પ્રમુખ પદના ઉમેદવાર સુરેશભાઈ ફળદુની પેનલના સમર્થનમાં બે દિવસમાં 650થી વધુ વકીલોનું સંમેલન; યુવા વકીલોને શ્રદ્ધાંજલિ પાઠવી ચૂંટણી પ્રચાર ગુંજ્યો
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજકોટ બાર એસોસિયેશનની ચૂંટણીને ગણતરીના દિવસો બાકી છે, ત્યારે લીગલ સેલ પ્રેરિત ’સમરસ પેનલ’ને વિવિધ સમાજ અને ક્ષેત્રોના વકીલોનું જંગી સમર્થન મળી રહ્યું છે. પેનલના પ્રમુખ પદના ઉમેદવાર સુરેશભાઈ ફળદુ, ઉપપ્રમુખ સિદ્ધરાજસિંહ જાડેજા, સેક્રેટરી મેહુલભાઈ મહેતા સહિતના તમામ ઉમેદવારોને વિરાણી હાઈસ્કૂલ ખાતે યોજાયેલા સંમેલનોમાં ખુલ્લો ટેકો જાહેર કરવામાં આવ્યો છે.
ગત શનિવારના રોજ સમરસ પેનલના મધ્યસ્થ કાર્યાલય ખાતે બ્રહ્મ સમાજના વકીલોનું સંમેલન યોજાયું હતું, જેમાં 250થી વધુ બ્રહ્મ વકીલો હાજર રહ્યા હતા. દર્શીતભાઈ જાની, ગીરીશભાઈ ભટ્ટ, રાજુભાઈ જોષી સહિતના બ્રહ્મ અગ્રણીઓની હાજરીમાં સમસ્ત બ્રહ્મ સમાજના વકીલોએ ’મહાદેવ હર’ના પ્રચંડ ધ્વની સાથે સમરસ પેનલને પેનલ-ટુ-પેનલ મતદાન કરીને વિજયી બનાવવાના આશીર્વાદ પાઠવ્યા હતા. આ સંમેલન દરમિયાન તાજેતરમાં અવસાન પામેલા યુવા વકીલો રૂતુરાજભાઈ વ્યાસ અને નિશાબેન પોપટને ઉપસ્થિત તમામે બે મિનિટનું મૌન પાળીને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.
આ ઉપરાંત, પાટીદાર વકીલોનું એક જંગી સંમેલન યોજાયું હતું, જેમાં 400થી વધુ પાટીદાર વકીલો ઉપસ્થિત રહ્યા હતા. પાટીદાર વકીલ આગેવાનોએ તમામ મતદાતાઓને મતદાનના દિવસે મહત્તમ મતદાન કરી, પ્રમુખ પદના ઉમેદવાર સુરેશભાઈ ફળદુ સહિત સમરસ પેનલના તમામ ઉમેદવારોને જંગી બહુમતીથી વિજય બનાવવા અપીલ કરી હતી. પાટીદાર સમાજના વકીલ મતદાતાઓએ મા ખોડલ અને મા ઉમિયાના નાદ સાથે તમામ ઉમેદવારોને ભારે બહુમતથી ચૂંટી કાઢવાનો કોલ આપ્યો હતો. રામજીભાઈ માવાણી, રમાબેન માવાણી, રમેશભાઈ ધોડાસરા સહિત વિવિધ ક્ષેત્રોના અગ્રણીઓએ એકતા બતાવી યોગ્ય વ્યક્તિને બાર એસોસિયેશનનું સુકાન મળે તે માટે મતદાન કરવું નૈતિક ફરજ છે તેવો મત વ્યક્ત કર્યો હતો.



