આ વર્ષે બજારમાં માત્ર એક-બે નવા પ્રકારના ફોટોલાઇટ અને મોરકળા જેવા ફટાકડા આવ્યા
કોરોના મહામારીએ લોકો પાસેથી રોજગારી અને આરોગ્ય ઝૂંટવી લીધાં છે. ગુજરાતમાં કોરોનાને 7 મહિનાથી વધુ સમય થઈ ગયો છે અને ધંધા-રોજગાર પણ પાટે ચડી ગયા છે. માત્ર એટલું જ નહીં, દિવાળી જેવા સૌથી મોટા ગણાતા તહેવારના દિવસો હોવા છતાં રાજકોટની બજારમાં કોઇ રોનક દેખાતી નથી. દિવાળીના તહેવારમાં ફટાકડા ફોડવાની શરૂઆત અને ખરીદી નવરાત્રિ અને શરદપૂનમથી શરૂ થઈ જતી હોય છે. આ સમયગાળા દરમિયાન ફટાકડાના વેપારીઓને કેટલાક ગ્રાહકોને ભાવ કહેવાનો પણ ટાઈમ નથી હોતો, પરંતુ આ વર્ષે પરિસ્થિતિ તદ્દન વિપરીત છે. કોરોના મહામારીના કારણે આ વર્ષે ફટાકડા બજારમાં મહામંદી આવી ગઈ છે. શહેરના સદર બજારમાં જ્યાં ફટાકડા માટે ભીડ જામતી હોય છે એ બજારમાં આજે જો ફટાકડાની દુકાન તરફ કોઈ એક વ્યક્તિ પણ આવતી દેખાય તો દુકાનદારે એનો હાથ પકડીને આવો આવો, અહીં સારા ફટાકડા છે કહી એને બોલાવવી પડે છે. શહેરના સદર બજારમાં ફટાકડાના હોલસેલ વેપારીએ જણાવ્યું હતું કે દિવાળીમાં ફટાકડાની ખરીદી માટે શરદપૂનમથી ગ્રાહકોની ભીડ જામતી હોય છે. 10 દિવસ પહેલાં 40 ટકા માલ પૂરો થઈ જાય છે, આ વર્ષે 10 ટકા પણ વેચાણ થયું નથી. આ વર્ષે કોરોના મહામારીને કારણે એકપણ ગ્રાહક બજારમાં દેખાતો નથી. નાની ફૂલઝર, કોઠી, દીવડા, ટોટી બોમ્બ જેવા નાના ફટાકડા લઈ જાય છે. મોટા ફટાકડાનું ઓછું વેચાણ થાય છે. આ વર્ષે કોઈ નવો માલ રાજકોટના બજારમાં આવ્યો જ નથી. બજારમાં માત્ર એક-બે નવા ફટાકડા આવ્યા છે. જેમાં ફોટોલાઈટ અને મોરકળા જેવા ફટાકડા આવ્યા છે. જૂનો માલ જે 12 માસ માટે હોય છે એ જ માલ હાલમાં દિવાળી માટે વપરાય છે. બજારમાં કોઈ જ ડિમાન્ડ નથી. ફટાકડા લેવા માટે પણ રિટેલર્સ આ વર્ષે આવ્યા નથી, જેથી ફટાકડાબજારને મોટું નુકસાન જાય એવી શક્યતા છે.
જોકે વેપારીઓને છેલ્લા પાંચ દિવસમાં થોડોઘણો વેપાર થાય અને લોકો ફટાકડા લઈ જાય એવી આશા છે.
ગત વર્ષે દિવાળીમાં ફટાકડાના વેપારીઓને ભારે મંદી નડી હતી. ફટાકડાબજારના વેપારીઓના જણાવ્યા મુજબ, ફટાકડા પર 28 ટકા જીએસટી લાગતો હોવાથી ફટાકડા પણ મોંઘા થયા હતા. શહેરમાં દર વર્ષે શરદપૂનમથી જ ફટાકડા બજારમાં આવવાના શરૂ થઇ જાય છે અને દિવાળીના તહેવારો શરૂ થાય એ પહેલા તો વેપારીઓના 50-60 ટકા સ્ટોક ખાલી પણ થઇ જાય છે, પરંતુ દિવાળીના દિવસે પણ વેપારીઓનો 50 ટકા કરતાં વધુ સ્ટોક વેચાયા વગર પડી રહ્યો હતો. ફટાકડાના વેચાણમાં પાછલાં દસ વર્ષોમાંથી સૌથી ખરાબ સ્થિતિ આ વર્ષે જોવા મળી છે.