2124 બોટલ દારૂ ભરેલી બોલેરો રેઢો મૂકી નાસી છૂટેલા બુટલેગરની શોધખોળ
ખાસ-ખબર સંવાદદાતા
શહેરમાં દારૂના ધંધાર્થીઓ ફરી હેરાફેરી કરવા માટે સક્રિય થયા હોય તેમ ગઈકાલે ભક્તિનગર અને પ્રનગર પોલીસે દારૂનો મોટો જથ્થો ઝડપી પાડયા બાદ મોડી રાત્રે ક્રાઇમ બ્રાન્ચની ટીમે બાતમી આધારે બેડી ચોકડીથી ભગવતીપરા રસ્તે જતાં રોડ ઉપર વોચ ગોઠવી હતી પરંતુ બુટલેગર 2124 બોટલ દારૂ ભરેલો બોલેરો રેઢો મૂકી નાસી જતાં પોલીસે 15,49,600નો મુદામાલ કબજે કરી નાસી છૂટેલા બુટલેગરની શોધખોળ હાથ ધરી છે.
રાજકોટ ક્રાઇમ બ્રાંચ પીઆઈ બી ટી ગોહિલ અને ટીમ પેટ્રોલિંગમાં હતી દરમિયાન એએસઆઈ બળભદ્રસિહ જાડેજા, મહિપાલસિહ ઝાલા અને કનકસિહ સોલંકીને મળેલી બાતમી આધારે બેડી ચોકડીથી ભગવતીપરા તરફના રસ્તા ઉપર વોચ ગોઠવી હતી પરંતુ કોઈ કારણોસર બુટલેગરને પોલીસની વોચ હોવાની જાણ થઈ જતાં બુટલેગર રોડ સાઇડમાં બોલેરો રેઢો મૂકી નાસી છૂટયો હતો.
પોલીસે બોલેરો કબજે લઈ જડતી લેતા તેમાંથી 8,49,600 રૂપિયાનો જુદી જુદી બ્રાન્ડનો 2124 બોટલ દારૂ મળી આવતા દારૂ, બોલેરો સહિત 15,49,600નો મુદામાલ કબજે લઈ બોલેરો નંબર આધારે નાસી છૂટેલા આરોપીની શોધખોળ હાથ ધરી છે.