પ્રયાગરાજમાં આયોજિત મહાકુંભમાં નાસભાગ મચી જતાં 10થી વધુ લોકોના મોતની આશંકા વચ્ચે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ પણ આક્રમક પ્રતિક્રિયા આપતાં યોગી સરકારને ઘેરી હતી. તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર પોસ્ટ કરીને લખ્યું કે, ‘મૌની અમાસના અવસરે બનેલી નાસભાગની ઘટના બદલ યુપી સરકાર જ જવાબદાર છે. આ દુઃખદ ઘટના મિસ મેનેજમેન્ટ, સામાન્ય શ્રદ્ધાળુઓની જગ્યાએ VIP મૂવમેન્ટ પર તંત્રનું ખાસ ધ્યાન હોવાને કારણે સર્જાઈ હતી.
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ ‘X’ પર લખ્યું કે, ‘હાલમાં મહાકુંભને ઘણો સમય બાકી છે અને હજુ ઘણાં મહાસ્નાન થવાના છે. આજ જેવી દુઃખદ ભવિષ્યમાં ન બને તેના માટે સરકારે વ્યવસ્થામાં સુધારા કરવા જોઈએ. વીઆઈપી કલ્ચર પર સકંજો કસવામાં આવે અને સરકાર સામાન્ય શ્રદ્ધાળુઓની જરૂરિયાતનો પૂર્ણ કરવા માટે શ્રેષ્ઠ વ્યવસ્થા કરે. કોંગ્રેસ કાર્યકરો અને નેતાઓને મારી અપીલ છે કે તેઓ પીડિત પરિવારોની મદદ કરે.’
- Advertisement -
તેમણે લખ્યું કે, ‘હું શોકમાં ગરકાવ પરિવારે પ્રત્યે સંવેદના વ્યક્ત કરું છું અને ઘાયલો પ્રત્યે સહાનુભૂતિ વ્યક્ત કરું છું. પ્રયાગરાજ મહાકુંભમાં નાસભાગને કારણે અનેક લોકોના મોતના સમાચાર અને ઘાયલ થયાની ઘટના દુઃખદ છે.’
અખિલેશે પણ તાક્યું નિશાન
બીજી બાજુ અખિલેશ યાદવે પણ આ મામલે સરકાર અને મહાકુંભમાં મેનેજમેન્ટ સામે નિશાન સાધતા ‘X’ પર લખ્યું કે, ‘અવ્યવસ્થાને કારણે આ દુઃખદ ઘટના સર્જાઈ છે અને સરકાર વીઆઈપી લોકોની સુરક્ષામાં જ વ્યસ્ત છે. નોંધનીય છે કે, મૌની અમાસ પર લગભગ બે કરોડ લોકોએ પ્રયાગરાજમાં સ્નાન કર્યું.
- Advertisement -
મહાકુંભમાં સ્થિતિ અંડરકંટ્રોલ, કોઇ અફવા ના ફેલાવો- યોગી આદિત્યનાથ
યોગી આદિત્યનાથે કહ્યું કે- રાત્રે 1 વાગ્યાથી 2 વાગ્યા વચ્ચે અખાડા માર્ગ પર બેરિકેડ તોડીને આવવામાં કેટલાક શ્રદ્ધાળુ ગંભીર રીતે ઘાયલ થયા છે તેમના માટે સારવારની વ્યવસ્થા કરવામાં આવી છે. સતત સ્થાનિક તંત્ર સ્નાનની વ્યવસ્થા કરી રહ્યું છે. પ્રયાગરાજમાં મહાકુંભમાં સ્નાન કરો, અમૃત સ્નાન માટે દેશભરથી આવેલા લોકોની વ્યવસ્થા માટે પીએમ મોદીએ ચાર વખત સ્થિતિની સમીક્ષા કરી છે. યોગી આદિત્યનાથે આ સાથે જ કહ્યું હતું કે, મહાકુંભમાં અત્યારે સ્થિતિ અંડરકંટ્રોલ છે, કોઇ અફવા ના ફેલાવો.
કેવી રીતે નાસભાગ મચી?
માહિતી અનુસાર એક પ્રત્યક્ષદર્શીએ કહ્યું કે, ‘મધ્યરાત્રિએ શ્રદ્ધાળુઓની ભારે ભીડ સંગમ કિનારે ઉમટી હતી. આ દરમિયાન જ બેરિકેડનો એક હિસ્સો તૂટ્યો અને નાસભાગ મચી ગઈ. જોત જોતામાં સ્થિતિ બેકાબૂ થઇ અને લોકો બેફામ આમ-તેમ ભાગવા લાગ્યા. જેના લીધે અનેક લોકોની વસ્તુઓ નીચે પડી ગઇ અને જે લોકો વસ્તુઓ ઉપાડવા નમ્યા તે ભીડ નીચે કચડાઈ ગયા. ઘણાં લોકોએ બચવા પ્રયાસ કર્યો પણ કોઈ બચવાની જગ્યા ન મળી. બધા વિખેરાઈ ગયા. અનેક ઘાયલ પણ થયા છે. સ્થિતિ જ એવી હતી કે કોઈને ખબર ના પડી શકે ખરેખર શું થઇ રહ્યું છે.’