વિકાસની વાતો વચ્ચે રાજકોટ શહેરની હાલત ગામડા કરતા પણ ખરાબ થઈ: હજુ કેટલાક વિસ્તારોમાં પાણીના ટેન્કર આવે છે
રામનાથ મહાદેવ મંદિરના નવ નિર્માણની વાતો છેલ્લા 15 વર્ષથી ચાલી રહી છે પરંતુ મંદિર પાસેની ગંદકી કચરાના ગંજ હટ્યા નથી
કોંગ્રેસ સુજન સંગઠન શક્તિ અંતર્ગત દરેક વોર્ડમાં સદસ્યતા અભિયાન હાથ ધરશે: ટૂંક સમયમાં જ શહેર કોંગ્રેસ સમિતિનું માળખું જાહેર થશે
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.1
રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિ નવ નિયુક્ત પ્રમુખ ડો. રાજદીપસિંહ જાડેજા સહિતના કોંગ્રેસના તમામ આગેવાનો આજ રોજ પ્રેસની શુભેચ્છા મુલાકાતે આવતા જણાવ્યું હતું કે, રાજકોટ મહાનગરપાલિકામાં ભારતીય જનતા પાટીનું વર્ષોથી શાસન રહ્યું છે. રાજ્ય સરકારમાં ભય, ભૂખ અને ભ્રષ્ટાચાર મુક્ત શાસનના વચન આપી શાસનની ધુરા સંભાળનાર ભાજપે મહાનગરપાલિકામાં જ્યાં માનવી ત્યાં સુવિધા, છેવાડાના વિસ્તારનો વિકાસ, ભ્રષ્ટાચાર મુક્ત કરવાની ફક્ત વાતો જ કરી છે.
શહેરમાં અડધી કલાક પાણી વિતરણની યોજના, શહેરને સ્માર્ટ સિટી બનાવશું, હિન્દુસ્તાનના નકશામાં શિકાગો બનાવવાની વાત કરનારા જુદા જુદા પ્રકારના અનેક વેરા રાજકોટના શહેરીજનો ઉપર લાદવામાં આવ્યા છે. સત્તાધીશો દ્વારા સ્માર્ટ સિટીનો રાજકોટ મહાનગરપાલિકા દ્વારા જે પ્રોજેકટ જીઓ ટેગિંગથી દરેક મિલકતનો સર્વે કરી રેકોર્ડ કરવાની વાત હતી તેનુ સૂરસુરિયું થઈ ગયું છે. શહેરમાં વિકાસની વાતો વચ્ચે શહેરની હાલત ગામડા કરતા પણ ખરાબ થઈ છે. રાજકોટ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ અને અનેક શાળાઓ આજે પણ ભાડાના મકાનમાં બેસે છે રાજકોટની જનતા ડહોળા, ગંધાતા અને ગટરના પાણી પીવાના પાણી સાથે ભળી જવાની સમસ્યાથી શહેરીજનો ત્રસ્ત છે. શાસકોએ ચૂંટણી સમયે શહેરને અડધી કલાક પાણી આપવાના દિવાસ્વપ્નો દેખાડ્યા હતા. પરંતુ શહેરમાં આજે પણ અનેક વિસ્તારોમાં 20 મિનિટ પાણી મળતું નથી અને ટેન્કર યુગ ચાલે છે. નવા વિસ્તારોમાં પાણીની લાઈનો ન હોવાને પગલે ટેન્કરથી પાણી વિતરણ કરવું પડે છે.
ભાજપ સરકાર શહેરના પૌરાણિક રામનાથ મહાદેવ મંદિરના નવ નિર્માણની વાતો છેલ્લા 15 વર્ષથી કરી રહી છે અને દર ચૂંટણી સમયે હથેળીમાં ચાંદ બતાવી મંદિરનું નિર્માણ કાર્ય પૂરું કરવાની વાતો કરવામાં આવે છે પરંતુ મંદિર પાસેની ગંદકી કચરાના ગંજ હટાવી નથી શકતી. મહાનગરપાલિકા અને જિલ્લા કલેકટર કચેરીના સંકલનના અભાવે વર્ષ 2017માં પૂર્વ મુખ્યમંત્રી સ્વ. વિજયભાઈ રૂપાણીના નવનિર્માણનું ખાતમહર્ત જેમાં પાંચ કરોડ રૂપિયા વાપરવાની જાહેરાત બાદ ડિઝાઇન ખોટી હોવાને પગલે કામ ખોરંભે પડ્યું છે. આજી રિવરફ્રન્ટ અંગે વખતો વખત જાહેરાતો કરવામાં આવી છે બજેટ ફાળવવામાં આવ્યું છે પરંતુ કોઈ નક્કર કામગીરી આજે પણ ન થતા આજે રિવરફ્રન્ટ યોજનાનું બાળ મરણ થયું છે.
ડો. રાજદીપસિંહ જાડેજાએ કહ્યું હતું કે, આગામી દિવસોમાં કોંગ્રેસમાં નવા ચહેરાઓ અને યુવાનો, મહિલાઓ, વિદ્યાર્થીઓને સભ્ય બનાવવાની નોંધણી કરાશે અને ટૂંક સમયમાં શહેર કોંગ્રેસ સમિતિ નું માળખું જાહેર કરવામાં આવશે. દરેક વોર્ડમાં રસ્તા, ગટર, પાણી અને પ્રાથમિક જરૂરિયાતો અંગે રાજકોટ મહાનગરપાલિકા સામે લડત ચલાવવામાં આવશે. રાજકોટ મહાનગરપાલિકા ભ્રષ્ટાચારની ગંગોત્રી છે દરેક શાખામાં ભ્રષ્ટાચારની બદબુ આવે છે અને આજે પણ અગ્નિકાંડની ઘટનાને પગલે ભ્રષ્ટાચારી અધિકારીઓ જેલ ભેગા થયા છે ભૂતકાળમાં પણ મહાનગરપાલિકામાં લાંચિયા અને ભ્રષ્ટ અધિકારીઓ સપડાયા છે.
- Advertisement -
મહાનગરપાલિકાની વોર્ડમાં ઓફિસમાં પણ સામાન્ય કામો માટે અનેક ધક્કાઓ થાય છે.
રાજકોટ મહાનગરપાલિકામાં જાગૃત નાગરિકો દ્વારા મ્યુનિસિપલ કમિશનરને સંબોધીને ઇન્વર્ડ કરેલી અરજીઓનું જવાબ મળવો જોઈએ તે મળતો નથી. શહેરમાં ટ્રાફિક પ્રશ્નો અંગે મહાનગરપાલિકા અને રાજકોટ શહેર પોલીસ વચ્ચે સંકલનનો અભાવ હોવાથી લોકો ઉપર આકરો દંડ વસૂલવામાં આવે છે. શહેરમાં ટુ વ્હીલર્સ ફ્રી પાર્કિંગ હોવું જોઇએ.
આરોગ્ય કેન્દ્રના તમામ દવાખાનામાં આયુર્વેદ, નેચરોપેથી, એક્યુપ્રેશર, હોમિયોપેથીને વિશેષ મહત્વ આપી આ સેવાઓ ચાલુ કરવી જોઈએ. આ સિવાય બે થી ત્રણ વર્ષે વર્ગ 3 અને વર્ગ 4 ની નવી ભરતી કરે ઉંમર મર્યાદામાં વધારો કરી વોર્ડ વાઈઝ દરેકને તેમાં યોગ્ય સ્થાન મળે. સફાઈ કામદારોની પણ ભરતી કાયમી ધોરણે થવી જોઈએ. સિનિયર સિટીઝનોને દરેક કામમાં અગ્રતા આપવામાં આવે અને મહાનગરપાલિકાના તમામ ગાર્ડનમાં વિવિધ પ્રકારના ફળો ઔષધીય વૃક્ષો વાવવામાં આવે ઘટાદાર વૃક્ષોને પણ ખાસ જરૂરી છે મહાનગરપાલિકાના ગાર્ડનમાં કોઈ વૃક્ષ ઉગાડવામાં આવ્યા નથી તેમ જે હયાત વૃક્ષો છે તેની છેદનની પ્રક્રિયા હાલ ચાલી રહી છે.