શાંતિને ડહોળવાનો પ્રયાસ કરનાર સામે કડક કાર્યવાહી જરૂરી : એડવોકેટ ડોડીયા
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
રાજ્યમાં બોમ્બથી ઉડાવી દેવાની ધમકીભર્યા મેઈલનો સિલસિલો યથાવત રહેવા પામ્યો છે અગાઉ સ્કૂલોને મેઈલ કર્યા બાદ હવે કોર્ટને ઉડાવી દેવાના મેઈલ મળી રહ્યા છે આજે સવારે અમદાવાદ, રાજકોટ, વડોદરા, ગાંધીનગર, મહેસાણા અને વલસાડની કોર્ટને ધમકી ભર્યા મેઈલ મળતા નાશભાગ મચી જવા પામી છે રાજકોટ કોર્ટને ધમકી મળ્યા બાદ તુરંત જ યુનિવર્સીટી પોલીસ મથકનો સ્ટાફ તેમજ ક્રાઇમ બ્રાન્ચ, એસઓજી, બોમ્બ સ્ક્વોડ, ડોગ સ્ક્વોડ સહિતનો કાફલો દોડી ગયો હતો અને કોર્ટ સંકુલ ખાલી કરાવી સર્ચ હાથ ધરવામાં આવ્યું હતું જો કે બપોર સુધી કઈ શંકાસ્પદ મળી આવ્યું ન હતું.
રાજકોટ જામનગર રોડ ઉપર નવી બનેલી કોર્ટને ઈ મેઈલ મારફત બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળ્યા અંગે સિક્યુરિટી ઇન્ચાર્જ દ્વારા યુનિવર્સીટી પોલીસ મથકમાં જાણ કરતા સ્થાનિક પોલીસ ઉપરાંત ક્રાઇમ બ્રાન્ચ, એસઓજી, એલસીબી, બોમ્બ સ્ક્વોડ, ડોગ સ્ક્વોડ સહિતનો કાફલો તાબડતોબ દોડી ગયો હતો અને તુરંત જ તમામ કોર્ટ ખાલી કરાવવા કવાયત શરુ કરી હતી પોલીસે તુરંત તમામ વકીલો, અસીલો, અરજદારો સહિતના તમામ સ્ટાફને સલામત રીતે બહાર કાઢી કોર્ટ સંકુલનું સર્ચ કર્યું હતું પરંતુ જે પ્રમાણે ધમકી મળી હતી તે મુજબ કઈ શંકાસ્પદ વસ્તુ નહિ મળી આવતા તંત્રએ પણ રાહતનો શ્વાસ લીધો હતો અગાઉ પણ આ પ્રકારની ઈ મેઈલથી ધમકી મળી હતી પરંતુ કઈ મળી આવ્યું ન હતું ત્યારે ફરી એક વખત ધમકી મળી છે પરંતુ ઇમેઇલ કરનાર કોણ અને તેનો ધમકી આપવાનો ઈરાદો શું તે જાણવામાં પોલીસ અસમર્થ નીવડી છે હવે ફરી ધમકી મળતા ઈ મેઈલ કરનાર સુધી પહોંચવા સાયબર ક્રાઇમ દ્વારા તપાસ શરુ કરવામાં આવી છે. રાજકોટના જાણીતા એડવોકેટ કમલેશ ડોડિયાએ મીડિયા સાથે વાત કરતા જણાવ્યું હતું કે આજે લગભગ ચોથી વખત કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે. આ સરકારને બદનામ કરવા માટે અને ગુજરાતની શાંતિને ડહોળવા માટે પ્રયાસ થઇ રહ્યો છે. અમે કોઈ ધમકીથી ડરવાના નથી સરકાર પર અમને ભરોસો છે. સરકાર ને વિનંતી છે કે આવા લોકોને ખુલ્લા પાડવા અને તેમની સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે તેવી અમારી માંગ છે.



