જિલ્લામાં અવિરત વરસાદથી ખેતી પાક, રસ્તાઓ, વૃક્ષોને નુકસાન
ઘેડના ગ્રામ્ય વિસ્તારોમાં ત્રીજી વખત પાણી ઘૂસ્યા: જનજીવન પર માઠી અસર
- Advertisement -
ગિરનાર પર વાવઝોડું ત્રાટકતાં પતરા ઉડયા, વીજપોલ ધરાશાયી
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.29
જૂનાગઢ જિલ્લા સહીત સમગ્ર સોરઠ પંથકમાં જન્માષ્ટમી પર્વે અતિભારે વરસાદ વરસતા જનજીવન પર માઠી અસર પડી છે.જેમાં સસત ત્રણ દિવસ અવિરત મેઘમહેર થતા વરસાદે વિનાશ વેર્યો હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા જેમાં જૂનાગઢ શહેર સહીત સોરઠ પંથકના રસ્તાઓનું વ્યાપક પ્રમાણમાં ધોવાણ જોવા મળી રહ્યું છે તેની સાથે વૃક્ષો પણ ખુબ મોટા પ્રમાણમાં ધરાશાય થવાની સાથે ઘેડ પંથકના માંગરોળ, માણાવદર અને કેશોદ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં ફરી પાણી ફરી વળતા જનજીવન પર માઠી અસર પડી છે.અને ઘેડ પંથકના અનેક ગામો ત્રીજી વખત જળબંબાકાર થતા ખેતી પાકને વ્યાપક નુકશાન સાથે ખેતી જમીનનું ધોવાણ થયું છે.
ગત સાંજના સમયે ગિરનાર પર્વત પર 100 કિમિ પ્રતિ કલાકે ભારે પવન ફુંકાતા વાવઝોડુ ત્રાટક્યું હતું અને આંધી સાથે વરસાદ વરસતા પર્વત પરના સ્થાનિક દુકાનદારોના પતરા તેમજ તાલપત્રી સહીતની ચીજવસ્તુ ઉડી હતી અને વીજપોલ પણ ધરાશાય થવાની ઘટના સામે આવી છે જેના લીધે ગિરનાર ધર્મસ્થાનોમાં વીજ પુરવઠો ખોરવાતા અંધારપટ છવાયો છે.અને જન્માષ્ટમી પર્વે ગિરનાર યાત્રા કરવા આવેલ યાત્રિકોએ પણ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો અને મંદિર અને દુકાન અને અન્ય દીવાલોના ઓથનો સહારો લેવો પડ્યો હતો આમ ગિરનાર પર ભારે પવન સાથે વાવાઝોડું ત્રાટકતા ધાર્મિક જગ્યાના સંતો અને પુજરી સહીત સેવકો મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો હતો.
જુનાગઢ જિલ્લાના માંગરોળ ઘેડ પંથકના ગામોમાં ત્રીજી વખત જળબંબાકાર થયા છે જેમાં માંગરોળનાં ઘેડના સાંઢા, બગસરા ઘેડ, સામરડા, હંટરપુર ઓસા, ફુલરામા, સરમા સહીતના ગામો સંપર્ક વિહોણા બન્યા છે. જયારે ઉપરવાસની નદીઓમાં ઘોડાપુર આવતા ઓઝત, સાબલી, ઉબેણ નદીઓ બે કાંઠે વહેતી થતા તે તમામ પાણી ઘેડ પંથકના ગ્રામ્ય વિસ્તરામાં ઘુસી જતા ખેતી પાક અને જમીનનું ધોવાણ થયું છે.આમ આ ચોમાસાની સીઝનમાં ત્રીજી વાર ઘેડના ગામડાઓ બેટમાં ફેરવાઈ જતા જનજીવન પર માઠી અસર જોવા મળી છે.અને લોકોના ઘરોમાં પાણી ઘુસી જવાથી ગ્રામ્ય વિસ્તારના લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો છે.જેમાં ખાસ ખેતી પાકને ભારે નુકશાન થયું છે.
- Advertisement -
સાતમ-આઠમના તહેવાર સમયે જ વરસાદ ત્રાટકતા નાના અને મઘ્યમ વર્ગના વેપાર ધંધામાં મોટો ફટકો પડ્યો છે જેમાં જન્માષ્ટમી તહેવાર સમયે જૂનાગઢ જિલ્લામાં દૂર-દૂરથી પ્રવાસીઓ ખૂબ મોટી સંખ્યામાં પધારે છે ત્યારે નાના પાયે રોજગારી રળતા લોકોને વરસાદના લીધે ભારે નુકશાની વેઠવાનું વારો આવ્યો છે. જ્યારે ફજેતફાળકા સહિતના વેપાર વરસાદના લીધે બંધ રહેતા તેના જીવન પર માઠી અસર જોવા મળી છે. જ્યારે જિલ્લામાં સતત 3 દિવસ અવિરત વરસાદના લીધે જિલ્લાના અનેક સ્ટેટ હાઇ-વે સહિત ગ્રામ્ય વિસ્તારના રસ્તાઓનું ભારે ધોવાણ જોવા મળી રહ્યુ છે.
જિલ્લામાં બીજા દિવસે ભારે વરસાદને પગલે 13 સ્ટેટ હાઇ-વે સહિત 73 રસ્તા બંધ રહ્યા
જૂનાગઢ જિલ્લામાં ભારે વરસાદ અને ઉપરવાસના વરસાદના લીધે આવેલા પૂરના કારણે સ્ટેટ હાઇ-વે સહિતના 55 રસ્તા બંધ હતા જયારે બીજા દિવસે પણ પાણી ન ઓસરતા 13 સ્ટેટ હાઇ-વે અને 60 પંચાયત હસ્તકના મળી કુલ 73 રસ્તાઓ બંધ રહ્યા હતા. જેના લીધે માંગરોળ, બાંટવા, કેશોદ અને પોરબંદર ડેપોના 26 એસટી રૂટ બંધ રહ્યા હતા.