નિષ્ણાંત ડૉક્ટરો દ્વારા સાંધાના દુખાવા, સંધિવા અને સ્પોર્ટ્સ ઇન્જરીની મફત તપાસ; બોન ડેન્સિટી ટેસ્ટ અને દવાઓ પણ નિ:શુલ્ક અપાશે
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
રાજકોટના પૂર્વ મુખ્યમંત્રી હૃદયસ્થ વિજયભાઈ રૂપાણીએ કંડારેલી સેવાકીય કેડી પર ચાલતા, શ્રી પુજીત રૂપાણી મેમોરીયલ ટ્રસ્ટ, શ્રી વિજયભાઈ રૂપાણી મેમોરીયલ અને રોટરી ક્લબ ઓફ રાજકોટ મીડ ટાઉન દ્વારા માનવતાલક્ષી અભિગમ સાથે એક ભવ્ય મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આગામી રવિવાર, તા. 21/12/2025 ના રોજ સવારે 9:00 થી 11:30 વાગ્યા સુધી શ્રી પુજીત રૂપાણી મેમોરીયલ ટ્રસ્ટ ખાતે હાડકાને લગતા વિવિધ દર્દો માટે વિનામૂલ્યે નિદાન અને સારવાર કેમ્પ યોજાશે.
નિષ્ણાંત તબીબોની સેવાઓ: આ કેમ્પમાં હાડકા અને સાંધાના રોગોના ખ્યાતનામ નિષ્ણાંતો પોતાની માનદ સેવાઓ આપશે:
ડો. મનીષ બાવળિયા (રૂમેટોલોજીસ્ટ): હઠીલા સાંધાના દુખાવા, સંધિવા, ગઠીયા વા અને યુરિક એસિડ વધવા જેવી સમસ્યાઓનું નિદાન કરશે.
- Advertisement -
ડો. કેતન ઠક્કર અને ડો. જીત ગાંધી (ઓર્થોપેડિક સર્જન): વારંવાર થતા ફ્રેક્ચર, હાડકા અને સ્નાયુને લગતી જટિલ સારવાર અંગે માર્ગદર્શન આપશે.
ડો. અર્જુનસિંહ રાણા (સ્પોર્ટ્સ ફિઝિયોથેરાપીસ્ટ): સ્પોર્ટ્સ ઇન્જરી અને સ્નાયુના ખેંચાણ માટે ફિઝિયોથેરાપી માર્ગદર્શન આપશે.
કેમ્પની વિશેષતાઓ: કેમ્પ દરમિયાન જરૂરિયાતમંદ દર્દીઓને માત્ર નિદાન જ નહીં, પરંતુ ડોક્ટરની સલાહ મુજબ હાડકાની મજબૂતી માપવા માટેનો બોન ડેન્સિટી ટેસ્ટ પણ વિનામૂલ્યે કરી આપવામાં આવશે. આ ઉપરાંત, દર્દીઓને નિ:શુલ્ક દવા વિતરણ અને એક સપ્તાહ સુધીની ફિઝિયોથેરાપી સારવાર પણ મફત પૂરી પાડવામાં આવશે.
ટ્રસ્ટીઓની અપીલ: ટ્રસ્ટના ટ્રસ્ટી અંજલીબેન વિજયભાઈ રૂપાણીએ રાજકોટના જરૂરિયાતમંદ નાગરિકોને આ કેમ્પનો બહોળો લાભ લેવા અનુરોધ કર્યો છે. સમગ્ર આયોજનને સફળ બનાવવા ટ્રસ્ટની મેડિકલ કમિટીના સભ્યો મહેશભાઈ ભટ્ટ, ડો. જૈમનભાઈ ઉપાધ્યાય, ડો. નયનભાઈ શાહ સહિતના હોદ્દેદારો જહેમત ઉઠાવી રહ્યા છે. વધુ માહિતી માટે વહીવટી અધિકારી ભાવેનભાઈ ભટ્ટનો ફોન નં. 0281-2704545 પર સંપર્ક કરવા જણાવાયું છે.



