ભ્રષ્ટાચારી મેયર રાજીનામું આપે તેવા બેનરો સાથે રેલી યોજી
ગેરકાયદે બાંધકામ અને સરકારી જમીન કબજા મુદ્દે હજુ સુધી કોઇ સ્પષ્ટતા કરી નથી
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.27
રાજકોટ શહેરમાં છેલ્લા કેટલાક દિવસોથી રાજકીય માહોલ ગરમાયો છે. આ દરમિયાન આજે રાજકોટ શહેર કોંગ્રેસ અને યુથ કોંગ્રેસ દ્વારા મેયર બંગલા ખાતે ઉગ્ર વિરોધ પ્રદર્શન યોજાયું હતું. હાથમાં બેનર અને સૂત્રોચ્ચાર સાથે મોટી સંખ્યામાં કાર્યકરો મેયર બંગલા સામે એકત્રિત થયા હતા અને શાસક પક્ષ સામે રોષ વ્યક્ત કર્યો હતો. પ્રદર્શન દરમિયાન કોંગ્રેસના કાર્યકરોએ ભ્રષ્ટાચારી મેયર રાજીનામું આપે અને સરકારી જમીન પર કબજો કરવાનું બંધ કરો જેવા સૂત્રો લખેલા બેનરો સાથે ઘેરાવ કર્યો હતો. કોંગ્રેસના નેતાઓએ આરોપ મૂક્યો કે મેયરના પરિવાર સાથે સંકળાયેલા ગેરકાયદે બાંધકામ અને સરકારી જમીન પર કબજાના મુદ્દે હજુ સુધી કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નથી, જે ગંભીર પ્રશ્નો ઉભા કરે છે. કોંગ્રેસ આગેવાનોના જણાવ્યા મુજબ, શહેરના સામાન્ય નાગરિકો માટે કાયદો કડક છે, જ્યારે સત્તાધીશો માટે જુદા નિયમો લાગુ પડે છે. તેઓએ આક્ષેપ કર્યો કે જો આરોપો સાચા હોય તો મેયરે નૈતિક જવાબદારી સ્વીકારી તાત્કાલિક રાજીનામું આપવું જોઈએ. કોંગ્રેસ દ્વારા ચેતવણી આપવામાં આવી છે કે જો આક્ષેપોની નિષ્પક્ષ તપાસ કરવામાં નહીં આવે તો આગામી દિવસોમાં વધુ ઉગ્ર આંદોલન કરવામાં આવશે. હવે જોવાનું રહ્યું કે શાસક પક્ષ તરફથી આ મામલે શું પ્રતિસાદ આવે છે અને પ્રશાસન કઈ કાર્યવાહી કરે છે. પ્રદર્શન દરમિયાન પોલીસે વિરોધ કરનારની અટકાયત કરી હતી.



