ઉનાળો – ચોમાસુ બાદ હવે શિયાળો પણ અસામાન્ય રહેવાની આગાહી: લા – નીનાનો પ્રભાવ રહેશે
ગુજરાત સહીત દેશના અનેક ભાગોમાં મેઘરાજા તાંડવ કરી રહ્યાની હાલત સર્જાઈ છે ત્યારે ભારે વરસાદ બાદ શિયાળામાં ઠંડી પણ જોરદાર પડી શકે છે. હવામાન નિષ્ણાંતોના કહેવા પ્રમાણે મધ્ય સપ્ટેમ્બરથી લા-નીના સીસ્ટમ એકટીવ થઈ શકે છે અને તેને કારણે ચોમાસું ઓકટોબર સુધી લંબાઈ શકે છે.
- Advertisement -
ભરપુર ચોમાસા બાદ દેશભરમાં ઠંડી પણ હાડ થીજાવનારી હશે.ચાલુ વર્ષે ઉનાળો આકરો રહ્યો હતો ચોમાસુ ભરપુર બન્યુ છે અને હવે શિયાળો પણ કાતિલ બની રહેશે. ભારતીય હવામાન વિભાગના કહેવા પ્રમાણે સપ્ટેમ્બરમાં જ લા-નીના સક્રિય થઈ જવાની પુરી સંભાવના છે. તેની અસર હેઠળ મધ્ય ડીસેમ્બરથી જાન્યુઆરી સુધી કાતિલ ઠંડી પડી શકે છે. લા-નીનાના પ્રભાવ હેઠળ સામાન્ય રીતે તાપમાનમાં ઘટાડો થતો હોય છે.
ચાલૂ વર્ષે ચોમાસાની વિદાય બાદ પણ 15 ઓકટોબર આસપાસ રહી શકે છે. આ વખતે ચોમાસુ અસામાન્ય રહ્યુ જ છે. આઈઆઈટીનાં પ્રોફેસર રઘુ મુર્તુ ગુડેએ કહ્યું કે ચોમાસું સમયસર આવ્યુ હતું. છતા જુનનો વરસાદ પ્રમાણમાં ઓછો હતો. જુલાઈ-ઓગસ્ટમાં ભરપુર વરસ્યો હતો. આ દરમ્યાન વરસાદથી પરંપરાગત પેટર્નમાં ફેરફાર જોવા મળ્યો હતો અતિભારે વરસાદના નવા હોટસ્પોટ માલુમ પડયા હતા તે સમજવાનું મુશ્કેલ છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, છેલ્લા દસ દિવસ દરમ્યાન ગુજરાત, આંધ્રપ્રદેશ, તેલંગાણામાં જળપ્રલયની સ્થિતિ સર્જાઈ હતી અને ભારે તારાજી સર્જાઈ હતી.આ પૂર્વે કેરળમાં ભારે વરસાદ વચ્ચે ભયાનક ભૂસ્ખલન થયુ હતું. હિમાચલ ઉતરાખંડ, મહારાષ્ટ્ર સહીતના રાજયો ધમરોળાયા હતા.