કોટડાસાંગાણી – ગોંડલ રોડ ઉપર ગ્રામ્ય SOGનો બાતમી આધારે દરોડો
પોલીસે ડ્રગ્સ, કાર, મોબાઈલ સહિત 14.27 લાખનો મુદામાલ કબજે કર્યો
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
રાજકોટ જિલ્લામાં માદક પદાર્થોની હેરાફેરી ઉપર ખાસ વોચ રાખવાની સૂચના અન્વયે ગ્રામ્ય એસઓજીએ બાતમી આધારે કોટડાસાંગાણી – ગોંડલ રોડ ઉપર વોચ ગોઠવી મૂળ ગોંડલના હાલ રાજકોટમાં રહેતા પેડલરને 9,21,600ની કિમતના 92.160 ગ્રામ એમડી ડ્રગ્સ સાથે દબોચી લઈ પોલીસે કાર સહિત 14,27,600 રૂપિયાનો મુદામાલ કબજે કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
રાજકોટ જિલ્લાના નવનિયુક્ત પોલીસવડા વિજયસિંહ ગુર્જર દ્વારા જિલ્લામાં માદક પદાર્થોના કેસો કરવા આપેલી સૂચના અન્વયે ગ્રામ્ય એસઓજી પીઆઇ એફ. એ. પારગી, પીએસઆઇ કે,. એમ. ચાવડા સહિતની ટીમ પેટ્રોલિંગમાં હતી દરમિયાન સ્ટાફના વિજયભાઇ ગુજરાતી, પ્રહલાદસિહ રાઠોડ, હિમતભાઈ પાલ સહિતના સ્ટાફને બાતમી મળી હતી કે કોટડાસાંગાણીથી ખેરડા ગામ થઈ એક શખ્સ કાર લઈ ગોંડલ તરફ જવાનો છે અને તેની પાસે કારમાં એમડી ડ્રગ્સ છે.
આ બાતમી આધારે સ્ટાફે ઉપરોક્ત માર્ગ ઉપર વોચ ગોઠવી હતી.
ત્યારે પસાર થયેલી બાતમીવાળી કાર અટકાવી જડતી લેતા તેની પાસેથી 9,21,600 રૂપિયાનો એમડી ડ્રગ્સનો જથ્થો મળી આવતા પોલીસે તેનું નામઠામ પૂછતાં પોતે મૂળ ગોંડલનો હાલ રાજકોટ દૂધસાગર રોડ ઉપર હાઉસિંગ ક્વાટરમાં રહેતો સાહિલ ઉર્ફે રજાક ફિરોજભાઈ ગોપલાણી ઉ.29 હોવાનું જણાવતા પોલીસે ગુનો નોંધી ધરપકડ કરી એમડી ડ્રગ્સ, 5 લાખની કાર, 5000નો મોબાઈલ, 1000 રોકડ સહિત 14,27,600 રૂપિયાનો મુદામાલ કબજે કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.