24 કલાકમાં વિવિધ ડેમમાં અડધાથી ત્રણ ફૂટ સુધી નવા નીરની આવક
ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટ સહિત સૌરાષ્ટ્રના વધુ 15 ડેમોમાં છેલ્લા 24 કલાક દરમિયાન અડધાથી માંડી ત્રણ ફૂટ જેટલા નવા નીરની આવક થવા પામી છે. રાજકોટ સિંચાઈ વર્તુળ હેઠળ આવતા રાજકોટ જિલ્લાનાં ચાર ડેમોમાં નવા નીર આવ્યા છે. જેમાં આજી-3માં એક ફૂટ, ન્યારી-2માં 0.16 ફૂટ, મોતીસરમાં 3.28 ફૂટ અને લાલપરીમાં એક ફૂટ નવા પાણીની આવક થવા પામી હતી. તથા મોરબી જિલ્લાનાં ત્રણ ડેમો પૈકી મચ્છુ-1માં 0.20 ફૂટ, મચ્છુ-2માં 0.30 ફૂટ અને બ્રાહ્મણી-2 ડેમમાં એક ફૂટ નવું પાણી છેલ્લા 24 કલાકમાં ઠલવાયું હતું.
- Advertisement -
જામનગર જિલ્લાના ચાર ડેમોમાં પણ વરસાદના નવા નીર આવ્યા છે. જેમાં ફુલઝર-1માં બે ફુટ, ડાઈ મીણસરમાં અર્ધો ફૂટ, વાડીસંગમાં અઢી ફૂટ અને રૂપારેલમાં 0.33 ફૂટ નવા પાણીની આવક થવા પામી હતી. તથા દ્વારકાના ઘી ડેમમાં પોણો ફૂટ અને સુરેન્દ્રનગર જિલ્લાનાં નાયકામાં 0.30 ફૂટ, ધોળીધજામાં પોણો ફૂટ અને ફલકુ ડેમમાં 0.16 ફૂટ નવું પાણી છેલ્લા 24 કલાક દરમ્યાન ઠલવાયું હતું. આમ સૌરાષ્ટ્રમાં સતત પડી રહેલા વરસાદનાં પગલે ડેમોમાં વરસાદી પાણીની આવક જળવાઈ રહી છે.
31 જેટલી ડેમસાઇટ પર વરસાદ નોંધાયો
સિંચાઇ વિભાગના કહેવા પ્રમાણે સૌરાષ્ટ્માં 31 જેટલી ડેમસાઇટ પર વરસાદ નોંધાયો છે. આ વરસાદ આવવાને કારણે ડેમમાં પાણીની આવક સતત વધી રહી છે. ડેમની સપાટીમાં હજુ પણ વધારો થઇ રહ્યો છે. સિંચાઇ વિભાગ દ્વારા ખાસ કંટ્રોલરૂમ પણ કાર્યરત કરવામાં આવ્યા છે. કોઇ ડેમ ઓવરફલો થાય તો તેના અસરગ્રસ્ત ગામડાને સાવચેત કરવા સહિતની કામગીરી કરવામાં આવી રહી છે