કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી અમેરિકાના ત્રણ શહેરોના પ્રવાસે પહોંચ્યા છે. કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ વિદેશની ધરતી પરથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર કટાક્ષ કર્યો છે. અમેરિકાના સાન ફ્રાન્સિસ્કોમાં મંગળવારે પ્રવાસી ભારતીયો સાથે વાતચીત કરતી વખતે તેમણે પીએમ મોદી પર નિશાન સાધતા કહ્યું કે વડાપ્રધાન મોદીને એવું લાગે છે કે તેઓ બધુ જ જાણે છે. તેઓ ભગવાનને પણ જ્ઞાન આપી શકે છે, જે બાદ ભગવાન પણ વિચારમાં પડી જશે કે તેમણે આ શું બનાવી દીધું!
‘તેઓ ભગવાન કરતાં વધુ જાણે છે’
રાહુલ ગાંધીએ કહ્યું કે, “ભારતમાં જે પરંપરા છે…ગુરુ નાનક અને ગાંધીજી જેવા નેતાઓએ ક્યારેય એવું નથી કહ્યું કે તેઓ બધું જાણે છે. આ દુનિયા ખૂબ મોટી અને જટીલ છે. આ જ સમસ્યા અને બીમારી છે કે ભારતમાં એવા ઘણા લોકો છે, જેઓને લાગે છે કે તેઓ બધું જ જાણે છે. તેઓને એવું પણ લાગે છે કે તેઓ ભગવાન કરતાં વધુ જાણે છે.”
- Advertisement -
PM મોદી ભગવાનને પણ સમજાવશે કે બ્રહ્માંડ કેવી રીતે કરે છે કામ: ગાંધી
રાહુલ ગાંધીએ વધુમાં જણાવ્યું કે, તેઓ ભગવાનની સાથે બેસી શકે છે અને તેમને પણ સમજાવી શકે છે કે શું ચાલી રહ્યું છે. આપણા વડાપ્રધાન પણ આવા લોકોમાંથી એક છે. મને લાગે છે કે જો આપણે તેમને ભગવાનની બાજુમાં બેસાડી દઈશું તો તેઓ ભગવાનને પણ સમજાવવા લાગશે કે બ્રહ્માંડ કેવી રીતે કામ કરે છે. ભગવાન પણ ભ્રમિત રહી જશે કે મેં શું બનાવી દીધું? આ મજેદાર વસ્તુ છે, પરંતુ એવું જ થઈ રહ્યું છે.
નફરતની બજારમાં પ્રેમની બજાર ખોલવા આવ્યો છુંઃ રાહુલ ગાંધી
જોકે, જ્યારે રાહુલ ગાંધી પોડિયમ પર બોલી રહ્યા હતા ત્યારે કેટલાક લોકોએ સૂત્રોચ્ચાર શરૂ કર્યા હતા. આ પછી રાહુલ ગાંધીએ જવાબમાં હસીને કહ્યું કે, તેઓ નફરતની બજારમાં પ્રેમની દુકાન ખોલવા આવ્યો છે.
- Advertisement -
રાહુલ ગાંધી અમેરિકાના પ્રવાસે
અત્રે ઉલ્લેખનીય છે કે, કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી અમેરિકાના પ્રવાસે છે. ત્યાં તેઓ ત્રણ શહેરોનો પ્રવાસ કરશે. રાહુલ ગાંધી ત્યાં રહેતા ભારતીયોની સાથે સાથે અમેરિકી સાંસદો સાથે પણ મુલાકાત કરશે.