દારૂ ઘૂસાડવા જતાં તત્વો પર પોલીસની બાજ નજર
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.25
વર્ષ 2024ને પૂર્ણ થવામાં અને નવું વર્ષ 2025 શરૂ થવાના ગણતરીના દિવસો બાકી છે. જેને લઇને ગુજરાત સહિત દેશભરમાં ઠેર-ઠેર નવા વર્ષના આગમનને લઈને ખાસ સેલિબ્રેશનની તૈયારીઓ કરવામાં આવી રહી છે,જેમાં ખાસ કરીને આ વખતે કોઇપણ ટપોરી કે ગુનેગાર શહેરીજનોને નુકસાન ન પહોંચાડે તે માટે પોલીસ દ્વારા ખાસ વ્યવસ્થા કરવામાં આવી રહી છે. રાજકોટ પોલીસ દ્વારા આવનારા સમયમાં સાંજે અને મોડી રાત સુધી પોલીસ પેટ્રોલિંગ, વાહન ચેકિંગ, બ્રેથ એનેલાઈઝરથી ચેકિંગ અને નાકાબંધી કરીને નશાના કારોબારી અને નશાબાજને પકડવા માટે પોલીસ દ્વારા પ્લાન ઘડી દેવામાં આવ્યો છે. આજથી 31 ડિસેમ્બરની રાત સુધી આ પ્રકારની પ્રક્રિયા હાથ ધરાશે.ડ્રગ્સ માફિયાઓને રોકવા માટે પોલીસ તેમજ સુરક્ષા એજન્સીઓ એલર્ટ થઈ ગઈ છે. હાલ ડ્રગ્સની દાણચોરીના કિસ્સાઓ સતત વધી રહ્યા છે, જેના કારણે હવે સુરક્ષા એજન્સીઓ એરપોર્ટ પર વોચ રાખશે. બેંગકોક, મલેશિયા, સિંગાપોર સહિત વિદેશથી આવતી ફ્લાઈટના શંકાસ્પદ પેસેન્જરો પર સુરક્ષા એજન્સીઓ વોચ રાખશે અને તેમના સામાનની ઝીંણવટ ભરી તપાસ કરાશે. આ સિવાય ફોરેન પોસ્ટ ઓફિસમાં પણ પાર્સલની આડમાં મોકલાતા ડ્રગ્સની તપાસ એજન્સીઓ કરશે. એરપોર્ટ પર સ્કેનર મશીન હોવા છતાં ડ્રગ્સ, દારુ સહિતની ચીજવસ્તુઓ ઝડપાતી નથી, ત્યારે હવે એજન્સીઓ ઝીંણવટભરી તપાસ કરશે રાજકોટ શહેરને દારૂ અને ડ્રગ્સથી દૂર રાખવા તેમજ 31 ડિસેમ્બર પહેલાં ગુનેગારો અને સપ્લાયને રોકવા માટે પ્રયાસ શરૂ કર્યા છે. જેમાં શહેરમાં એન્ટ્રી-એક્ઝિટ પર નાકાબંધી અને કડક સુરક્ષા વ્યવસ્થા વાહન ચેકિંગ સહિતની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.