અમદાવાદમાં ગઈકાલ રાતથી ફરી વરસાદ વરસી રહ્યો છે. વરસાદના કારણે રસ્તાઓ પર પાણી જ પાણી નજરે ચડી રહ્યા છે. તો બીજી બાજુ વરસાદ વરસતા લોકોને ગરમી અને બફારાથી રાહત મળી છે.
અમદાવાદ શહેરમાં મેઘરાજાની ફરી એન્ટ્રી થઈ છે. ગઈકાલ રાતથી અમદાવાદમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. વીજળીના કડાકા અને ભડાકા સાથે મોડી રાત્રે શરૂ થયેલો વરસાદ વહેલી સવારે પણ ચાલુ રહ્યો. ત્રણ દિવસના વિરામ બાદ શહેરમાં ફરી વરસાદી માહોલ જામતા લોકોને ગરમી અને બફારાથી રાહત મળી છે.
- Advertisement -
શહેરના તમામ વિસ્તારોમાં વરસાદ
શહેરના શાહપુર, જુના વાડજ, નવા વાડજ, શાહીબાગ, જગતપુર, રાણીપ, ન્યુ રાણીપ, ચાંદખેડા, મોટેરા, ઝુંડાલ, SG હાઈવે, બોપલ, ગોતા, ચાંદલોડિયા, ઘાટલોડિયા, ઈસનુપુર, દાણીલીમડા, મોટેરા, આંબાવાડી, મેમનગર, સેટેલાઈટ, પ્રહલાદનગર, જીવરાજ પાર્ક, જુહાપુરા, નરોડા, નારોલ સહિત તમામ વિસ્તારોમાં મેઘ મહેર મળી છે. વરસાદના કારણે શહેરમાં ઠેકઠેકાણે વરસાદી પાણી જમા થઈ ગયા છે. વરસાદના કારણે આજે સવારે રેઈનકોટ પહેરીને અને છત્રી લઈને બાળકો સ્કૂલે જતા જોવા મળ્યા હતા.
વાતાવરણમાં પ્રસરી ઠંડક
તો વરસાદના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે. જેના કારણએ આજે વહેલી સવારે અમદાવાદીઓ ચાની કીટલીઓ પર ચાની ચુસ્કીની માણતા જોવા મળ્યા હતા. આપને જણાવી દઈએ કે હવામાન વિભાગ દ્વારા અમદાવાદમાં બે દિવસ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે અમદાવાદમાં શુક્રવાર અને શનિવારે ભારે વરસાદ પડવાની શક્યતાઓ વ્યક્ત કરી છે.
શુક્રવાર અને શનિવાર અમદાવાદ માટે ‘ભારે’
સ્થાનિક હવામાન વિભાગ દ્વારા કરાયેલી આગાહી મુજબ શહેરમાં શુક્રવારે અને શનિવારે ભારે વરસાદ પડવાની શક્યતા છે. રાજ્યમાં પણ આ બંને દિવસ ભારે વરસાદ ખાબકી શકે છે. બીજા અર્થમાં કહીએ તો રાજ્યમાં ફરી ચોમાસું જામવાનું છે, ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં આવતીકાલે ભારેથી અતિભારે વરસાદ થઈ શકે છે. 6, 7, અને 8 જુલાઈએ પણ સમગ્ર રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.