અમદાવાદ, ગોંડલમાં પાંચ ગુના આચર્યાની આપી કબૂલાત
ખાસ-ખબર સંવાદદાતા
શહેરમાંથી વધુ એક રિક્ષા ગેંગને ઝડપી લેવામાં પોલીસને સફળતા પ્રાપ્ત થઈ છે શહેરમાં સક્રિય થયેલ રિક્ષા ગેંગને દબોચી લેવાની સૂચના અન્વયે ક્રાઇમ બ્રાંચના પીએસઆઇ એ.એન.પરમાર સહિતનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો દરમિયાન મળેલી ચોક્કસ બાતમી આધારે ગીર સોમનાથ પાસિંગવાળી રિક્ષા પસાર થતાં તેના ચાલક સહિત ત્રણ શખ્સ શંકાસ્પદ જણાતા ત્રણેયને અટકાયતમાં લઈ પૂછતાછ કરતાં ત્રણેય ભાંગી પડ્યા હતા ત્રણેયના નામઠામ પૂછતાં પાટણના રાધનપુર ગામનો નટુ ઉર્ફે નટિયો દિનેશ કુંવરિયા, રાજકોટમાં રહેતો મૂળ બાવળાનો મહિપત રાજુ ચુનારા અને લીંબડીના બોરાણા ગામનો કલ્પેશ પિતાંબર મંદુરિયા હોવાનું જણાવ્યું હતુ પોલીસની પ્રથમિક પૂછતાછમાં ત્રણેય સોસાયટી તેમજ મોટા મંદિરો પાસે રિક્ષા સાથે ઊભા રહી એકલદોકલ વૃદ્ધ મહિલાને મુસાફર તરીકે બેસાડતા હતા બાદમાં મુસાફરના સ્વાંગમાં બેઠેલો સાગરીત ઊલટી, ઉબકાનું નાટક કરી મહિલાની નજર ચૂકવી હાથમાં પહેરેલી સોનાની બંગડીઓ કટરથી કાપી ચોરી કરતા હોવાની કબૂલાત આપી છે.
ત્રિપુટીએ છેલ્લા ત્રણ મહિનામાં પાંચ ગુના આચર્યાની કબૂલાત આપી છે જેમાં ચાર અમદાવાદ શહેરમાં અને એક ગોંડલ શહેરમાં ગુનો આચર્યો છે. પોલીસે ત્રિપુટી પાસેથી સોનાની બે બંગડી, રોકડા રૂ.18,500, રિક્ષા, કટર મળી કુલ રૂ.2.9 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે.