અંદાજે 1.04 લાખ બાળકોને ‘દો બૂંદ’ પીવડાવાશે
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.15
- Advertisement -
જૂનાગઢ જિલ્લાના તમામ ગામો અને શહેરોમાં પલ્સ પોલીયો રસીકરણ અભિયાન અંતર્ગત 0 થી 5 વર્ષના અંદાજે 1,04,016 બાળકોને તા.23 જૂન રવિવારના રાઉન્ડ દરમિયાન દરેક ગામે પોલિયોના કુલ 758 બુથો પર પોલિયોની રસી પીવડાવવામાં આવશે. ઉપરાંત છુટા છવાયા વાડી, નેસ વગેરે વિસ્તારોમાં રહેતા કુટુંબોના બાળકોને 22 મોબાઇલ બુથ દ્વારા અને રેલવે સ્ટેશનો, એસ.ટી. સ્ટેન્ડ, મોટા મંદિરો, મેળા બજારો જેવા જાહેર સ્થળોએ 39 ટ્રાન્ઝીટ બુથો ગોઠવીને બાળકોને પોલિયોના રોગ સામે રક્ષણ આપવા માટે પોલિયોની રસી પીવડાવવાનું કલેક્ટર શ્રી અનિલ રાણાવસિયા અને જિલ્લા વિકાસ અધિકારી નિતિન સાંગવાનના સીધા માર્ગદર્શન હેઠળ આયોજન કરવામાં આવ્યું છે.
જૂનાગઢ જિલ્લા વિકાસ અધિકારીનીઅધ્યક્ષ સ્થાને પલ્સ પોલિયો રસીકરણ સ્ટીઅરીંગ કમિટીની મિટિંગ યોજવામાં આવી હતી. જેમાં વિવિધ વિભાગો તેમજ આરોગ્ય વિભાગના જિલ્લા કક્ષાના તથા તાલુકા કક્ષાના અધિકારીશ્રીઓ હાજર રહ્યા હતા.જિલ્લા વિકાસ અધિકારીએ 100 ટકા રસીકરણ થાય તે માટે જરૂરી સૂચનાઓ અને માર્ગદર્શન આપ્યું હતું.આ કાર્યક્રમને સફળ બનાવવા માટે 564-આરોગ્ય કર્મચારી, 638-આંગણવાડી કાર્યકર-હેલ્પર બહેનો, 1008-આશા કાર્યકર બહેનો તથા 172-અન્ય સ્વયંસેવકો મળી કુલ-2382 કર્મચારીઓની ટીમો બનાવી પોલિયો રસીકરણ અભિયાનની કામગીરી કરવામાં આવશે. આ કામગીરીનું સુપરવિઝન 117-ઝોનલ સુપરવાઇઝશ્રીઓ કરશે અને તમામ કામગીરીનું લાઇઝનીંગ જિલ્લાના વર્ગ-1 ના અધિકારીશ્રીઓ દ્વારા કરવામાં આવશે.
આ પોલિયો રસીકરણ અભિયાનનાં રાઉન્ડમાં આપના નજીકના પોલિયોના બુથ ઉપર લોકો પોતાના વહાલસોયા બાળકને લઇ જઇ પોલિયોની રસી અચુક પીવડાવી બાળકને પોલિયોના રોગ સામે રક્ષણ અપાવવા તમામ બાળકના માતા-પિતા, વાલીને અનુરોધ કરવામાં આવે છે. બાળકને અગાઉ ગમે તેટલી વખત પોલિયોની રસી પીવડાવેલ હોય તો પણ અને બાળક સામાન્ય બિમાર હોય તો પણ બાળકને પોલીયો રવિવારે ફરીથી પોલિયોની રસી અચુક પીવડાવવા અનુરોધ કરવામાં આવ્યો છે.