મહા આરતીમાં શહેર ભાજપ મહિલા મોરચાના અધ્યક્ષ કિરણબેન માંકડીયા તથા મનપાના શાસક પક્ષના નેતા લીલુબેન જાદવની ઉપસ્થિતિ : ગઇકાલે નાસિક ઢોલનો કાર્યક્રમ યોજાયો
ખાસ-ખબર સંવાદદાતા
મધુવન ક્લબ દ્વારા આયોજીત ભવ્ય અને જાજરમાન ગણપતિ મહોત્સવનું શાસ્ત્રીમેદાન ખાતે આયોજન કરવામાં આવ્યું છે. દરરોજ સવારે શાળાના બાળકો દ્વારા તેમજ સાંજે 8 વાગ્યે રાજકોટના મહાનુભાવો અને આમંત્રિત મહેમાનો દ્વારા આરતી કરવામાં આવે છે.
ઇકો ફ્રેન્ડલી દુંદાળા દેવની જાજરમાન પ્રતિમાએ જબરું આકર્ષણ જમાવ્યું છે અને ભાવિકો ભાવ-વિભોર બન્યા છે. ગઇકાલે 14 થી 15 હજાર ભાવિકોએ દર્શનનો લાભ લઇ ધન્યતા અનુભવી હતી. સાથોસાથ સરસ્વતિ ગૃપ દ્વારા નાસિક ઢોલનો ભવ્ય કાર્યક્રમ રજૂ કરવામાં આવ્યો હતો.
- Advertisement -
આજે રાત્રે 9:30 કલાકે પૂજા હોબી સેન્ટર દ્વારા નાના બાળકો ડાન્સ શો રજૂ કરવાના છે. જેમાં સોલો-ડ્યુએટ/ગૃપ ડાન્સ પ્રસ્તુત કરવામાં આવશે. તેમજ આવતી કાલે રાત્રે રાધિકા ગૃપ પ્રસ્તુત જૂના-નવા ગીતોનો ઝરુખો રજૂ કરવામાં આવશે. જેમાં રાજકોટ સૌરાષ્ટ્રના નામાંકિત કલાકારો રક્ષા જોષી, હર્ષિલ, ઉર્મિલા ચૌહાણ, દિપા ચાવડા વગેરે પર્ફોમન્સ કરવાના હોય સર્વે ભાવિકો મોટી સંખ્યામાં લાભ ઉઠાવે તેવી આશિષભાઇ વાગડીયા, રાજુભાઇ કીકાણી અને રાજભા દ્વારા અપીલ કરવામાં આવી છે. તા. 26 અને 27ના રોજ અમરનાથ દર્શન કરાવવામાં આવશે. જેમાં બર્ફીલા મહાદેવના અલૌકીક દર્શન કરાવાશે.
આ ગણપતિ મહોત્સવના આયોજનને સફળ બનાવવા આશિષભાઇ વાગડીયા, રાજભા ઝાલા, રાજુ કીકાણી, પુનિત વાગડીયા, કૌશલ વાગડીયા, બલી ભરવાડ, યશ રવેચા, પરેશ કુકાવા, રૂત્વિક મકવાણા, જયેશ પરમાર સાથે 40 જેટલા કમીટી મેમ્બર જહેમત ઉઠાવી રહ્યા છે. ગઇકાલે મહાઆરતીમાં શહેર ભાજપ મહિલા મોરચાના અધ્યક્ષ કિરણબેન માંકડીયા તથા શાસક પક્ષના નેતા લીલુબેન જાદવ ઉપસ્થિત રહ્યા હતા.