ગુજરાત હાઇકોર્ટના જસ્ટિસની હાજરીમાં ઈ-ડિરેક્ટરીનું વિમોચન, સંગીત સંધ્યામાં વકીલોએ જૂનાં ગીતો લલકાર્યા
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
ગુજરાત હાઇકોર્ટના જસ્ટિસ બિરેન વૈષ્ણવ અને રાજકોટ પ્રિન્સિપાલ ડીસ્ટ્રીકટ જજ વી. બી. ગોહિલ અને ફેમિલી કોર્ટના પ્રિન્સીપાલ જજ બી. એસ. પરમારની ઉપસ્થિતિમાં આજે સાંજે અહીં રાજકોટનાં ખાનગી પાર્ટી પ્લોટમાં યોજાયેલા કાર્યક્રમમાં રાજકોટ બાર એસોસિએશનની વેબસાઈટનું લોન્ચિંગ કરવામાં આવ્યું હતું તો ડિરેક્ટરીનું પણ વિમોચન કરાવ્યું હતું. આ તકે યોજાયેલી સંગીત સંધ્યામાં વકીલોએ જૂના ફિલ્મી ગીતો લલકાર્યા હતા. રાજકોટ બાર એસોસિએશનના વાઈસ પ્રેસિડેન્ટ સુરેશ ફળદુએ જણાવ્યું હતું કે, રાજકોટ બાર એસોસિએશનના ઇતિહાસની ત્રિવિધ ઘટના છે. રાજકોટ બાર એસોસિયેશનની ઈ ડિરેક્ટરી અને વેબ સાઈટ લોન્ચિંગનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. એડવોકેટ ડિરેક્ટરી વર્ષ 2016માં રાજકોટ બાર એસોસિયેશનની બનાવવામાં આવી હતી.
જે પછી આ પ્રથમ વખત ડિરેક્ટરી બનવા જઈ રહી છે. આ ડિરેક્ટરી એવા પ્રકારની છે કે, જેમાં ફોટો, બ્લડ ગ્રુપ, મોબાઈલ નંબર, રહેણાંકનું એડ્રેસ, સનદ નંબર સહિતની માહિતી આ ડિરેક્ટરીમાંથી મળી રહેશે. આ ઉપરાંત કોઈ ફિઝિકલ ડિરેક્ટરી રાખવા ઇચ્છતા નથી તો તેના માટે મોબાઇલમાં ઈ ડિરેક્ટરી પણ ઉપલબ્ધ કરાવવામાં આવશે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, રાજકોટ બાર એસોસિએશનની અત્યાર સુધી વેબસાઈટ ન હતી. જે વેબસાઈટનું લોન્ચિંગ આજે કરવામાં આવ્યું હતું. વેબસાઈટમાં રાજકોટ બાર એસોસિયેશનનો અત્યાર સુધીનો ઇતિહાસ વર્ણવવામાં આવેલો છે. આ ઉપરાંત રાજકોટ બાર એસોસિયેશન દ્વારા કરવામાં આવેલા અલગ અલગ પ્રકારના કાર્યોની રૂપરેખા હશે.