નવા કરવેરા વિનાનું વિકાસલક્ષી બજેટ :અધ્યક્ષ પી.જી. કિયાડાનો દાવો
સભ્યોની મતક્ષેત્ર વિકાસ ફાળવણી 22 લાખથી વધારીને 30 લાખ
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
રાજકોટ જીલ્લા પંચાયતનું સ્વ ભંડોળના 22 કરોડ સહિત 1091.64 કરોડનું બજેટ મંજુર કરવામાં આવ્યુ છે. વિકાસકામો માટે સૌથી વધુ નાણાંકીય ફાળવણી કરાઈ છે. જેમાં સભ્યોને મતક્ષેત્રનાં વિકાસકામો માટેની ફાળવણી 22 લાખથી વધારીને 30 લાખ કરવામાં આવી હતી. રાજકોટ જીલ્લા પંચાયતની કારોબારી બેઠક પ્રમુખ પી.જી.કિયાડાના અધ્યક્ષસ્થાને યોજાઈ હતી. એજન્ડામાં વિવિધ વિકાસ કામો ઉપરાંત નવા નાણાંકીય વર્ષ 2025-26નું બજેટ મંજુર કરવાની પણ દરખાસ્ત હતી. નાણાંકીય વર્ષનાં બજેટના કદમાં સરેરાશ 10 ટકાનો વધારો કરવામાં આવ્યો હતો. કારોબારી સમિતિનાં અધ્યક્ષ પી.જી.કિયાડાએ ગ્રામ્ય પ્રજાની સુખાકારી તથા વિકાસ યાત્રાને આગળ ધપાવવાનાં લક્ષ્યાંક સાથે પુરાંતલક્ષી બજેટ તૈયાર કરવામાં આવ્યું છે. જેમાં ગ્રામ્ય પ્રજા પર કોઈ નવા કરવેરા નાખવામાં આવ્યા નથી.
બજેટમાં સૌથી વધુ 10.80 કરોડની જોગવાઈ વિકાસ કામો માટે કરવામાં આવી છે. તેમાંથી તમામ કામો સભ્યોને પોતપોતાના મતક્ષેત્રોના વિકાસ કાર્યો સુચવવા માટે 30-30 લાખની ફાળવણી રહેશે. ચાલુ વર્ષે સભ્યોની ફાળવણી 22 લાખ હતી તેમાં વધારો કરવામાં આવ્યો છે. આ સિવાય વિચરતી-વિમુકત જાતિના સંતાનોને શિક્ષણ સહાય માટે 20 લાખની જોગવાઈ કરવામાં આવી છે. કુપોષણ મુકત અભિયાન હેઠળ પોષણયુકત આહાર પુરો પાડવા 32 લાખની જોગવાઈ કરાઈ છે. સગર્ભા માતા તથા થેલેસેમીયા-સિકલેસેલ એનિમીયાની સારવાર માટે 10 લાખની જોગવાઈ થઈ છે. ઈનફન્ટ બેબીવોર્મર, સેલ કાઉન્ટર ગ્લુકોમીટર સહિત આરોગ્યલક્ષી સાધન સામગ્રી તથા નિદાન કેમ્પો વગેરે માટે 18 લાખની જોગવાઈ કરવામાં આવી છે. રાજકોટ જીલ્લામાં વતન ધરાવતા અને રાષ્ટ્રની રક્ષા કાજે શહીદ જવાનના પરિવારનો 2-2 લાખ આપવાની યોજના અંતર્ગત 10 લાખની ફાળવણી થઈ છે. વર્ગ-3 અને 4 ના કર્મચારીઓનું ચાલુ ફરજે અવસાન થાય તો 1 લાખની સહાય યોજના અંતર્ગત 10 લાખની જોગવાઈ છે.
તળાવ-બંધારાની નહેર તથા તેનાં દેખરેખ માટે 35 લાખ વરસાદી પાણીનાં સંગ્રહ માટે 25 લાખ, પ્રાથમીક શાળામાં શૈક્ષણીક કાર્યક્રમો માટે સાત લાખ, શ્રેષ્ઠ ગ્રામ પંચાયત સ્પર્ધા માટે 22 લાખ, શ્રેષ્ઠ તાલૂકા પંચાયત માટે 1 લાખ તથા અનુસુચિત જાતિના સર્વાંગી વિકાસ માટે 50 લાખ ફાળવાયા છે. બેઠકમાં જીલ્લા વિકાસ અધિકારી આનંદુ સુરેશ ગોવિંદ, પ્રમુખ પ્રવિણાબેન રંગાણી, પૂર્વ પ્રમુખ ભુપત બોદર વગેરે હાજર હતા. સ્થળાંતર થયેલા કોર્ટ બિલ્ડીંગનાં ખર્ચ શરૂ: રીપેરીંગ માટે રૂા.22 લાખના ખર્ચને મંજુરી. કારોબારી બેઠકમાં 17.50 કરોડના વિકાસ કામોની 12 દરખાસ્તોને બહાલી આપવામાં આવી છે.
ચૂંટણી વર્ષ હોવાથી સભ્યોની મતક્ષેત્ર ગ્રાન્ટ 30 ટકા વધારી દેવાઈ છે. ચાલુ વર્ષ માટે આવી 22 લાખની ગ્રાંટ સભ્યદીઠ ફાળવવામાં આવી હતી. આ ગ્રાન્ટમાં અંદાજીત 30 ટકાનો વધારો કરાયો છે.