શ્વાનોના કાનમાં વી આકારની ખાંચ પાડવામાં આવે છે જેથી ઓળખ કરાય છે. તેથી જો કોઇ વિસ્તારમાં છ માસથી વધુ ઉંમરના શ્વાનો વંધ્યીકરણ વગરના માલૂમ પડે તો મનપાના કોલ સેન્ટર નંબર 2450077 પર સંપર્ક કરવા માટે જણાવ્યું છે. મહાનગરપાલિકા તંત્ર શ્વાનને વંધ્યીકરણનો દાવો કરે છે પરંતુ હકીકતમાં શહેરમાં શ્વાનની વસ્તી ઘટવાને બદલે સતત વધી રહી છે.