ખેડૂતો સાથે થતા અન્યાય સામે અવાજ ઉઠાવનાર આમ આદમી પાર્ટીમાં જોડાવવાનો વિચાર: 2019માં ભરતી થયેલા સાગર ઝાપડિયા હાલ ગોંડલ સિટી સાથે આટકોટ અટેચમાં ફરજ બજાવે છે
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
રાજકોટ જિલ્લા પોલીસના ગોંડલ સીટી સાથે આટકોટ પોલીસ મથકમાં અટેચમાં નોકરી કરતા અનાર્મ કોન્સ્ટેબલએ લોકસેવા કાજે નોકરીમાંથી રાજીનામુ આપી દેતા પોલીસ બેડામાં ચકચાર મચી જવા પામી છે રાજીનામુ આપી દેનાર જસદણ તાલુકાના શિવરાજપુર ગામના સાગરભાઈ હંસરાજભાઇ ઝાપડિયા બકલ નંબર 415એ જણાવ્યું હતું કે પોતે 2019મા પોલીસમાં ભરતી થયા હતા વર્તમાન પરિસ્થિતિ જોતા ખેડૂતો સાથે થતો અન્યાય અને નાના માણસોને પડતી હેરાનગતિ જોઈને પોતે આ રાજીનામુ આપવાનો નિર્ણય લીધો છે હાલની સ્થિતિએ ખેડૂતોના પ્રશ્નો માટે અવાજ ઉઠાવનાર આમ આદમી પાર્ટીમાં જોડાઈને તે ખેડૂતો માટે અવાજ ઉઠાવશે.
ગોંડલ સીટી પોલીસ સાથે જસદણના આટકોટ પોલીસ સ્ટેશનમાં અટેચમાં ફરજ બજાવતા પોલીસકર્મી સાગરભાઈ હંસરાજભાઇ ઝાપડીયાએ પોતાની નોકરીમાંથી રાજીનામું આપ્યું છે. તેમણે સમાજસેવા કરવા રાજકીય ક્ષેત્રમાં આગળ વધવાના હેતુથી આ નિર્ણય લીધો છે તેઓ 24 ડિસેમ્બર 2019ના રોજ પોલીસમાં ભરતી થયા છે અને આટકોટ પોલીસ સ્ટેશનમાં આશરે છ વર્ષ સુધી સેવા આપી હતી. તેમણે ગત 3 ડિસેમ્બર 2025ના રોજ સ્વેચ્છાએ નોકરીમાંથી ફરજ મુક્ત થવા રાજીનામું આપ્યું છે સાગરભાઈ સાથે વાતચીત કરતા તેમણે જણાવ્યું હતું કે, ફરજ દરમિયાન તેમણે સમાજની સમસ્યાઓ અને લોકોની મુશ્કેલીઓને ખુબ નજીકથી જોઈ છે. પોલીસની નોકરીમાં રહીને અનુભવાતી મર્યાદાઓમાંથી બહાર આવીને સમાજ માટે વ્યાપક સ્તરે કાર્ય કરવા તેમણે આ રાજીનામુ આપવાનો નિર્ણય લીધો છે તાજેતરમાં વિસાવદરની પેટા ચૂંટણીનું પરિણામ આવ્યું જેમાં આમ આદમી પાર્ટીના યુવા ઉમેદવાર ગોપાલભાઈ ઈટાલીયા વિજેતા થયા છે તે પણ અગાઉ પોલીસ કોન્સ્ટેબલ હતા અને લોકસેવા કાજે તેમણે પણ રાજીનામુ આપીને આમ આદમી પાર્ટીમાં જોડાઈને લોકોના અને ખાસ કરીને ખેડૂતોના પ્રશ્નો માટે લડત આપી રહ્યા છે તેમની કાર્યશૈલી અને સામાન્ય લોકો પ્રત્યેની તેમની પીડા જોઈને પોતે પણ રાજીનામુ આપી આગામી સમયમાં આમ આદમી પાર્ટીમાં જોડાવવાની તૈયારી દર્શાવી છે. તેમણે આમ આદમી પાર્ટીની નીતિઓ, પારદર્શિતા, ભ્રષ્ટાચાર વિરોધી અભિગમ અને સામાન્ય નાગરિકોને રાજકારણમાં આગળ લાવવાની વિચારધારાથી પ્રેરણા મળી હોવાનું જણાવ્યું હતું વધુમાં કહ્યું હતું કે રાજકારણ એ માત્ર સત્તાનો માર્ગ નહીં, પરંતુ સમાજસેવાનું સશક્ત માધ્યમ છે. આગામી દિવસોમાં તેઓ સામાજિક પ્રશ્નો અંગે અવાજ ઉઠાવશે અને સંગઠનાત્મક રીતે રાજકીય પ્રવૃત્તિઓમાં સક્રિય ભાગ લેશે.પોલીસ કર્મીના આ અચાનક રાજીનામાના નિર્ણય બાદ આટકોટ સહિત સમગ્ર વિસ્તારમાં ચર્ચા જાગી છે. એક પોલીસકર્મી દ્વારા નોકરી છોડીને ખુલ્લેઆમ રાજકારણમાં પ્રવેશ કરવાનો નિર્ણય સ્થાનિક રાજકીય વર્તુળોમાં અને પોલીસ બેડામાં પણ ચર્ચાનો વિષય બન્યો છે.
એક વખત રિજેક્ટ થયું બીજી વખત આપ્યું, હાલ પ્રોસેસ ચાલુ
સાગરભાઈએ જણાવ્યું હતું કે પોતે અગાઉ 15 નવેમ્બરના રોજ રાજીનામુ આપ્યું હતું જે રિજેક્ટ થયું હતું પરંતુ પોતાને રાજીનામુ એવું હોય તેવો દ્રઢ નિર્ણય કરી લીધો હોય જેથી ફરી 3 ડિસેમ્બરના રોજ ફરી રાજીનામુ આપ્યું હતું રાજીનામાં આપ્યા પછી કોઈ ઈન્કવાયરી છે કે કેમ તે સહિતના મુદ્દા તપાસ્યા બાદ રાજીનામુ સ્વીકારવામાં આવતું હોય છે જેની પ્રોસેસ હાલ ચાલુ છે.
લોકશાહીમાં બધાને બધી છૂટ છે, કાયદાકીય લડત લડીશ
રાજીનામુ નહીં સ્વીકારાય તો શું કરશું તેવા પ્રશ્ન સામે સાગર ઝાપડિયાએ જણાવ્યું હતું કે સરકારી ધારા ધોરણ મુજબ ઈન્ક્વાયરીની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ કોઈ કેસ ન હોય તો રાજીનામુ સ્વીકારી લેવામાં આવતું હોય છે તેમ છતાં જો રાજીનામુ નહીં સ્વીકારવામાં આવે તો ભારતના બંધારણમાં સૌને પોતાની રીતે નિર્ણય લેવાનો હક છે લોકશાહીમાં બધાને બધી છૂટ છે જેથી હું કાયદાકીય લડત લડીશ.
શિવરાજપુર ખાતે રહેતા ખેડૂત પરિવારને 8 વીઘા જમીન છે
પારિવારિક વિગતો આપતા કહ્યું હતું કે પોતે જસદણના શિવરાજપુર ગામના વતની છે અને હાલ તે પરિવાર સાથે રહે છે તે બે ભાઈઓ અને એક બહેન છે સંતાનમાં એક પુત્ર છે 8 વીઘા જમીન છે જેમાં ભાઈ સાથે ખેતીકામમાં મદદરૂપ પણ થાય છે.
- Advertisement -
નોકરીમાં મેં જોયું છે, નાના લોકોને ઘણો અન્યાય થાય છે
2019માં પોલીસ ભરતીમાં સામેલ થયેલા સાગરભાઈએ પોતાના નોકરીના અનુભવ વર્ણવતા કહ્યું હતું કે નોકરી દરમિયાન ઘણા નાના લોકો સાથે મેં અન્યાય થતા જોયું છે નાના લોકોના કામ થતા નથી અને નોકરી દરમિયાન મારા હાથ બંધાઈ ગયેલા છે જેથી લોકોના કામો થઇ શકતા નથી જેથી સમાજ સેવા માટે પોતે સરકારી નોકરીનો ત્યાગ કરવાનો નિર્ણય લીધો છે.



