પૂર્વ ઝોનના રસ્તા રિપેર કરવા માટે 74 કરોડની તથા રેસકોર્સ સંકુલના મેદાનોના ભાડામાં નવા દર સહિતની દરખાસ્ત
ક્રિકેટ સ્ટેડિયમનું પેવેલિયન આધુનિક બનાવવા માટે 6.11 કરોડના ખર્ચની દરખાસ્ત
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજકોટ મહાપાલિકાની સ્ટેન્ડિંગ સમિતિ સોમવારે મળી રહી છે જેમાં પૂર્વ ઝોનના બિસમાર રસ્તાઓ રિપેર કરવા 74 કરોડના ખર્ચ સહિતની 33 દરખાસ્તો મૂકવામાં આવી છે. મનપા દ્વારા રમત ગમતને ઉતેજન આપવાના બદલે રેસકોર્સ સંકૂલના મેદાનોના ભાડા વધારી નવા દર લાગુ કરવા દરખાસ્ત મૂકવામાં આવી છે.
પૂર્વ ઝોનના વોર્ડ નં. 4,5,6,15,16 અને 18ના રસ્તા ચોમાસામા બિસ્માર થયા છે તેના રિપેરીંગ કરવા માટે તેમજ પેવરથી મઢવા માટે 74 કરોડના ખર્ચની દરખાસ્ત આવી છે. મનપા દ્વારા રેસકોર્સ સંકૂલના મેદાનો ભાડે આપવા પણ દરખાસ્ત કરવામાં આવી છે. બેડમિન્ટનમાં 2000નો દર નક્કી કરવામાં આવ્યો છે. ટેનિસ કોર્ટમાં 1000 પ્રતિ કલાકનું ભાડુ હતું તે 2000 અને સાંજના 6થી રાતે 12ના કિસ્સામાં 6000 કરવા દરખાસ્ત થઈ છે. ટી.ટી.માં સવારે 10થી સાંજે 6સુધીમાં પ્રતિ ટેબલ 1000નો ચાર્જ નખાયો છે. સ્નાનાગારમાં 10 હજાર ભાડુ હતું તે માત્ર શાળા કોલેજ માટે રખાયું હતું હવે દરેક કિસ્સામાં 10 હજારના ભાડેથી પૂલ આપવામાં આવશે. સિન્થેટીક ટર્ફ હોકી ગ્રાઉન્ડનું 2000 ભાડુ હતું તે 4000 કરવા તેમજ ફૂટબોલ ગ્રાઉન્ડને સાંજે 6થી રાત્રે 11 સુધીનું ભાડુ 5000 હતું તેના 6000 કરવામા આવનાર છે. મવડી સંકૂલના પણ ભાડા નક્કી કરવા દરખાસ્ત કરવામાં આવી છે. સ્નાનાગારમાં હાલ ત્રિમાસિકના દર વધારવામાં આવનાર નથી. શાળા નં.51ને મોડલ સ્કૂલ બનાવવા માટે પણ દરખાસ્ત કરવામાં આવી છે.
- Advertisement -
રેસકોર્સ સ્થિત ક્રિકેટ સ્ટેડિયમનું પેવેલિયન આધુનિક બનાવવા માટે 6.11 કરોડના ખર્ચની દરખાસ્ત કરવામાં આવી છે. હાલ જે પેવેલિયન છે તે જર્જરિત અને પુરતી સુવિધા વગરની હોવાથી તેના સ્થાને સુવિધાયુકત પેવેલિયન આકાર લેશે.