બીમારમાં પ્લેટલેટ ઘટીને 15 હજાર થઈ ગયા, પણ સારવાર ન મળી
મેનેજમેન્ટ માટે જિંદગીથી વધુ મહત્ત્વની હાજરી, કોંગી પ્રવક્તાએ સવાલો ઉઠાવ્યા
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટની આર. કે. યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીનું ડેન્ગ્યુના કારણે મોત થયાનું સામે આવ્યું છે. જેને લઈને કોલેજના સાથી વિદ્યાર્થીઓએ કેન્ડલ માર્ચ કાઢી વિરોધ નોંધાવ્યો હતો. આર. કે. યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા અંદાજીત 24 વર્ષના રપુ કુમાર નામના વિદ્યાર્થીનું ગુરૂવારની સાંજે સાત વાગ્યે મોત થયું હતું. મંગળવારે આ વિદ્યાર્થીને ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. હોસ્પિટલના સૂત્રોના જણાવ્યા પ્રમાણે વિદ્યાર્થીને લેટ એડમિટ કરવામાં આવ્યો હતો. જેના કારણે રિકવરી કોઈપણ સંજોગોમાં પોસિબલ ન હતી.
કોલેજના વિદ્યાર્થીના જણાવ્યા મુજબ, મૃતક છેલ્લા કેટલાક દિવસથી બિમાર હતો, પરંતુ કોલેજની એટેન્ડન્સ અને પરીક્ષાને લઈને કોલેજ આવવું પડ્યું હતું. તે એ હદ સુધી બિમાર હતો કે તેમના પ્લેટ લેટ 15,000 થઈ ગયા હતા. જે સામાન્ય લોકોના અંદાજીત બે લાખ હોવા જોઈએ. આ ઉપરાંત કોલેજમાં પણ ગંદકીનું સામ્રાજ્ય હોવાની વાત પણ કરી હતી. જોકે, આજે વિદ્યાર્થીના મોત બાદ કોલેજ તંત્ર સતર્ક થયું હતું અને સાફ સફાઈ કરાવી હતી. કોંગ્રેસના પ્રવક્તા રોહિતસિંહ રાજપૂતે પણ આ ઘટનાને લઈને કોલેજ પર અનેક સવાલો કરી દીધા હતા. જેમાં તેમણે જણાવ્યું હતું કે, મને આજે આર કે યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા કેટલાક વિદ્યાર્થીના કોલ આવ્યા હતા. કોલેજમાં ગંદકીને લઈને પણ ફરિયાદ કરી હતી. તેમજ કોલેજમાં એટેન્ડન્સને લઈને પણ વાત કરી હતી. આર. કે. યુનિવર્સિટીમાં ડેન્ગ્યુના કારણે એક વિદ્યાર્થીનું મોત થવા પાછળ મુખ્ય જવાબદાર કારણ સત્તાધીશોની બેદરકારી છે. મરણજનાર વિદ્યાર્થીના સાથી મિત્રોએ મને ફરિયાદ કરી હતી કે, હોસ્ટેલમાં ખુબ જ ગંદકી હોય છે, તેથી મચ્છરનો ઉપદ્રવ વધુ પ્રમાણમાં રહે છે. આ ઉપરાંત હોસ્ટેલમાં જમવાનું યોગ્ય નથી જેના કારણે અનેક વિદ્યાર્થીઓ બીમાર પડયા
કરે છે.
- Advertisement -
મેનેજમેન્ટે વિદ્યાર્થીને મેડિકલ લીવ પણ ન આપી
વધુમાં તેમણે જણાવ્યું કે, આ વિદ્યાર્થી જ્યારે બીમાર પડ્યો ત્યારે તેમને યુનિવર્સિટી મેનેજમેન્ટે હાજરી ઓછી હોવાથી મેડિકલ લીવ પણ આપી નહોતી. ત્યારે આ વિદ્યાર્થીના મોત પાછળ જવાબદાર કોણ? બાળકોના વાલીઓ હજારો કિલોમીટર દૂરથી યુનિવર્સિટીના સત્તાધીશોના વિશ્ર્વાસે અભ્યાસ માટે મુકતા હોય છે. તેમના ભવિષ્યની ચિંતા તેમને સતત સતાવતી હોય છે. ત્યારે મેનેજમેન્ટની જવાબદારી બને કે વિદ્યાર્થીઓની યોગ્ય સારસંભાળ સાથે શિક્ષણ આપવું તેમજ કોઈ બાળક બીમાર જણાઈ તો પ્રાથમિક સારવાર બાદ તેમના વાલીને બોલાવી યોગ્ય સારવાર કરાવવા સૂચન આપવી જોઈએ.