મોબાઇલ છોડી મેદાનમાં આવ્યા બાળકો
ડાન્સ, રંગોળી, લીંબુ ચમચી, કોથળા દોડ, ચેસ અને સંગીત ખુરશી સહિતની રમત બાળકો રમ્યા
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
આજના મોબાઇલ અને ડિજિટલ યુગમાં બાળકોમાં વધતા સ્ક્રીન ટાઇમને ધ્યાનમાં રાખીને તેમને ફરી એકવાર રમત-ગમત અને શારીરિક પ્રવૃત્તિઓ તરફ પ્રોત્સાહિત કરવા રાજકોટમાં વિશેષ ‘ફનસ્ટ્રીટ’નું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમને બાળકો અને વાલીઓ તરફથી ઉત્સાહભર્યો પ્રતિસાદ મળ્યો હતો. બાળકોને મોબાઇલથી દૂર રહી સાથી મિત્રો સાથે ખુલ્લી હવામાં રમવાનો આનંદ મળ્યો હતો. આ સાથે બાળકોમાં શારીરિક તંદુરસ્તી, સામૂહિક ભાવના અને સર્જનાત્મકતા વિકસે તે હેતુથી વિવિધ પ્રવૃત્તિઓનું આયોજન પણ કરવામાં આવ્યું હતું.
રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન અને મિશન સ્માર્ટ સીટી ટ્રસ્ટ ચિત્રનગરી દ્વારા સ્વચ્છતા માટે ખાસ એક દિવસની ફનસ્ટ્રીટનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં શહેરના રેસકોર્સમાં આવેલી આર્ટ ગેલેરી નજીક મોબાઈલ ભૂલી બાળકોએ જૂની વિસરાયેલી 30 રમતોનો આનંદ માણ્યો હતો. અને ડાન્સ, રંગોળી, લીંબુ ચમચી, કોથળા દોડ, ચેસ સહિતની રમતોની રમઝટ જામી હતી. બાળકો જ નહીં મોટેરાઓ પણ મોટી સંખ્યામાં વિસરાયેલી રમતોનો આનંદ માણવા પહોંચ્યા હતા. તેમજ દર રવિવારે ફનસ્ટ્રીટ યોજવાની માંગ લોકો દ્વારા કરવામાં આવી હતી. આજે મોબાઈલના યુગમાં લોકો ફીઝીકલ ગણાય તેવી જૂની રમતો રમવાનું ભૂલ્યા છે. જોકે આવી રમતો રમવી સ્વાસ્થ્ય માટે પણ ખૂબ જરૂરી હોય છે. ત્યારે ચિત્રનગરી દ્વારા મનપાનાં સહયોગથી ફનસ્ટ્રીટનું આયોજન કરાય છે. શાળાએ જવા માટે નહીં ઉઠતા બાળકો સામેથી ઉઠી ગયા હતા. અને વહેલી સવારથી માતા-પિતા સાથે અહીં પહોંચ્યા હતા. નાના બાળકો, યુવાનો તેમજ વૃદ્ધો પણ ફનસ્ટ્રીટમાં જૂની વિસરાઈ ગયેલી રમતો રમ્યા હતા. આ ઉપરાંત કેટલાક યુવાનો અને વૃદ્ધો દોરડાઓ કૂદતા નજરે પડ્યા હતા. આ ફનસ્ટ્રીટ દરમિયાન રંગીલું ગણાતું રાજકોટ વિવિધ રમતના રંગે રંગાયેલું જોવા મળ્યું હતું. જોકે સામાન્ય રીતે ઉનાળામાં યોજાતી આ ફનસ્ટ્રીટ પ્રથમવાર શિયાળામાં યોજાઈ હતી. જેને લઈ લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. અને એક જ રવિવાર માટે યોજાયેલી ફનસ્ટ્રીટ દર રવિવારે યોજાય તેવી માંગ અહીં આવનારા લોકોએ કરી હતી.



