રાજ્યમાં „ ITનું મેગા સર્ચ-ઓપરેશન
મહેસાણા, અમદાવાદ અને મોરબીમાં ITનું સર્ચ-ઓપરેશન: મોરબીના તિર્થક ગ્રુપના સ્થળો અને જીવરાજભાઈ ફુલતરિયાના ઘર પર સર્ચ
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
રાજ્યમાં થોડા દિવસના વિરામ બાદ ફરી IT વિભાગ ત્રાટક્યું છે. મહેસાણાના નામાંકિત રાધે ગ્રુપને ત્યાં અને તેના ભાગીદારો પર IT વિભાગે દરોડો પાડી તપાસ હાથ ધરી છે. મહેસાણામાં આવેલા રાધે ગ્રુપનાં સ્થાનો પર અને તેના ભાગીદારોના અમદાવાદ અને મોરબીમાં આવેલા સ્થાન પર આઈટી વિભાગ દ્વારા સંયુક્ત તપાસ હાથ ધરવામાં આવી છે. ત્રણેય સ્થળ પર બે ડઝનથી વધુ ટીમો દ્વારા સર્ચ હાથ ધરાતાં મોટા પ્રમાણમાં બેનામી વ્યવહાર બહાર આવવાની શક્યતા છે. મળતી માહિતી પ્રમાણે મહેસાણાના નામાંકિત રાધે ગ્રુપના મહેન્દ્રભાઈ પટેલ અને તેમના ભાગીદારોને ત્યાં આઈટી વિભાગે તપાસ હાથ ધરી છે. આશરે બે ડઝનથી વધુ સ્થળે આઈટી વિભાગે એકસાથે તપાસ હાથ ધરી છે.
રાજકોટ જિલ્લાના એક રાજકારણીના જમાઈને ત્યાં પણ દરોડો પાડવામાં આવ્યો છે. મોરબીના બે સિરામિક ઉદ્યોગકારોનું પણ રાધે ગ્રુપ સાથે કનેક્શન હોય ત્યાં પણ તપાસ ચાલી રહી છે. આ ઉપરાંત અમદાવાદમાં પણ આઈટી વિભાગ દ્વારા સર્ચ હાથ ધરવામાં આવ્યું છે. IT વિભાગ દ્વારા આજે વહેલી સવારથી જ પોલીસને સાથે રાખી મોરબી, અમદાવાદ, મહેસાણા સહિતનાં સ્થળો પર સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે. આ ગ્રુપ પેપર મિલ અને બાંધકામના વ્યવસાય સાથે સંકળાયેલું હોવાનું જાણવા મળ્યું છે. ITની તપાસમાં બેનામી વ્યવહાર હાથ લાગે તેવી શક્યતાઓ સેવાઈ રહી છે. મોરબીમાં પેપર મિલ અને બાંધકામ સાથે સંકળાયેલા તીર્થક ગ્રુપ પર વહેલી સવારે સાડાપાંચ વાગ્યાથી દરોડાની કામગીરી હાથ ધરવામાં આવી છે. ગ્રુપની ઓફિસ, કારખાના તેમજ ગ્રુપના મોભી જીવરાજભાઈ ફુલતરિયાના રવાપર રોડ પર આવેલ ઘર પર પણ સર્ચ હાથ ધરવામાં આવ્યું છે.