મુખ્યમંત્રીશ્રીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં યોજાયેલા રાજ્યકક્ષાના ઓનલાઇન કાર્યક્રમ અંતર્ગત રાજકોટ માં ૨૯ શિક્ષણ સહાયકોને કલેક્ટર સહિતના અધિકારીઓના હસ્તે નિમણૂંકપત્ર અપાયા.
કલેકટરશ્રીના હસ્તે પાંચ ઉમેદવારોને નિમણૂકપત્ર એનાયત
- Advertisement -
રાજકોટ: રાજયમાં કોરોનાની મહામારી દરમિયાન પણ રાજ્ય સરકારે ગુજરાતના ભવિષ્ય એવા બાળકોના શિક્ષણની ચિંતા કરી છે.
વિદ્યાર્થીઓને ઓનલાઇન શિક્ષણ મળી રહે તેવી વ્યવસ્થાઓ પણ રાજયસરકારે ગોઠવી છે. કોરોનાની મહામારી વચ્ચે પણ રાજ્યના શિક્ષણ વિભાગે મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીના નેતૃત્વમાં શિક્ષણમંત્રીશ્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાના માર્ગદર્શન હેઠળ શૈક્ષણિક કાર્યના વિકાસ અને શૈક્ષણિક પ્રોત્સાહનના અનેક પગલાં લીધા છે. આજે મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિ વચ્ચે યોજાયેલ કાર્યક્રમમાં દરેક જિલ્લામાં રાજયકક્ષાએ કુલ ૨૯૩૮ શિક્ષણ સહાયકોની પારદર્શક અને ઝડપી ભરતી પદ્ધતિથી રાજ્યની ગ્રાન્ટેડ ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં નિમણૂક થતા ઉમેદવારોને રાજ્ય કક્ષાએ મુખ્યમંત્રીશ્રીના હસ્તે અને જિલ્લાઓમાં કલેક્ટર સહિતના અધિકારીઓના હસ્તે નિમણૂક પત્ર આપવાનો કાર્યક્રમ યોજાયો હતો.
રાજકોટ જિલ્લા શિક્ષણાધિકારી શ્રી બી.એસ.કૈલાએ જણાવ્યું હતું કે રાજકોટ જિલ્લામાં ૨૯ ઉમેદવારોની ગ્રાન્ટેડ ઉચ્ચ માધ્યમિક શાળાઓમાં નિમણૂક કરવામાં આવી છે. જેના નિમણૂક પત્ર આપવાના આજના ઓનલાઇન કાર્યક્રમમાં મુખ્યમંત્રીશ્રીએ નવનિયુક્ત ઉમેદવારોને સામાજિક જવાબદારી, ઉચ્ચ નૈતિક મૂલ્યો, શિક્ષકોની ઉમદા ભૂમિકા અને ભવિષ્યની પેઢીના ઘડતર અને સંસ્કારોના સિંચન સહિતના મુદ્દે માર્ગદર્શન આપી રાજ્ય સરકારના ઉદ્દેશો જણાવ્યા હતા.
રાજકોટમાં કલેકટર શ્રી રેમ્યા મોહનના હસ્તે પાંચ ઉમેદવારોને નિમણૂક પત્ર આપવામાં આવ્યા હતા.આ ઉપરાંત અન્ય અધિકારીઓના હસ્તે પણ નિમણૂક પત્ર આપી નિમણૂક પામેલા ઉમેદવારોને શુભકામના પાઠવવામાં આવી હતી. આ કાર્યક્રમની સફળતા માટે જિલ્લા શિક્ષણાધિકારી કચેરી રાજકોટના સ્ટાફે જહેમત ઉઠાવી હતી.



