કોર્ટે ફરિયાદી અને સાક્ષીઓની જુબાનીમાં વિરોધાભાસ જોતા કેસને શંકારહિત પુરવાર કરવામાં નિષ્ફળતા માની
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજકોટના રૈયાધાર વિસ્તારમાં એક દલિત યુવક પર જીવલેણ હુમલો કરી ગંભીર ઈજા પહોંચાડવા અને જ્ઞાતિ પ્રત્યે અપમાનિત કરવાના ગુનામાં પાંચ ભરવાડ આરોપીઓનો નિર્દોષ છુટકારો થયો છે. રાજકોટની સેશન્સ કોર્ટે ફરિયાદી અને સાક્ષીઓની જુબાનીમાં રહેલા વિરોધાભાસને કારણે આ કેસને શંકારહિત પુરવાર કરવામાં ફરિયાદી પક્ષ નિષ્ફળ ગયો હોવાનું માનીને આ ચુકાદો આપ્યો છે.આ કેસની વિગત મુજબ, રૈયાધાર વિસ્તારમાં રહેતા ફરિયાદી મયુર વિનોદભાઈ ડાંગરે તા. 20/04/2016ના રોજ ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદમાં જણાવ્યા મુજબ, તેઓ ડો. બાબાસાહેબ આંબેડકરની જન્મજયંતિ નિમિત્તે પોસ્ટર લગાવી રહ્યા હતા. આ બાબતનો ખાર રાખીને આરોપીઓ અજય રઘુભાઈ સભાડ, લાલા કડવાભાઈ ગાણોલીયા, વિક્રમ રઘુભાઈ અલગોતર, પંકજ પોપટભાઈ સભાડ અને જીગાભાઈ રાહાભાઈ કિહલાએ લોખંડના પાઈપ અને તલવાર જેવા હથિયારો વડે તેમના પર હુમલો કર્યો હતો. આ હુમલામાં ફરિયાદીને બંને પગ અને આંગળીઓમાં ફ્રેક્ચર જેવી ગંભીર ઈજાઓ થઈ હતી. આરોપીઓએ જ્ઞાતિ પ્રત્યે અપમાનજનક શબ્દોનો ઉપયોગ કરી જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હોવાનું ફરિયાદમાં જણાવ્યું હતું. પોલીસે આ મામલે આરોપીઓની ધરપકડ કરી ચાર્જશીટ રજૂ કરી હતી.
- Advertisement -
આ કેસ ચાલી જતા ફરિયાદી પક્ષ દ્વારા કુલ 15 સાક્ષીઓની જુબાની લેવામાં આવી હતી અને 17 દસ્તાવેજી પુરાવા રજૂ કરવામાં આવ્યા હતા. જોકે, કોર્ટ સમક્ષ ફરિયાદી અને અન્ય સાક્ષીઓની જુબાનીમાં ઘણી વિરોધાભાસી વિગતો સામે આવી હતી. બચાવ પક્ષ દ્વારા કરવામાં આવેલી ઊલટ તપાસમાં પણ બનાવથી વિપરીત હકીકતો રેકોર્ડ પર આવી હતી. આથી, કોર્ટે એવું તારણ કાઢ્યું કે ફરિયાદી પક્ષ તેમના કેસને શંકારહિત રીતે પુરવાર કરવામાં નિષ્ફળ ગયો છે.સેશન્સ કોર્ટના જજ એસ.એ. ગલેરીયાએ બચાવ પક્ષના એડવોકેટ જીજ્ઞેશ એમ. સભાડ, રણજીત બી. મકવાણા અને યોગેશ એ. જાદવની રજૂઆતો અને ઉચ્ચ અદાલતોના ચુકાદાઓને ધ્યાનમાં લઈને તમામ પાંચેય આરોપીઓને નિર્દોષ છોડી મૂકવાનો હુકમ ફરમાવ્યો હતો.