રામલલ્લાની નવ ફૂટ ઊંચી શ્યામવર્ણી મૂર્તિ મુખ્ય રથમાં થશે બિરાજમાન
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.16
- Advertisement -
આગામી તા. 17 ને બુધવારના રોજ રામનવમીના પાવન પર્વ નિમિત્તે વિશ્ર્વ હિન્દુ પરિષદ અને રાધેશ્યામ ગૌશાળાના સંયુક્ત ઉપક્રમે સૌરાષ્ટ્રની સૌથી લાંબી અને સૌથી મોટા રૂટ ઉપર ફરતી ભવ્યાતિભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. રામનવમીના દિવસે નાણાવટી ચોક ખાતે સવારે 8 કલાકે એક ધર્મસભા બાદ ભવ્ય શોભાયાત્રા રાજકોટના રાજમાર્ગો પર વિચરશે. અયોધ્યામાં બિરાજમાન સ્વરૂપ એવા શ્યામવર્ણી રામલલ્લાની 9 ફૂટ ઊંચી મૂર્તિ આ શોભાયાત્રાના મુખ્ય રથમાં બિરાજમાન કરવામાં આવશે. આ મૂર્તિને શોભાયાત્રાના રૂટમાં અનેક સામાજિક સંસ્થાઓ, ધાર્મિક સંસ્થાઓ, સેવાકીય સંસ્થાઓ, એન.જી.ઓ., મંડળો, ગ્રુપ, રાજકીય પક્ષો દ્વારા ઠેર ઠેર વધામણાં કરવામાં આવશે. આ ઉપરાંત આ શોભાયાત્રામાં જીવંત પાત્રો સાથેના લાઈવ ફ્લોટ કે જેમાં ભગવાન શ્રી રામના જીવન પ્રસંગોને આવરીને સંદેશો પાઠવવામાં આવશે તેવા લાઈવ ફ્લોટ ઉપરાંત શ્રીરામ દરબાર, હનુમાનજી મહારાજ, ભારત માતા, ગૌમાતા, મહાદેવ સહિતની દર્શનીય મૂર્તિઓ સાથે 30થી પણ વધુ ફ્લોટ્સ જોડાવાના છે. રથયાત્રા શરૂ થતાં 1100 કિલો મીઠાઈ તથા 1100 કિલો ફરાળનો પ્રસાદ રામભક્તોને વહેંચવામાં આવશે.
આ ભવ્ય શોભાયાત્રામાં બજરંગ દળના કેસરી ખેસધારી યુવાનો તેમજ એકસરખા વસ્ત્રમાં સજ્જ માથે કેસરી સાફા પહેરીને દુર્ગાવાહિનીની બહેનો જોડાવાના છે. 21 બહેનોની એક ટીમ ફરસી રાસ પણ પ્રસ્તુત કરશે જેને માણવો પણ એક લહાવો છે. શોભાયાત્રાના રૂટ પર અલગ અલગ સંસ્થા, ગ્રુપ, મંડળો દ્વારા ઠેર ઠેર પાણી, શરબત, છાશ, ફરાળ સહિતની વ્યવસ્થા કરવામાં આવી છે.આ શોભાયાત્રા જ્યાં પૂર્ણ થવાની છે તેવા સ્થળની પણ એક આગળી વિશેષતા છે. પૂર્ણાહુતિ સ્થળ એવા સતયુગ રામજી મંદિર કે જે ન્યાલભગત અન્નક્ષેત્રના નામથી પણ ઓળખાય છે, આ મંદિરમાં ભગવાન શ્રી રામ ચત્રભુજ સ્વરૂપે બિરાજમાન છે. 1991થી એટલે કે છેલ્લા 33 વર્ષથી બૃહદ બ્રહ્મમંત્રી ‘ૐ હિં રામ જય રામ જય જય રામ’ની અખંડ રામધૂન આ મંદિરમાં ચાલી રહી છે. આ ધૂનનો હેતુ વિશ્ર્વ કલ્યાણ, પ્રલય નિવારણ અને ગૌરક્ષા હેતુ માટે છે. આ શોભાયાત્રા પૂર્ણ થયેલ મુખ્ય રથમાં બિરાજમાન રામલલ્લાની આરતી કરવામાં આવશે જેમાં સતયુગ રામજી મંદિરના સુરેશ મહારાજ અને રાહુલભાઈ જોશી જોડાવાના છે અને 12 કલાકે મંદિરમાં બિરાજમાન પ્રભુ શ્રીરામની મહાઆરતી કરવામાં આવશે.
રામનવમીની શોભાયાત્રાને બજરંગ દળના યુવાનોની એક ટીમ સુરક્ષા પૂરી પાડશે. સમગ્ર શોભાયાત્રા જ્યારે રાજકોટના રાજમાર્ગો પર ફરશે ત્યારે લાખોની સંખ્યામાં રામભક્તો મુખ્ય રથમાં બિરાજમાન અયોધ્યાની મૂર્તિની પ્રતિકૃતિ સમાન શ્યામવર્ણી રામલલ્લાના દર્શનનો અને અનેકવિધ ફ્લોટ નિહાળવાનો લહાવો લેશે. આ તકે તમામ હિન્દુ સમાજને આ ધર્મસભા અને શોભાયાત્રામાં જોડાવવા વિશ્ર્વ હિન્દુ પરિષદ અને રાધેશ્યામ ગૌશાળા દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે. સમગ્ર કાર્યક્રમને બનાવવા શાંતુભાઈ રૂપારેલિયા, માવજીભાઈ ડોડીયા, રાધેશ્યામબાપુ, પ્રફુલભાઈ નલિયાપરા, વિજયભાઈ વાંક વગેરે દ્વારા જાહેરજનતાને આમંત્રણ પાઠવાયું છે.
- Advertisement -
આજરોજ ‘ખાસ-ખબર’ કાર્યાલયે શોભાયાત્રા અને ધર્મસભાની માહિતી આપવા શોભાયાત્રા સમિતિના મહામંત્રીઓ હર્ષિતભાઈ ભાડજા, સુશીલભાઈ પાંભર, દીપકભાઈ ગમઢા, હર્ષભાઈ વ્યાસ, વિહિપ, બજરંગ દળના હર્ષ મુથરેજા, ધ્વનિત સરવૈયા, મયુર મકવાણા, ગૌરાંગ ડાભી, વિમલ લીંબાસીયા, ભાર્ગવ નિમ્બાર્ક રાજુ સાવલિયા, હિનેશ મકવાણા, ધનરાજ રાધાણી, દુર્ગાવાહિની-માતૃશક્તિના હીરલબેન જાની, શિતલબેન ધામેલીયા, સોનલબેન જોષી, સાક્ષીબેન ધામેલીયા, અંજુબેન પટેલ, વૈશાલીબેન ડોબરીયા, ભાર્ગવીબેન ભટ્ટ, વિધિબેન જોષી, ઉર્મિલાબેન શુક્લ, ભૂમિબેન મહેતા, રુચા નિમ્બાર્ક, જ્યોતિબેન પંડ્યા વગેરે આવ્યા હતા.
શોભાયાત્રાનો રૂટ
નાણાવટી ચોક, 150 ફૂટ રિંગ રોડ સવારે 8-00 કલાકે
(ધર્મસભા બાદ પ્રસ્થાન)
રૈયા ચોકડી 9-30 કલાકે
કનૈયા ચોક 9-40 કલાકે
હનુમાનમઢી ચોક 9-50 કલાકે
કિશાનપરા ચોક 10-00 કલાકે
જિલ્લા પંચાયત ચોક 10-10 કલાકે
ફૂલછાબ ચોક 10-15 કલાકે
રોકડીયા હનુમાન મંદિર ચોક 10-20 કલાકે
મોટી ટાંકી ચોક 10-30 કલાકે
લીમડા ચોક 10-40 કલાકે
એ.સી.બી. ઓફિસ 10-45 કલાકે
ત્રિકોણબાગ 10-50 કલાકે
લાખાજીરાજ રોડ 10-55 કલાકે
કરણસિંહજી બાલાજી મંદિર રોડ 11-00 કલાકે
સ્વામિનારાયણ મંદિર ભુપેન્દ્ર રોડ 11-10 કલાકે
આશાપુરા મંદિર પેલેસ રોડ 11-15 કલાકે
કેનાલ રોડ 11-25 કલાકે
ભુતખાના ચોક 11-30 કલાકે
લોધાવાડ ચોક 11-40 કલાકે
ગોંડલ રોડ સૂર્યકાંત હોટલ 11-45 કલાકે
બોમ્બે ગેરેજ ચોક 11-50 કલાકે
સતયુગશ્રી રામજી ભગવાન મંદિર 12-00 કલાકે
શ્રી ન્યાલ ભગત અન્નક્ષેત્ર (મહાઆરતી-પૂર્ણાહુતિ)