ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજકોટમાં ગઇકાલે સતત બીજે દિવસે રાજકોટ જિલ્લામાં કમોસમી વરસાદ વરસ્યો હતો. રાજકોટમાં બપોરે ભારે પવન સાથે આવેલા વરસાદે ઠેર ઠેર વીજળી ગુલ કરી દીધી હતી. રાજકોટમાં માત્ર એક ઝાપટું આવતાં જ અનેક વિસ્તારમાં અંધારપટની સ્થિતિ સર્જાઈ હતી. સોમવારે અને મંગળવારે આવેલા વરસાદને કારણે પીજીવીસીએલના ગ્રાહક સેવા કેન્દ્રમાં વીજળી ગુલ થયાની 500થી વધુ ફરિયાદ આવી હતી. બીજીબાજુ શહેરમાં ભારે પવન સાથે આવેલા વરસાદને કારણે મસાલા માર્કેટના મંડપ ઊડી ગયા હતા, ક્યાંક નાના-મોટા બોર્ડ પડી ગયા હતા. હજુ આગામી તારીખ 11મી મે સુધી રાજકોટ સહિત રાજ્યમાં છૂટાછવાયા વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે.
- Advertisement -
હવામાન કેન્દ્ર દ્વારા આગામી તા.7 મેથી 11 મે સુધી 5 દિવસ દરમિયાન રાજકોટ જિલ્લામાં હવામાનની આગાહી કરવામાં આવી છે. આગાહી અનુસાર આજથી પાંચ દિવસ દરમિયાન જિલ્લામાં છૂટાછવાયા વરસાદની શક્યતા જણાવવામાં આવી છે. આ સમયગાળામાં મહત્તમ તાપમાન દિવસ દરમિયાન 33-35 ડિગ્રી સેલ્સિયસ જેટલું તેમજ લઘુતમ તાપમાન રાત્રી દરમિયાન 19-20 ડિગ્રી સેલ્સિયસ તથા મહત્તમ અને લઘુતમ ભેજનું પ્રમાણ અનુક્રમે 90-95 અને 50-70 ટકા જેટલું રહેવાની સંભાવના છે. પવનની ઝડપ 8થી 18 કિ.મી/કલાક અને પશ્ચિમ અને નૈઋત્ય દિશા રહેવાનીશક્યતા છે.
રાજકોટ જિલ્લામાં 2 દિવસમાં વરસાદ નોંધાયો છે. જે મુજબ બપોરના 14 વાગ્યાથી 16 કલાકમાં રાજકોટમાં 14 અને લોધિકામા 6 મી.મી. કુલ 1.82 ઈંચ વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત કોટડાસાંગાણીમાં 1 અને ગોંડલ ખાતે 2 મી.મી. વરસાદ નોંધાયો છે.
વૈશાખ મહિનામાં અષાઢ જેવો માહોલ સર્જાયો છે. રાજકોટ શહેર સહિત જિલ્લાભરમાં વરસાદ પડ્યો છે. હજુ 10 મે સુધી ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી છે ત્યારે ભારે વરસાદની આગાહીને પગલે રાજકોટ જિલ્લાના તાલુકા મથકો પર હંગામી કંટ્રોલરૂમ શરૂ કરવામાં આવ્યા છે. તેમજ આજે પ્રિ-મોન્સૂનની બેઠક મળશે.
જે બેઠકમાં ચોમાસા પૂર્વે કામગીરીની સમીક્ષા કરવામાં આવશે. હંગામી કંટ્રોલરૂમમાં રાઉન્ડ ધ કલોક 24 નાયબ મામલતદાર ફરજ બજાવશે. તેમજ આ માટેના ઓર્ડર પણ ઈસ્યૂ કરી દેવામાં આવ્યા છે. સોમવાર અને મંગળવારે વરસાદ આવતા હંગામી કંટ્રોલરૂમ શરૂ કરવામાં આવ્યા છે. 11 મે સુધી આ કંટ્રોલરૂમ કાર્યરત રહેશે.
જોકે ચોમાસાના પગલે 1 જૂનથી કલેક્ટર કચેરી તેમજ જિલ્લાના તમામ તાલુકા મથકો પર પ્રિ-મોન્સૂન કંટ્રોલરૂમ શરૂ કરવામાં આવશે.જે અંગેની આજરોજ બેઠક મળશે. સાંજે 4.00 કલાકે મળનારી આ બેઠકમાં વિવિધ વિભાગના અધિકારીઓને પણ હાજર રહેવા માટે તાકીદ કરી છે.
મહાપાલિકાએ 70 એડ એજન્સીને નોટિસ પાઠવી
અમદાવાદ અને વડોદરામાં હોર્ડિંગ્ઝ બોર્ડ ઉડ્યાની ઘટના પ્રકાશમાં આવ્યા બાદ રાજકોટ મહાનગરપાલિકા એક્શન મોડમાં આવી છે અને શહેરમાં હોર્ડિંગ્ઝ બોર્ડનું પ્રિ-મોન્સૂન ફિટનેસ ટેસ્ટના રિપોર્ટ મગાવ્યા છે અને તેના માટે 70 જેટલી એડ એજન્સીને નોટિસ આપી છે. રાજકોટમાં 70 એડ એજન્સીના 562 જેટલા હોર્ડિંગ બોર્ડ છે. જેના સ્ટ્રક્ચર સ્ટેબિલિટી રિપોર્ટ રજૂ કરવા અને લાઇટવાળા બોર્ડ હોય તો તેના ઇલેક્ટ્રિક સેફ્ટી સર્ટિફિકેટ રજૂ કરવા મહાનગરપાલિકાએ આદેશ કર્યો છે અને આ સર્ટિફિકેટ 1લી જૂન સુધીમાં રજૂ કરવા તાકીદ કરી છે. ઉલ્લેખનીય છે કે, રાજકોટમાં 352 ખાનગી માલિકીના અને 210 ટેન્ડર સાઇટ મળી કુલ 562 હોર્ડિંગ બોર્ડ છે.



