પ્રોફાઈલ પિક્ચરમાં વડાપ્રધાન સાથે તસ્વીર હોવાથી હજારો લોકો ફોલો કરી રહ્યાં છે
સોશિયલ મીડિયામાં હાલમાં ફ્રોડના કિસ્સા વધી રહ્યાં છે. કેટલાક ધારાસભ્યોના એકાઉન્ટના નામે ફેક એકાઉન્ટ બની ચૂક્યા છે. ત્યારે રાજકોટના ભાજપના ધારાસભ્ય ડો. દર્શિતા શાહના નામનું ફેક ઈન્સ્ટાગ્રામ આઈડી બનાવવામાં આવ્યું હોવાની ફરિયાદ નોંધાઈ છે. ડો. દર્શિતા શાહે પોતાના સાચા એકાઉન્ટ પરથી આ માહિતી આપી હતી. આ મામલે સાઈબર ક્રાઈમ પોલીસમાં ફરિયાદ પણ તેમણે નોંધાવી છે.
- Advertisement -
ડો. દર્શિતા શાહે નાણાંકિય વ્યવહાર નહીં કરવા અપીલ કરી
રાજકોટના ધારાસભ્ય ડો. દર્શિતા શાહના ફેક એકાઉન્ટમા પ્રોફાઈલ પિક્ચર પર તેમની સાથે વડાપ્રધાન મોદીની તસવીરનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ તસવીરને કારણે ફેક એકાઉન્ટ પર હજારો ફોલોવર થઈ ગયાં છે. ડો. દર્શિતા શાહે આ બાબતની જાણ થતાં જ લોકોને અપીલ કરી હતી કે, મારા નામનું ફેક એકાઉન્ટ બન્યું છે જેથી કોઈએ નાણાંનો વ્યવહાર કરવો નહીં.
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના રજિસ્ટ્રાર સાથે આવો બનાવ બન્યો હતો
રાજકોટમાં આ અગાઉ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના રજિસ્ટ્રારના નામે પણ સોશિયલ મીડિયામાં નાણાંની મદદ મંગાઈ હતી. બાદમાં આ મેસેજ ખોટો હોવાનું સાબિત થયું હતું. યુનિવર્સિટીને આ બાબતની જાણ થતાં જ તાત્કાલિક યુનિવર્સિટીની વેબસાઈટ પર આ મુદ્દે માહિતી મુકાઈ ગઈ હતી. તે ઉપરાંત લોકો સહિત સ્ટાફને પણ સાવચેત કરી દેવાયો હતો.