3 મહિનામાં 500થી વધુ લોકો ભોગ બન્યા
ખાસ-ખબર ન્યૂઝ ગોંડલ
ગોંડલ શહેરમાં હડકાયા કૂતરાઓનો આતંક દિવસેને દિવસે વધી રહ્યો છે. છેલ્લા ત્રણ-ચાર મહિનાથી શહેરના જુદા-જુદા વિસ્તારોમાં કૂતરાઓના હુમલાથી અંદાજે 500થી વધુ લોકો ભોગ બની ચૂક્યા છે. આજે નાની બજાર, ભગવતપરા અને કોર્ટ વિસ્તારમાં એક જ દિવસમાં 22 જેટલા લોકોને કૂતરાઓએ બચકા ભર્યા હતા, જેમને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. પરિસ્થિતિ એટલી ગંભીર બની છે કે બાળકોથી લઈને મહિલાઓ અને વૃદ્ધો પણ આ હડકાયા કૂતરાઓનો શિકાર બની રહ્યા છે.
- Advertisement -
બાઇક અને સ્કૂટર ચાલકો પાછળ કૂતરાઓ દોડીને હુમલો કરવાની ઘટનાઓ રોજિંદી બની ગઈ છે. કેટલાક વિસ્તારોમાં લોકો કૂતરાઓના ડરથી બહાર નીકળવાનું પણ ટાળી રહ્યા છે. નગરપાલિકા તંત્ર એનિમલ એક્ટને કારણે લાચાર બની ગયું છે, જ્યારે લોકો સુરક્ષાની માંગ કરી રહ્યા છે. સિવિલ હોસ્પિટલમાં શિવમ સાર્વજનિક ટ્રસ્ટની ટીમ પીડિતોની સારવાર માટે સતત કાર્યરત છે. ગોંડલ ભાજપના ઉપપ્રમુખ કિશોરભાઈ ધડુકે આ સમગ્ર ઘટનાની જાણ નગરપાલિકા પ્રમુખને કરી છે, પરંતુ હજુ સુધી કોઈ ઠોસ પગલાં લેવામાં આવ્યા નથી.