ત્રણ માસના બીમાર સંતાનની સારવાર માટે હાથફેરો કરનાર દંપતિની ધરપકડ
દોઢ કલાક બંધ મકાનનું તાળું ચાવીથી ખોલી ચોરીને અંજામ આપ્યો હતો
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.3
રાજકોટના રેલનગરના સંતોષિનગરમાં થયેલ 3.12 લાખની ચોરીના બનાવમાં પ્ર. નગર પોલીસે ગણતરીની કલાકોમાં ભેદ ઉકેલી નાંખી મૂળ ગોંડલના અને હાલ લાલબહાદુર શાસ્ત્રી આવાસના ક્વાર્ટરમાં રહેતાં દંપતીને ઝડપી લઈ ચોરીમાં ગયેલ મુદામાલ કબ્જે કરી પૂછતાછ કરતાં ત્રણ માસના બીમાર સંતાનની સારવાર માટે ચોરી કર્યાની કબુલાત આપી હતી. રાજકોટના રેલનગરના સંતોષીનગરમાં રહેતા હર્ષાબેન શૈલેષભાઈ પરેશાએ પ્રદ્યુમન નગર પોલીસ મથકમાં અજાણ્યા શખસ સામે ચોરી અંગે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે ગત તા.1 ફેબ્રુઆરીના બપોરે મકાન બંધ કરી નજીકમાં સબંધીને ત્યાં પ્રસંગમાં જમવા ગયાં હતા ત્યારે અજાણ્યો શખસોએ ઘરનું તાળું કોઈ ચાવીથી ખોલી કબાટની તિજોરીમાં રાખેલા સોનાનો ચેઈન, સોનાની લકી, સોનાનું પેન્ડલ અને 3 બુટી મળી 3.12 લાખની મતાની ચોરી કરી હતી આ ઘટના બાદ પોલીસ કમિશ્નર બ્રજેશકુમાર ઝા, એડી. સીપી મહેન્દ્ર બગડીયા, ડિસીપી જગદીશ બાંગરવા, એસીપી રાધીકા ભારાઈની સૂચના અને માર્ગદર્શન હેઠળ પ્ર.નગર પોલીસ મથકના પીઆઈ પી.આર.ડોબરીયા, પીએસઆઇ આઈ.એ.બેલીમ સહિતની ટીમ ગુનાનો ભેદ ઉકેલવા પેટ્રોલિંગમાં હતી
ત્યારે સ્ટાફના એએસઆઈ ડી.વી.ખાંભલા, કોન્સ્ટેબલ રીયાઝ, વનરાજ અને તોફીકને સીસીટીવી ફુટેજના આધારે એક શંકાસ્પદ પુરૂષ તથા મહીલા બાઈક ઉપર બેસી શંકાસ્પદ હાલતમા બનાવ સ્થળે જોવામા આવતા ફુટેજ આધારે મહીલાને શોધી તેનું નામ પૂછતાં મૂળ ગોંડલના હાલ લાલબહાદુર શાસ્ત્રી આવાસના કવાટરમાં રહેતા શીતલબેન મિલન જોટંગીયા ઉ.25 હોવાનું જણાવ્યું હતું ચોરી અંગે પુછપરછ કરતાં તેણે પતિ મિલન ધીરંદ્ર જોટંગીયા સાથે મળીને ચોરી કરેલી હોવાનુ જણાવતા તેના પતિની પણ ધરપકડ કરી ચોરીમાં ગયેલ સોનાના દાગીના અને બાઈક મળી કુલ રૂ.3.32 લાખનો મુદામાલ કબ્જે કરી પૂછતાછ કરતાં થોડા સમય પહેલાં બંને પ્રેમ લગ્ન કરી રાજકોટ રહેવાં આવેલ હતાં દરમિયાન ફરિયાદી અને આરોપી મહિલા દૂરના સગા થતાં હોય જેથી તેમની ઘરે અવરજવર રહેતી હતી જેથી ગઈ તા.1 ના ફરિયાદીના મકાનની રેકી કરી ચોરીને અંજામ આપ્યો હતો હાલ બેરોજગાર હોય અને ત્રણ માસનું સંતાન બીમાર રહેતાં તેની સારવાર માટે ચોરી કર્યાનું રટણ કર્યું હતું.